Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકાસના નામે ભ્રષ્ટાચાર, બેરોકટોક માટી ખનન: અધિકારીઓ મૌન!

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકાસના નામે ભ્રષ્ટાચાર, બેરોકટોક માટી ખનન: અધિકારીઓ મૌન!

1
655

SOU નજીક રેલ્વે સ્ટેશન કામગીરીમાં ગેરકાયદેસર માટી નંખાતી હોવાનો સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું PM મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ લોકાર્પણ કર્યું હતું.એ બાદ સ્થાનિક લોકો દ્વારા એ પ્રોજેક્ટનો વિરોધ કરાયો હતો.બીજી બાજુ સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે અન્ય પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય પણ હાથ ધર્યું હતું.

આ પ્રોજેકટ પૈકીનો એક આદિવાસી મ્યુઝિયમમાં કરોડો રૂપિયાની માટી ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, એ કૌભાંડમાં જિલ્લાના જ એક ઉચ્ચ અધિકારીનું નામ ચર્ચાતા ખળભળાટ મચ્યો હતો.ગરુડેશ્વર પોલીસ મથકમાં આદિવાસી મ્યુઝિયમ માટી ચોરી અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી જો કે ફરિયાદ બાદ તપાસ ક્યાં સુધી પહોચી છે એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

આ પણ વાંચોઃ BREAKING: પેટાચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં આયારામ-ગયારામની દોડ તીવ્ર બની

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ફોર લેન રસ્તા, નાળા સહીત અન્ય કામગીરીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરાયો હોવાની તથા આસપાસની જગ્યાઓને લેવલિંગ કરવાના નામે માટી ચોરી થતી હોવાની બુમો ઊઠી હતી.

હાલમાં જ કેવડિયા ખાતે વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે તો ત્યાં ગેરકાયદેસર રીતે માટી નાખતી હોવાની ફરિયાદને પગલે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ એક થઈ એ વિસ્તાર માંથી પસાર થતી ટ્રકોને રોકી તપાસ હાથ ધરતા હાઈવા ટ્રકો માંથી ગેરકાયદેસર ઓવરલોડ માટી મળી આવતા ખળભળાટ મચ્યો હતો.

નર્મદા જિલ્લાના સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ ખોટી રોયલ્ટી વાળી તથા ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરેલી 3-4 હાઈવા ટ્રકોને રોકી કાર્યવાહી માટે RTO અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા તે છતાં રજાનું બહાનું કાઢી એક પણ અધિકારીઓ ત્યાં ફરકયા નથી. નર્મદા જિલ્લા બહારથી આવતા અન્ય લોકો અહીંયા આવી ખનીજ સંપત્તિનું નુકશાન કરે છે.

આ પણ વાંચોઃ પૂર્વ IAS અધિકારીની કંપનીએ રોકાણકારોને છેતર્યા, FIR રદ કરાવવા ડિરેકટર હાઈકોર્ટની શરણે

કેવડિયા ખાતે બની રહેલા રેલ્વે સ્ટેશનમાં અન્ય જગ્યાએથી ખોટી રોયલ્ટી બતાવી ગેરકાયદેસર માટી નંખાઈ રહી છે પણ અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી.જો સ્થાનિકોને કામ આપવામાં આવે તો ખનીજ સંપત્તિનું નુકશાન કોઈ કરે જ નહીં.આ કૌભાંડમાં મોટા અધિકારીઓની સંડોવણી પણ હોય શકે એમ જણાવ્યું હતું.

શુ આ બધું અધિકારીઓની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે?

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બેરોકટોક માટી ખનન થઈ રહ્યું હોવાની અગાઉ પણ બૂમો ઉઠી હતી, તો હાલમાં નર્મદા જિલ્લાના સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ એ બાબત પુરવાર કરી છે.તો આ ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસના નામે મસ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચાડી ખાય છે.

એક બાજુ સરકાર પ્રવાસીઓને આકર્ષવા અવનવા પ્રોજેક્ટો લાવી રહી છે તો બીજી બાજુ એ જ પ્રોજેક્ટોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આમાં છેલ્લે તો જનતાની જ પરસેવાની કમાણીના રૂપિયા પાણી જતા હોય છે.તો હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ચાલતા તમામ વિકાસના કામમાં રોયલ્ટી, ગુણવત્તા સહિતની બાબતમાં તપાસ કરી જો ભ્રષ્ટાચાર માલૂમ પડે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ઉઠી છે.