Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકા કોરોનાના ભરડામાં: એક દિવસમાં 10 લાખથી વધારે કેસ નોંધાતા હાહાકાર

અમેરિકા કોરોનાના ભરડામાં: એક દિવસમાં 10 લાખથી વધારે કેસ નોંધાતા હાહાકાર

0
1

કોરોના મહામારીએ ફરી એક વખત આખી દુનિયામાં કાળો કેર મચાવ્યો છે. અમેરિકા, યુરોપ, એશિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, સોમવારે યુએસમાં 1,080,211 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1688નાં મોત થયા હતા. વિશ્વના અન્ય કોઈ દેશમાં એક જ દિવસમાં આટલા નવા કેસ નોંધાયા નથી. આ સાથે કોરોનાના કુલ કેસ 5,61,91,733 થયા હતા

દુનિયામાં પણ કોરોનાના દૈનિક કેસ બમણાથી વધુ સામે આવી રહ્યા છે. ગયા સપ્તાહે આખી દુનિયામાં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ સાપ્તાહિક કેસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકામાં સોમવારે એક દિવસમાં કોરોનાના 11 લાખથી નજીક કેસ નોંધાયા હતા, જે ચાર દિવસ પહેલાં 24 કલાકમાં 5.90 લાખ કેસ કરતાં લગભગ બમણા થયા હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના દૈનિક કેસ દુનિયામાં કોઈપણ દેશમાં કોઈપણ સમયે નોંધાયેલા કેસ કરતાં અનેક ગણા વધુ હતા.

જ્યારે મૃત્યુઆંક 8,27,749 થયો હતો તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પરથી જણાયું હતું.
અમેરિકાની બહાર એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં 4.14 લાખથી વધુ નોંધાયા છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર સમયે 7મી મે 2021ના રોજ એક દિવસમાં 4.14 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.

અમેરિકામાં કોરોનાના દૈનિક કેસનો આ સત્તાવાર આંકડો એવા સમયે આવ્યો છે જ્યારે અનેક અમિરકનો ટેસ્ટિંગ કેન્દ્ર પર જવાના બદલે ઘરે જ કોરોનાના ટેસ્ટ કરી લે છે, જેનો કોઈ રેકોર્ડ નથી. તેનો અર્થ એ છે કે અમેરિકામાં કોરોનાના દૈનિક કેસમાં નવા વિક્રમી કેસો નોંધાવાની સંભાવના છે. અમેરિકામાં કોરોનાના કેસમાં વિક્રમી ઊછાળાના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

સ્કૂલો અને ઓફિસો બંધ કરી દેવાઈ છે તેમજ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સમાવવાની જગ્યા નથી. અમેરિકામાં નોંધાતા મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે. ઓમિક્રોન વેરિઅન્ટ 24મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત સામે આવ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધીમાં તે 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં મલ્ટીપ્લાય થવાની ક્ષમતા છે અને તેના કારણે તે વધુ ખતરનાક મનાય છે.

દરમિયાન કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સામે આવ્યા પછી મોટાભાગના બધા જ દેશોમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે. પરિણામે ગયા સપ્તાહે દુનિયામાં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા. કોરોનાના કેસમાં વધારા પાછળ ઓમિક્રોનની સુનામી જવાબદાર હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. દુનિયામાં છેલ્લે એપ્રિલમાં એક સપ્તાહમાં વિક્રમી 57 લાખ કેસ નોંધાયા હતા.

ઓસ્ટ્રેલિયાથી ઈટાલી, ફ્રાન્સ સહિત અમેરિકા સુધીના દેશોમાં કોરોનાના વિક્રમી કેસો સામે આવી રહ્યા છે. દુનિયામાં કોરોના વિરોધી રસી શોધાઈ ત્યારે ઝડપથી મહામારીનો અંત આવશે તેવી આશાઓ સેવાતી હતી. પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરિત છે.

દરમિયાન કોરોના મહામારીના ઉદ્ભવ સ્થળ ચીનમાં પણ મહામારીએ ઉથલો માર્યો છે. મધ્ય ચીનના 10 લાખથી વધુ વસતી ધરાવતા વધુ એક શહેરમાં સરકારે મંગળવારથી લોકડાઉન લાગુ કરી દીધું છે અને લોકોને ઘરમાં પૂરી દીધા છે. બેઈજિંગે ‘ઝીરો કોવિડ’ અભિગમ અપનાવ્યો છે.

ચીનમાં વિન્ટર ઓલિમ્પિકના એક મહિના પહેલાં જ સ્થાનિક સ્તરે કોરોનાના કેસ વધતાં આકરા નિયંત્રણો અને લોકડાઉનની ચીનની વ્યૂહરચના દબાણ હેઠળ આવી ગઈ છે. હેનાન પ્રાંતમાં 11.7 લાખથી વધુની વસતી ધરાવતા યુઝોઉ શહેરમાં કોરોનાના માત્ર ત્રણ અસિમ્પ્ટોમેટિક કેસ આવતાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat