- નર્મદામાં મનરેગાના કામોમાં ગુણવત્તાનો બિલકુલ ખ્યાલ રખાતો ન હોવાની વ્યાપક ફરિયાદો
- એજન્સી અને અધિકારીઓની મિલીભગતને કારણે કામની ગુણવત્તા બિલકુલ જળવાતી નથી: ગ્રામજનોનો આક્ષેપ
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલા વિવિધ કામોમાં મસ મોટા ભ્રષ્ટાચાર થતા હોવાની અગાઉ ઘણી બુમો ઉઠી હતી.ત્યારે ડેડીયાપાડા વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત બની રહેલા ચેક ડેમની કામગીરી હલકી કક્ષાની હોવાની ફરિયાદ મળતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા ઘટનાસ્થળે પહોચી જવાબદારોને ઠપકો આપ્યો હતો.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલા કામોમાં એજન્સી દ્વારા ગુણવત્તાનો ખ્યાલ રખાતો નથી, નિયમ મુજબ મટિરિયલ વપરાતું નથી એવી ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારના સરપંચોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂતકાળમાં ઘણી ફરિયાદો કરી હતી.
જોકે તે છતાં પણ તંત્રએ પૂરતું ધ્યાન ન આપ્યું હોવાની બુમો પણ ઉઠવા પામી હતી.ડેડીયાપાડા વિધાનસભાના બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલી ચેકડેમની કામગીરીમાં હલકી કક્ષાનું કામ થતું હોવાનું ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવાને ફરિયાદ મળી હતી.
તેઓ તુરંત તાલુકા વિકાસ અધિકારી, મનરેગાના અધિકારી તથા ગામ લોકોની સાથે સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા.જેમાં કામગીરી હલકી કક્ષાની જણાતા કામગીરી સ્થગિત કરી કામ વ્યવસ્થિત કરવાના ઠપકો પણ આપ્યો હતો.સાથે સાથે કામ સારી ગુણવત્તામાં થાય અને એનો ઉપયોગ લોકોને થાય તેના માટે ખાસ ધ્યાન આપવાનું જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર વિકાસ માટે વિવિધ યોજનામાં નાણાં તો ફાળવે છે પરંતુ એજન્સી અને અધિકારીઓની મિલીભગતને કારણે કામની ગુણવત્તા બિલકુલ જળવાતી નથી. નર્મદા જિલ્લાના તમામ વિસ્તારમાં ચાલી રહેલા મનરેગાના કામોમાં ગુણવત્તાનો બિલકુલ ખ્યાલ રખાતો ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે હવે પછી વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે અને પ્રજાના પૈસા પાણીમાં ન જાય એવી ડેડીયાપાડા, સાગબારા વિસ્તારના લોકો પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.