Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: ભારતમાં માત્ર બે મહિનામાં જ નોંધાશે 10 લાખ નવા કેસ

COVID-19: ભારતમાં માત્ર બે મહિનામાં જ નોંધાશે 10 લાખ નવા કેસ

0
2

ભારતમાં કોરોના મહામારી માંડ નિયંત્રણમાં આવી છે ત્યારે તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે સરકાર, નિષ્ણાતો અને લોકોમાં ચિંતા વધી રહી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશમાં બે મહિનામાં ઓમિક્રોનના કેસની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે.

બીજીબાજુ નિષ્ણાતોએ ઓમિક્રોનને સુપરસ્પ્રેડર ગણાવ્યો છે અને તેને વધતો અટકાવી નહીં શકાય અને ઓમિક્રોનના કેસ નજીકના સમયમાં બમણી ગતિએ વધશે તેવી પણ ચેતવણી આપી છે.

કેરળમાં કોરોના અંગેની નિષ્ણાતોની સમિતિના સભ્ય ડૉ. ટીએસ અનિશે કહ્યું કે ઓમિક્રોનના કેસની સંખ્યા આગામી 23- સપ્તાહમાં 1000 સુધી પહોંચી શકે છે. વૈશ્વિક સ્તરના ટ્રેન્ડથી જાણવા મળે છે કે ઓમિક્રોનના કેસની સંખ્યા બે મહિનામાં 10 લાખ સુધી પહોંચી શકે છે.

ભારતમાં ઓમિક્રોન વધુ સમસ્યાઓ સર્જી શકે છે અને તેનો સામનો કરવા માટે આપણી પાસે એક મહિનાથી વધુ સમય નથી. હૈદરાબાદ સ્થિત કેઆઈએમએસના નિર્દેશક ડૉ. સંબિતનું કહેવું છે કે, જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની સંખ્યામાં નોંધપાત્ર વધારાની આશંકા છે, કારણ કે હાલ દુનિયામાં કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે અને આપણે દુનિયાથી અલગ નથી. કેરળના ડૉ. અનિશે કહ્યું કે, ઓમિક્રોનના વધતા કેસોને રોકી નહીં શકાય.

દેશમાં ઓમિક્રોનના મોટાભાગના કેસ વિદેશ પ્રવાસીઓ સંબંધિત છે. સમિતિના ડૉક્ટરે ચેતવણી આપતા કહ્યું કે, આપણે ભારતમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાતા રોકી નહીં શકીએ. જોકે, આપણે આપણી પાસે ઉપલબ્ધ સિસ્ટમનો યોગ્ય અને સમયસર ઉપયોગ કરીશું તો પણ ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ વધવાની પ્રબળ આશંકા છે.

ભારતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ રોકવા માટે આપણી પાસે એક મહિનાથી વધુ સમય નથી. ઓમિક્રોનના કેસ હાલ દેશના 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે અને સતત વધી રહેલા કેસોના કારણે 12 જેટલા રાજ્યોએ નાઈટ કરફ્યૂ સહિતના નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારતમાં લોકો કોરોના સંબંધિત દિશા નિર્દેશોનું પાલન નહીં કરે તો સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે. હૂના મુખ્ય વૈજ્ઞાાનિક સૌમ્યા સ્વામિનાથને ચેતવણી આપી છે કે તામિલનાડુમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે.

હૂના નિષ્ણાતોએ તહેવારોની આગામી સિઝન દરમિયાન અપૂરતા કોરોના વિરોધી રસીકરણ અને કોરોનાના સંબંધિત પ્રોટોકોલના પાલનના અભાવે કેસમાં નોંધપાત્ર ઊછાળો જોવા મળી શકે છે. તેમણે ઉમેર્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ એન્ટીબોડીને થાપ આપવામાં સક્ષમ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સરકારે હોસ્પિટલોમાં વધુ બેડ, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને પરિક્ષણ કિટની સાથે તૈયાર રહેવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat