Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ઓટો સેક્ટર પર કોરોનાનો દુષ્પ્રભાવ: સતત ત્રીજા વર્ષે વેચાણમાં ઘટાડાના સંકેત

ઓટો સેક્ટર પર કોરોનાનો દુષ્પ્રભાવ: સતત ત્રીજા વર્ષે વેચાણમાં ઘટાડાના સંકેત

0
100

વિશ્વની પાંચમી મોટી ઓટો બજાર ધરાવતા ભારતમાં વાહનોનું વેચાણ નાણાં વર્ષ 2020-21માં ઘટીને 6 વર્ષની નીચી સપાટીએ રહ્યું છે. કોરોનાની મહામારી ઉપરાંત, માળખાકીય મંદી, નિયમનકારી પરિવર્તનો તથા આર્થિક મંદીએ ગયા નાણાં વર્ષમાં ઓટો વેચાણ પર અસર કરી છે.

ઓટો ઉદ્યોગની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના સુત્રોના જણાવ્યા અનુસાર, નવા નાણાં વર્ષના પ્રારંભમાં જ કોરોનાની બીજી લહેર એકદમ આક્રમક બનતા આ વર્ષે પણ ઓટો વેચાણ આંક સતત ત્રીજા વર્ષે નબળા રહેવાની શક્યતા છે.

2010-11થી 2015-16ના પાંચ વર્ષમાં વેચાણમાં સરેરાશ 5.70 ટકા વૃદ્ધિ હાંસલ કર્યા બાદ ઓટો કંપનીઓનો છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વેચાણ આંક બે ટકા નકારાત્મક રહ્યો છે.

એક દાયકાની વાત કરીએ તો વૃદ્ધિ દર 12.80 ટકા પરથી ઘટી 1.80 ટકા પર આવી ગયો છે જે હજુ વધુ ઘટાડાના સંકેત આપે છે. જો કે આ ઘટાડા માટે માત્ર કોરોના મહામારીને જ જવાબદાર ઠેરવી શકાય એમ નથી એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.

ઓટો ઉદ્યોગમાં રિકવરી આવે તે માટે દરેક હિસ્સેદારો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. સેમીકન્ડકટર્સની અછત, લોકડાઉન્સ તથા સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી કોમોડિટીઝના ઊંચા ભાવે ઓટો ક્ષેત્ર માટે સ્થિતિ પડકારરૂપ બનાવી દીધી છે.

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દરેક સેગમેન્ટના મળીને કુલ વેચાણ આંક 2,711,459 એકમ રહ્યો છે જે 6 વર્ષની નીચી સપાટીએ છે.

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડાને કારણે ઓટો લોન્સ પણ હાલમાં સસ્તી થઈ છે જેને કારણે વર્તમાન નાણાં વર્ષમાં વેચાણ વધવાની ઓટો ઉદ્યોગને અપેક્ષા હતી પરંતુ ગુડી પડવા તથા રામનવમી જેવા તહેવારો નિમિત્તેની માગ નબળી રહેવાની શકયતાને જોતા પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા નબળા જોવા મળવાની સંભાવના નકારી શકાય નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat