Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોના મહામારી: જવાબદાર કોણ? ડોક્ટર-નેતા કે જનતા પોતે

કોરોના મહામારી: જવાબદાર કોણ? ડોક્ટર-નેતા કે જનતા પોતે

0
68

દેશની પડી ભાગતી સિસ્ટમને જોવી હોય તો શહેરની કોઈ હોસ્પિટલ અથવા સ્મશાન ઘાટ ઉપર જતા રહો. હવે તો શહેરોની ભયાનક સ્થિતિ ગામડાઓ તરફ પણ વળી ગઈ છે. ગામડાઓમાં થઈ રહેલા મોતનો આંકડો બહાર આવી રહ્યો નથી, પરંતુ સ્થિતિ તો ચોક્કસપણ વણસી ગઈ છે. લોક જાગૃત્તિ અને સ્વાસ્થ્ય સુવિધાના અભાવે ગામડાઓમાં પ્રતિદિવસ મોતનો આંકડો વધી રહ્યો છે. ગુજરાત સહિત દિલ્હી, યૂપી, બિહાર, મહારાષ્ટ્રના સરકારી-પ્રાઈવેટ હોસ્પિટલોમાં વિકટ પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને જીવંત રાખવા હેલ્થ વર્કર્સ દોડ-ધામ કરી રહ્યાં છે.

એટલી મોટી સંખ્યામાં દર્દી સામે આવી રહ્યાં છે કે, બેડ-હોસ્પિટલ-ઓક્સિજનની અછત દેખાઈ રહી છે. એવામાં પોતાની આંખો સામે દર્દીઓને પરતા જઈને પરિજનોનો ધીરજનો અંત આવી રહ્યો છે અને નિશાનો બની રહ્યા છે હેલ્થ વર્કર, જેમને કોરોના વોરિયર્સનું નામ આપીને ખુબ જ પ્રચારિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આપણે દશકાઓથી વસ્તીના હિસાબથી બેડ રાખ્યા નથી, હોસ્પિટલ બનાવી નથી, ડોક્ટર્સ-નર્સ તૈયાર કરી નથી, તે અંતે કોની ભૂલ છે?

સિસ્ટમની ભૂલ છે. સિસ્ટમ કોણ છે- તે કોઈ બતાવી શકતું નથી. તો પછી જવાબ કોના પાસે માંગવો- તે પણ આપણને ખબર નથી. સરકારો જે આપણે પસંદ કરી છે, તેમના પાસે જવાબ કેવી રીતે માંગવો- તેની પણ આપણને ખબર નથી.

આપણને શુ ખબર છે? જે આપણે હાલમાં જોઈ રહ્યાં છીએ

જોઈ શું રહ્યાં છીએ- દિલ્હીની એપોલોમાં મેડિકલ સ્ટાફ અને દર્દીઓના પરિજનો વચ્ચે મારપીટ. આગ્રામાં નર્સને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો, પોતાની જ સારવાર માટે પોતાની જ હોસ્પિટલોમાં આજીજી કરતો ડોક્ટર. રાયબરેલીમાં દર્દીને બેડ ના મળતા ડોક્ટરને પરિજનોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.

આ કેટલાક ઉદાહરણ છે. અલગ-અલગ રાજ્યોમાં લોકોની ધીરજ ખુટી રહી છે. તેનો ભોગ કોરોના વોરિયર ડોક્ટર સ્ટાફ બની રહ્યાં છે. કેમ કે, ગ્રાઉન્ડ ઉપર તો તેઓ જ મળી રહ્યાં છે. બાકી જે લોકોની જવાબદારી છે તેઓ તો ટ્વિટર પર મળે છે અથવા તેઓ સામાન્ય લોકોની પહોંચથી દૂર છે.

હોસ્પિટલોમાં સંક્રમણના ડર વચ્ચે સ્વાસ્થ્યકર્મીઓ સેવા આપી રહ્યાં છે, તો દર્દીઓના પરિજનોનો ગુસ્સો પણ તેઓ વેઠી રહ્યાં છે, તો પોતાની આંખો સામે અનેક લોકોના મોતનો દર્દ પણ તેઓ સહન કરી રહ્યાં છે.

પરંતુ શું દેશમાં મહામારી આવી રીતે આઉટ ઓફ કંટ્રોલ થઈ જવામાં તેમની કોઈ ભૂલ છે ખરી? દેશની અલગ-અલગ હાઈકોર્ટ્સને તો એવું લાગી રહ્યું નથી.

– મદ્રાસ હાઈકોર્ટે 26 એપ્રિલે કહ્યું છે કે, ચૂંટણી પંચ કોરોનાની બીજી લહેર માટે એકમાત્ર કારણ છે. ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ નોંધવો જોઈએ.
– અલ્હાબાદ હાઈકોર્ટ 19 એપ્રિલે કહ્યું છે કે, એક વર્ષની મહામારીના અનુભવ પછી પણ સરકાર આનો સામનો કરવામાં નિષ્ફળ કેવી રીતે ગઈ?
– 21 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સરકારોને કહ્યું છે કે, જો તમને પોતા પર શરમ આવતી નથી તો અમે આ ખરાબ સમાજનો હિસ્સો હોવાના કારણે શરમ અનુભવીએ છીએ. તમે દર્દીઓની ઉપેક્ષા અને તેમને નજર અંદાજ કરી રહ્યાં છો.

આ વચ્ચે હોસ્પિટલોમાં પરિજનો અને ડોક્ટરો વચ્ચે વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યાં છે

અપોલો હોસ્પિટલ, દિલ્હી

દિલ્હીની અપોલો હોસ્પિટલમાં એક 62 વર્ષિય મહિલાના મોત પછી નારાજ સંબંધીઓએ હોસ્પિટલમાં જઈને હંગામો કર્યો અને મેડિકલ સ્ટાફ સાથે મારપીટ કરી. પરિજનોનો આરોપ છે કે, હોસ્પિટલે દર્દીને આઈસીયૂમાં દાખલ કર્યું નહીં.

લોટસ હોસ્પિટલ, આગ્રા

આગ્રાની લોટ્સ હોસ્પિટલોમાં એક વ્યક્તિના મોતની અફવાને લઈને કેટલાક લોકોએ હંગામો કર્યો અને ત્યાં રહેલા સ્ટાફ નર્સ અને અન્ય કર્મચારીઓ પર હુમલો કરી દીધો. આ દરમિયાન રોડ ઉપર પણ હુમલાઓની વાતો અને વીડિયો સામે આવી રહ્યાં છે.

જિલ્લા હોસ્પિટલ, રાયબરેલી

ગંભીર પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ મહિલાને ડોક્ટરે દર્દીને બેડ આપ્યું નહીં. પાછળથી તેમનું મોત થઈ ગયું. ગુસ્સા થયેલા પરિજનો અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થયું. તેવી જ રીતે ઉજ્જૈનની આરડી-ગાર્ડી હોસ્પિટલમાં પણ મેડિકલ સ્ટાફને દર્દીઓના પરિજનોએ માર માર્યો હતો.

આ માત્ર ગણ્યા-ગાંઠ્યા કેસ છે, જે અલગ-અલગ રાજ્યોની હોસ્પિટલોમાંથી સામે આવ્યા છે. કોરોના વોરિયર્સને આવી રીતે ડરી-ડરીને મહામારી સામે લડવા દેવામાં આવવા જોઈએ નહીં. ‘સિસ્ટમ’ને અને લોકોને તે સમજવું પડશે. આના સમાધાન માટે ઉપાય પણ કરવા પડશે.

જો આ સમસ્યાનો ઉપાય કરવામાં આવશે નહીં, તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સમજવા જેવી વસ્તુ છે કે, જ્યારે હોસ્પિટલ પાસે જ વસ્તુ ના હોય તો તે બીજા લોકોને કેવી રીતે આપી શકે. જે વસ્તુ લાવવાની જવાબદારી બીજા લોકોની છે, જેઓ વર્તમાનમાં ટ્વિટર ઉપર બેસીને દેશમાં કોઈ પણ વસ્તુની અછત ના હોવાની વાતો કરી રહ્યાં છે અને બધુ સારૂ હોવાનું કહી રહ્યાં છે, તેવા લોકોની બેદરકારીનો ગુસ્સો ડોક્ટર્સ પર નિકાળવો સ્થિતિને વધારે ભયાનક બનાવી શકે છે.

દેશમાં મનોરંજન અને ચિતાઓ એકસાથે

દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. તેવા સમયમાં સરકારે  આઈપીએલ રમાડવાની છૂટ આપી દીધી છે. એક તરફ ચિતાઓ સળગી રહી છે તો બીજી તરફ સસ્તું મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈ દુનિયાનું સૌથી ધનિક બોર્ડ છે પરંતુ હજું સુધી તેને દેશવાસીઓની મદદ કરવા માટે કોઈ જ જાહેરાત કરી નથી.

