Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા કામદારો માટે ખાસ કોવિડ સેન્ટર શરૂ કરાશે

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા કામદારો માટે ખાસ કોવિડ સેન્ટર શરૂ કરાશે

0
35
  • 120 બેડથી શરૂ સેન્ટર શરૂ થશે, જરૂરિયાત મુજબ બેડ વધારવામાં આવશે

  • જેમને ઘરે આઇસોલેશન થવાની સગવડ નથી તેમને સેન્ટરમાં રખાશે

ગાંધીનગર: કોરોનાના વધતાં જતાં સંક્રમણના કારણે પરિસ્થિતિ કપરી બનતી જાય છે. આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરૂપ થવા માટે રાજયભરમાં ઠેર ઠેર હોસ્પિટલોથી માંડીને કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ખાસ કરીને કામદારો કે જેમના ઘરોમાં આઇસોલેશનની સગવડ નથી તેમના માટે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી સીપેટ હોસ્ટેલ, મહેમદાવાદ હાઇવે, જીઆઇડીસી એસ્ટેટ, ફેઝ-4, વટવા ખાતે શરૂ કરવામાં આવનાર છે.

વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના માનદ્દ મંત્રી કિરણ પટેલે જણાવ્યું છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતાં કામદારો કે જેમના ઘરોમાં આઇસોલેશન થવાની સગવડ નથી તેવા વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને આ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર ખાતે કોવિડના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આ આઇસોલેશન સેન્ટરની શરૂઆત 120 બેડની સાથે ચાલુ કરવામાં આવશે. આ સેન્ટરની કુલ ક્ષમતા 550 બેડની છે જેમ જેમ જરૂરિયાત પડશે તે રીતે બેડ વધારવામાં આવશે. આ સેન્ટર ખાતે આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે બપોર તથા સાંજનું જમવાનું તેમ જ દિવસમાં બે ટાઇમ ચા- નાસ્તો આપવામાં આવશે. આ ઉપરાંત આ સેન્ટર ખાતે પ્રાથમિક દવાઓ પુરી પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ સેન્ટરનો તમામ વહીવટ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કરવામાં આવનાર છે. તેમ જ સ્ટાફમાં ડોકટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સતત 24 કલાક સારસંભાળ માટે હાજર રહેશે. જયારે આ સેન્ટરનો તમામ ખર્ચ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્રારા કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયોમાં વધતાં જતાં સંક્રમણના કારણે ધંધા-રોજગારો ઠપ્પ થઇ જતાં હોવાથી કામદારોને રોજીરોટી મળવાના પ્રશ્નો થાય છે. તેમની પાસેથી મૂડી વપરાયા બાદ જો તેમને કોરોના થશે તો તેના ડરના માર્યા તેઓ વતન તરફ દોટ મૂકે છે. તેવા સમયે આ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા માત્ર કામદારો માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)