નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ લૉકડાઉન લાગૂ કર્યું હતું. જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. કોરોના મહામારીએ ગરીબી વિરૂદ્ધ વિશ્વની જંગને અનેક વર્ષો પાછળ ધકેલી દીધી છે. જેને લઈને વિશ્વબેંકના અધ્યક્ષ ડેવિડ માલ્પાસે ચિંતા વ્યક્ત કરી કરી છે. આ ઉપરાંત વિશ્વબેંકે પણ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થ વ્યવસ્થામા 3.2 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે.
વર્લ્ડબેંકના અધ્યક્ષ ડેવિડ માલ્પાસે આશંકા વ્યક્ત કરી છે કે, કોરોનાની અસરના કારણે વિશ્વમાં 6 કરોડથી વધુ લોકો ગરીબીનો શિકાર બની શકે છે. કોરોના મહામારીની અસર વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર 6 દાયકા સુધી રહી શકે છે.
ડેવિડ માલ્પાસે જણાવ્યું કે, “કોરોના વાઈરસની મહામારી અને લૉકડાઉન વચ્ચે લાખોની સંખ્યામાં લોકો રાતોરાત બેજરોજગાર થઈ ગયા છે. વિશ્વમાં 6 કરોડથી વધુ લોકો ગરીબીની રેખાની નીચે આવી શકે છે. આ કારણે તેમની રોજિંદી આવક 100 રૂપિયાથી પણ નીચે જઈ શકે છે. કોરોના વાઈરસના કારણે સૌથી વધુ અસર ટૂરીઝમ સેક્ટરને થઈ છે. જેમાં સેંકડો નોકરીઓ કાયમ માટે સમાપ્ત થઈ ચૂકી છે. તેની જગ્યાએ નવું રોકાણ કરીને મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં નવી નોકરીઓ ઉભી કરવી પડશે.”
ભારત માટે કેમ ખતરો?
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમીએ પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતમાં ગત વર્ષની સરખામણીએ મે-2020માં 10 કરોડથી વધુ લોકો બેરોજગાર રહ્યાં. અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે, કોરોના સંકટના કારણે ભારતમાં ગરીબી રેખા નીચે રહેનારા લોકોની સંખ્યામાં વધારો થશે.
ભારતની GDP પર શું થશે અસર?
વર્લ્ડ બેંકની ગ્લોબર ઈકોનૉમિક પ્રૉસ્પેક્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વાઈરસના પ્રસારને રોકવા માટે લેવામાં આવેલા આકરા પગલાના કારણે આર્થિક ગતિવિધીઓ થોડા સમય માટે ઠપ્પ રહી, જેના કારણે 2020-21 ભારતની GDP 3.2 ટકા ઘટી શકે છે.
અન્ય એજન્સીઓએ પણ ભારતનું રેટિંગ્સ ઘટાડ્યું
અગાઉ મૂડીઝ, ફિંચ રેટિંગ્સ અને એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ જેવી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતના GDP ગ્રોથ રેટમાં 4 થી 5 ટકાના ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે ક્રિસિલે તો અહીં સુધી કહ્યું હતું કે, આ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ચોથી અને 1991ના ઉદારી કરણ બાદ પ્રથમ સૌથી મોટી મંદી હશે.
આ સિવાય ગત સપ્તાહે પોતાના એક સર્વેમાં RBIએ નાણાંકીય વર્ષ 2020-21માં અર્થ વ્યવસ્થામાં 1.5 ટકાનો ઘટાડો આવવાનું જણાવ્યું હતું.