કોરોના વાઈરસના ઉદભવના મામલે ચીન સામે શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે અને ચીન શંકામાં ઘેરાયેલું રહ્યું છે. ઘણી વખત દાવો કરાયો હતો કે આ વાઈરસ ચીનની વુહાનમાં આવેલી લેબોરેટરીમાંથી જ ફેલાયો હતો. હવે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ પણ આ વાતનું પુનરાવર્તન કર્યું છે.
FBIનું માનવું છે કે ચીનની વુહાન લેબોરેટરીમાંથી કોઈક દુર્ઘટનાને કારણે કોરોના વાઈરસ ફેલાયો હોવાની શક્યતા સૌથી વધારે છે. FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું, “અમે છેલ્લાં થોડાં સમયથી કોરોના વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરી રહ્યા છીએ. અમે વુહાન લેબોરેટરીમાંથી કોઈક દુર્ઘટનાને કારણે કોરોના વાઈરસ ફેલાયો હોવાની શક્યતા સૌથી વધારે હોવાના તારણ પર પહોંચ્યા છીએ.” તેમણે ઉમેર્યું, ” હું આશા રાખું છું કે વાઈરસને રોકવા માટે અમેરિકા અને અન્ય દેશો જે રીતે પગલાં લઈ રહ્યા છે તેવી રીતે ચીન પણ તેને અટકાવવાની પૂરી કોશિશ કરી રહ્યું છે.”
Advertisement
Advertisement
અમેરિકી ઉર્જા વિભાગે પણ આવો દાવો કર્યો હતો
26 ફેબ્રુઆરીએ અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં અમેરિકાના ઉર્જા વિભાગને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમાં ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે દુનિયાભરમાં આવેલી અમેરિકન બાયોલોજી લેબોરેટરી દ્વારા મળેલી ગુપ્ત જાણકારીના આધારે કોરોના વાઈરસ ચીનની વુહાન લેબોરેટરીમાંથી જ ફેલાયો હોવાની શક્યતા સૌથી વધારે છે. વિભાગે એવો પણ દાવો કર્યો હતો કે જે એજન્સીઓ મારફતે આ તપાસ કરાવવામાં આવી હતી અને તેમના વૈજ્ઞાનિકો ખૂબ નિષ્ણાત છે.
ચીને અહેવાલને નકારી કાઢ્યો
જોકે, ચીને અમેરિકાના આ અહેવાલને માનવાનો ઈન્કાર કર્યો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે આ મામલાને બળજબરીપૂર્વક રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. અહેવાલને નકારી કાઢતા તેમણે કહ્યું કે 2021માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા અપાયેલો અહેવાલ વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ સૌથી સચોટ અને અસરકારક છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 2021માં વુહાનની મુલાકાતે ગયેલી WHOની ટીમે જણાવ્યું હતું કે લેબમાંથી વાઈરસ લીક થયો હોવાની શક્યતા ખૂબ ઓછી છે.
ચીનના વાંધા સામે વ્હાઈટ હાઉસનો ખુલાસો
ચીને ઉઠાવેલા વાંધા બાદ વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે કોરોના વાઈરસ લીક થવાના મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટ તારણ નીકળ્યું નથી. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું,” હાલ પણ ગુપ્તચર વિભાગ અને સરકાર કોરોના વાઈરસ લીક થવાના મામલે તપાસ કરી રહ્યા છે. તેમાં હજુ કોઈ ચોક્કસ તારણ આવ્યું નથી. તેથી આ મામલે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આ બાબતે હાલ કશું કહેવું જોઈએ તેમ મને નથી લાગતું”.
ચીનના વુહાનમાં મળ્યો હતો કોરોના વાઈરસનો પહેલો કેસ
ડિસેમ્બર, 2019માં કોરોના વાઈરસનો પહેલો કેસ ચીનના વુહાનમાં મળ્યો હતો. તે પછી 2020ના પ્રારંભથી તે વાઈરસ ચીનથી નીકળીને સમગ્ર દુનિયામાં ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)પ્રમાણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસ સંક્રમણના 67 કરોડથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. ભારતમાં લગભગ 5.5 લાખ લોકોના આ મહામારીમાં મોત થયા છે.
વાઈરસની ઉત્પત્તિ અંગે અગાઉ પણ ચીન પર લાગ્યા હતા આરોપ
કોરોના વાઈરસની ઉત્પત્તિ અંગે ચીન પર અગાઉ ઘણા આરોપ લગાવાયા હતા. વુહાનમાં આવેલા સીફૂડ માર્કેટમાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાનો અલગ – અલગ અહેવાલમાં દાવો કરાયો હતો. આ માર્કેટમાં જંગલી પશુઓનું માંસ વેચવામાં આવે છે અને તેના મારફતે જ આ વાઈરસ માણસોમાં ફેલાયો હતો.
વુહાનના વાઈરોલોજી ઈન્સ્ટિટ્યુટમાં જોખમી સંક્રમણો સાથે સંકળાયેલા સંશોધનો હાથ ધરાતા હોય છે. આવા જ કોઈક સંશોધન દરમિયાન ભૂલથી કોરોના વાઈરસ લેબમાંથી લીક થયો હોવાનો દાવો કરાયો હતો.
Advertisement