Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વાયરસ જેવી ‘મહામારી‘નો સામનો કરવા ભારત કેટલું સજ્જ?

કોરોના વાયરસ જેવી ‘મહામારી‘નો સામનો કરવા ભારત કેટલું સજ્જ?

0
755

નવી દિલ્હી: કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર મચ્યો છે અને વિશ્વ ચિંતિત છે. એકલા ચીનમાં જીવલેણ વાયરસથી 400થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 20 હજારથી વધુ લોકો આ વાયરસના ચેપગ્રસ્ત જણાઈ આવ્યા છે. આ ભયાનક વાયરસ હવે ભારતમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે. ચીનથી પરત ફરેલા ત્રણ લોકોમાં આ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યાં છે. કેરળમાં તેમની સારવાર ચાલી રહી છે. કેરળે કોરોના વાયરસને આપત્તિ જાહેર કરી છે. જો આ જીવલેણ વાયરસ દેશના એક મોટા ભાગ પર આક્રમણ કરે છે, તો ભારતનું મેડિકલ સિસ્ટમ આ માટે કેટલું તૈયાર છે?

ભારતમાં ડૉક્ટરોની કમી
2019માં બિહારના મુજફ્ફરપુરમાં ચમકી તાવથી 100થી વધુ બાળકોના મોત થયા હતા. આ દરમિયાન હોસ્પિટલો, દવા અને ડોક્ટરોની કમીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ ઉભો કર્યો હતો. 1994, 2014 અને 2019ના આંકડા જોઈએ તો, આ ચમકી તાવ (ઈન્સેફેલાઈટિસ)થી દેશભરતમાં 400થી વધુ બાળકોનો ભોગ લીધો હતો. જો કે હજુ સુધી સરકાર આ બીમારીની એન્ટીડોટ શોધવામાં સફળ નથી થઈ શકી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ડૉક્ટરનો રેશિયો 1:1000 છે. એટલે કે, 1000ની વસ્તી પર એક ડૉક્ટર. આ યુરોપ અને પશ્ચિમી દેશો કરતા ઘણો ઓછો છે. હિંદુસ્તાન ટાઈમ્સે WHOની 2016ના રિપોર્ટના આધારે જણાવ્યું કે, ભારતમાં પોતાને એલોપેથિક ડોક્ટર કહેનારા 31.4 ટકા માત્ર 12 ધોરણ સુધી જ ભણેલા છે. આ ઉપરાંત 57 ટકા ડોક્ટરો પાસે મોડિકલ યોગ્યતા જ નથી.

હોસ્પિટલોની કંગાળ હાલત
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સરકારી હોસ્પિટલોની સંખ્યા 35,416 છે. જેમાં અંદાજે 14 લાખ બેડ છે. સરળ ભાષામાં સમજીએ તો, સરેરાશ 879 લોકો માટે એક સરકારી હોસ્પિટલની પથારી છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની સ્થિતિ ઘણી જ દયનિય છે.

સ્વાસ્થ્ય પર GDPના 3.89 ટકા ખર્ચ
ભારત વિશ્વની બીજી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આથી સ્વાભાવિક છે કે, લોકો વધુ હશે, તો દર્દીઓ પણ વધારે જ હશે. જો કે વિશ્વની સાતમી સૌથી મોટી ઈકોનોમી ધરાવતા દેશ ભારતે પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય સુધાર માટે GDPના માત્ર 3.89 ટકા જ ખર્ચ કરે છે. 2019-20ના બજેટમાં હેલ્થ સેક્ટર માટે 61,398 કરોડ રુપિયા આપ્યા છે. ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો, તે માત્ર 8 હજાર કરોડ વધારે છે.

UK તો પોતાના દેશના વિદ્યાર્થીઓને આજીવન સ્વાસ્થ્ય વીમો પણ આપે છે. ઈંગ્લેન્ડમાં જો કોઈ વિદેશી વિદ્યાર્થી 6 મહિના કરતા વધારે સમય વીતાવે છે, તો તેને પણ વીમાનો લાભ મળે છે. AIIMS જેવી હોસ્પિટલો, જ્યાં સૌથી સસ્તી સારવાર ઉપલબ્ધ છે. દેશમાં આવી હોસ્પિટલો ઘણી ઓછી છે. આ કારણે દર્દીઓને અનેક વખત મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.

ઈકોનૉમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક આર્ટીકલ પ્રમાણે, ભારત સરકારે વર્ષ 2019-20માં રિસર્ચ માટે માત્ર 1939.76 કરોડ રુપિયા ફાળવ્યા હતા. WHOના એક રિપોર્ટ પ્રમાણે, ભારત રિસર્ચ પર પોતાની GDPના 1 ટકા કરતા પણ ઓછો ખર્ચો કરે છે.

આમ બધુ મળીને જોવા જઈએ તો, આપણે કોરોના વાયરસ જેવી ઘાતક બીમારી માટે બિલકુલ તૈયાર નથી. ચીન જે હેલ્થકેરને લઈને સૌથી વધુ સક્રિય છે, તેની કમર આ વાયરસે તોડી નાંખી છે. હવે તમે જ વિચારો આપણા દેશમાં આવો કોઈ જીવલેણ વાયપસ ચીનની જેમ પગપેસારો કરે, તો શું થશે?

બધુ વેચાઈ રહ્યું છે, કંઈ કહેવાય નહી તાજ મહલ પણ વેચી દે: રાહુલ ગાંધી