-
1લી જૂન પછી 135 ધારાશાસ્ત્રીઓએ કોવિડ સહિતની માંદગી માટે સહાય મેળવવા અરજી કરી હતી
-
અગાઉ 2500 ધારાશાસ્ત્રીઓને અત્યારસુધીમાં 3.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા
ગાંધીનગર: ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોનાની સારવાર લેનારા વધુ 135 ધારાશાસ્ત્રીઓને આશરે 20 લાખ જેટલી સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1લી જૂન પછી આ તમામ ધારાશાસ્ત્રીઓએ કોવિડ સહિતની માંદગી માટે માંદગી સહાય મેળવવા અરજી કરી હતી. અગાઉ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના આશરે 2500 જેટલાં ધારાશાસ્ત્રીઓને રૂપિયા ત્રણ કરોડ પચ્ચીસ લાખ ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ 40 કમિટીના ચેરમેન દિલીપભાઇ પટેલ, સભ્ય દિપેન દવે, કરણસિંહ વાઘેલા તેમજ ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ તથા એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય અનિલ કેલ્લાં સહિતના પદાધિકારીઓની આજે સંયુક્ત મીટીંગ યોજાઇ હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં વેલ્ફેર ફંડના સભ્ય હોય અને નિયમિત વેલ્ફેર ફંડની ફીની ચુકવણી કરી હોય તેવા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીમાં તાકીદે માંદગી સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત બાર કાઉન્સિલ તરફથી ગુજરાતમાં નિયમિત પ્રેકટીસ કરી રહેલાં આશરે 60,000 જેટલાં ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીનો ભોગ બનેલો હોય તેમના હોમ આઇસોલેશન દરમિયાન તેમજ હોસ્પિટલમાં સારવાર લીધી હોય તે સમય દરમિયાન મેડિકલ ખર્ચ કર્યો હોય તેમને આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અરજીઓમાં જ ધારાશાસ્ત્રીઓ હોસ્પિટલાઇઝ થયેલ હોય અને રૂપિયા 30 હજાર ઉપરાંતનો ખર્ચ થયો હોય તેવા ધારાશાસ્ત્રીઓને 30 હજાર માંદગી સહાય ચુકવવાનો નિર્ણય કર્યો હતો.
જયારે જે ધારાશાસ્ત્રીઓએ 30 હજારની મર્યાદામાં ખર્ચ કર્યો હોય તેમને 30 હજારની મર્યાદામાં રકમ ચુકવવામાં આવી હતી. તેમજ આ સિવાયના જે ધારાશાસ્ત્રીઓએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય અને મેડિકલ બિલ રજૂ કરી શકેલી ના હોવાથી તેવા ધારાશાસ્ત્રીઓને રૂપિયા 10 હજાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં 1-6-2021 પછી 135 ધારાશાસ્ત્રીઓએ કોવિડ સહિતની માંદગી માટે માંદગી સહાયની અરજી કરી છે. તેમને આજની મીટીંગમાં કુલ રૂપિયા વીસ લાખ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલમાં અત્યાર સુધીમાં ગુજરાતના આશરે 2500 જેટલાં ધારાશાસ્ત્રીઓને રૂપિયા ત્રણ કરોડ પચ્ચીસ લાખ ચુકવવાનો નિર્ણય કર્યો છે તેમ ઇન્ચાર્જ સેક્રેટરી પી.એમ. પરમારે જણાવ્યું છે.