Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવિડની ડયૂટી દરમિયાન વિશિષ્ટ કામ કરતાં શિક્ષકોનું ડોક્યુમેન્ટેશન તૈયાર કરાશે

કોવિડની ડયૂટી દરમિયાન વિશિષ્ટ કામ કરતાં શિક્ષકોનું ડોક્યુમેન્ટેશન તૈયાર કરાશે

0
45
  • 10 જૂન સુધીમાં શિક્ષકોએ તેમની વિશિષ્ટ કામગીરીની વિગતો જિલ્લાના અધિકારીને મોકલવાની રહેશે

  • સમાજને થયેલા ફાયદાને લગતી સક્સેસ સ્ટોરીને પ્રાધાન્ય અપાશે

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકારે અનેકવિધ પગલાંઓ ભર્યા છે. આ કામગીરીમાં પ્રારંભથી સરકારે મેડિકલ સ્ટાફની માફક પ્રાથમિક શાળાના શિક્ષકોને જોડવામાં આવ્યા છે. જોકે, આમ છતાં ઘણા શિક્ષકો ડ્યુટી સિવાયની પણ વિશિષ્ટ કામગીરી કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા હવે આવા શિક્ષકોની કોવિડને લગતી વિશિષ્ટ કામગીરીનું ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે શિક્ષકોએ 10 જૂન સુધીમાં જિલ્લાના નક્કી કરેલા સંકલન અધિકારીને પોતાની વિશિષ્ટ કામગીરીની વિગતો વોટ્સએપ અથવા ઈ-મેઈલ દ્વારા મોકલી આપવાની રહેશે. ત્યાર બાદ તે વિગતોના આધારે ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે.

રાજ્યમાં આવેલી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા તેમને મળેલી કોવિડ-19ની મહામારી સંક્રમણ રોકવા તથા વિવિધ પ્રકલ્પો દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવા શિક્ષકોને પ્રોત્સાહન મળે અને તેમણે કરેલી કામગીરીની યોગ્ય રીતે નોંધ લેવાય તે હેતુથી તેમણે કરેલી કામગીરીનું યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જરૂરી મુદ્દાઓને ધ્યાને રાખીને જિલ્લામાં શિક્ષકોને સરકાર દ્વારા સોંપવામાં આવેલી હોય તે સિવાયની કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય તો તેની વિગતો મોકલી આપવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરી સુચના અપાઈ છે.

આ માટે સમગ્ર રાજ્યના ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોનમાં જિલ્લાઓની વહેંચણી કરાયા બાદ જે તે જિલ્લાના સંકલનકર્તાને વોટ્સએપ દ્વારા કે ઈ-મેઈલ દ્વારા વિગતો મોકલી આપવાની રહેશે. જે તે ઝોનના કન્વીનર તેની ચકાસણી કરી ડોક્યુમેન્ટેશનમાં સમાવવા જેવી બાબત સંકલિત કરી રાજ્ય કક્ષાએ મોકલી આપશે. ડોક્યુમેન્ટેશન માટે વિવિધ આઠ જેટલા મુદ્દાઓ ધ્યાને લેવાના રહેશે. જેમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલીંગની સંખ્યા, વાલીઓના કાઉન્સેલીંગની સંખ્યાનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, મુખ્ય શિક્ષક વગેરે સાથેની બેઠક, રાશન કીટ, માસ્ક વિતરણ, રક્તદાન કર્યુ હોય તેની વિગત, ઓક્સિજનની વ્યવસ્થા, દર્દીની વિશિષ્ટ સંભાળ કરેલી હોય તેવી બાબતો, કામગીરીના કારણે સમાજને થયેલા ફાયદાઓની સક્સેસ સ્ટોરી, કોવિડ-19 સંક્રમણ અટકાવવા કરેલા પ્રચાર-પ્રસારની કામગીરી અને આ સિવાયની પણ કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય તેને ધ્યાને લેવાની રહેશે. આ કામગીરીની ફોટોગ્રાફ સાથેની માહિતી 10 જૂન સુધીમાં મોકલી આપવા માટે સુચના અપાઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)