Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો, દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત

દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો, દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત

0
337

દેશની ગુપ્તચર એજન્સીને ધાર્મિક સ્થળ અને ભરચક વિસ્તારોમાં આતંકવાદી હુમલો થવાના ઈનપુટ મળ્યા છે. જે બાદ ગૃહમંત્રાલયે દિલ્હી સહિત તમામ રાજ્યોના મુખ્ય પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા માટેના પત્ર લખ્યા છે. સુરક્ષા કારણોસર દિલ્હીમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગૃહમંત્રાલયમાં ભારત સરકારના સંયુક્ત સચિવ એસસીએલ દાસે રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકામાં શ્રેણીબંધ વિસ્ફોટો અને અમેરિકામાં ધાર્મિક સ્થળ પર કરવામાં આવેલા હુમલા બાદ ભારત પર પણ આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક સ્થાનો અને ગીચ વિસ્તારોમાં આતંકવાદી હુમલાના ઈનપુટ પ્રાપ્ત થયા છે. જેના પહલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની આવશ્યક્તા છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્તચર એજન્સીઓ અને ઓપરેશન યુનિટોએ સાથે મળીને કામ કરવાની આવશ્યક્તા છે.

ગૃહમંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રાજધાનીમાં ઠેરઠેર બેરિકેટ લગાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ પર સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સીનિયર પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાનું જણાવવામાં આવ્યું છે. રાજધાનીમાં 12મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જેને પગલે દિલ્હી પોલીસ વધારે સતર્ક બની છે.