બીસીસીઆઈના ચેરમેન જય શાહે આઈપીએલ રમાડવા માટે રજા આપી અને તેની ફાઈનલ અમદાવાદમાં નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાખી. લોકો યાદ રાખશે કે, મહામારીથી રાજ્યભરમાં એક તરફ લોકો હોસ્પિટલોમાં દમ તોડી રહ્યાં હતા તો બીજી તરફ સત્તામાં બેસેલા લોકો અન્ય લોકોનું ધ્યાન ભટકાવવા માટે વિશ્વના સૌથી સ્ટેડિયમમાં મેચ રમાડી રહ્યાં હતા.

કોઈપણ ભોગે જાહેરાત કરવી જરૂરી

અસંખ્ય લોકોના મોત વચ્ચે પણ સત્તામાં બેેસેલા લોકો પોતાની જાહેરાત કરવાનું ચૂકતા નથી. મહામારી દરમિયાન જેટલું બને તેટલું ઝડપી કામ કરીને લોકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ નહીં સત્તાધારીઓ આવા સમયે પણ નેતાઓના હાથેે કોવિડ હોસ્પિટલોનું ઉદ્ધાટન કરાવશે.

અન્ય દેશમાંથી આવતા ઓક્સિજનના ટેન્કરોને તાત્કાલિત હોસ્પિટલોમાં પહોંચાડીને લોકોના જીવ બચાવવાની જગ્યાએ કલાકોના કલાકો રોકીને તેના ઉપર ફૂગ્ગાઓ અને હાર-માળા કરીને તેની આરતી ઉતારવા અને ફોટાઓ પડાવવામાં બેથી ત્રણ કલાક વેડફી નાંખશે. તેટલામાં અનેક લોકો ઓક્સિજન વગર તડપી-તડપીને મરી જતા હશે. આવી સસ્તી પબ્લિસિટી પણ સત્તામાં બેસેલા લોકો છોડી રહ્યાં નથી.

જવાબદાર કોણ? ડોક્ટર-નેતા કે જનતા પોતે

ગુજરાતની જ વાત કરીએ તો પાછલા 25 વર્ષથી બીજેપી સરકાર રાજ્ય પર એકચક્રિય શાસન ચલાવી રહી છે. તેમાંય પણ તેને બઢતી મળી અને આખા દેશનું સંચાલન તેના હાથમાં આવ્યું. તે છતાં પણ ગુજરાત મોડલની સ્થિતિ વણસી ગઈ છે, તેવામાં અસંખ્ય લોકોના થઈ રહેલા મોત પાછળ કોની જવાબદારી ગણવી? ડોક્ટર્સ કે રાજ્યનું સંચાલન કરી રહેલા લોકોની.

કેટલાક લોકો એવો પણ તર્ક આપી રહ્યાં છે કે, બીજેપીની કોઈ જ ભૂલ નથી કે તે આના માટે જવાબદાર પણ નથી. કારણ કે ગુજરાતના લોકોએ માત્રને માત્ર બીજેપીને એક ચોક્કસ ધર્મના લોકોથી પોતાની રક્ષા કરવા માટે વોટ આપ્યા હતા, તેવામાં બીજેપી કોઈ અજાણ્યા વાયરસથી તમારી રક્ષા કરવા માટે બંધાયેલી જ નહતી.

એટલે અત્યાર સુધીમાં દેશમાં રહેલા લોકો પોતાના જ દેશવાસીઓથી જ ડરી રહ્યાં હતા અને તેમનાથી પોતાના બચાવ માટે બીજેપીને વોટ આપી રહ્યાં હતા, તેવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત તો આ કારણથી પાછલા 25 વર્ષોથી બીજેપીને જીતાડતું આવ્યું છે. બીજેપી પાછલા 25 વર્ષથી હિન્દુઓની અને તેમના ધર્મની રક્ષા કોઈ એક ધર્મના લોકોથી કરી રહ્યું છે. તેવામાં કોરોના તેની જવાબદારી છે જે નહીં, કારણ કે તે તો તેની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યું છે.

મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ મંદિર બનાવવા અને ધર્મની રક્ષા કરવા માટે વોટ આપ્યા છે, તેવામાં હોસ્પિટલ અને ઓક્સિજનની વાત કરવી યોગ્ય નથી. જો સાચા વિકાસને સમજીને વોટ આપ્યા હોત અને સ્વાસ્થ્ય માળખા અને શિક્ષણ માટે વોટ આપવામાં આવ્યો હોત તો વાત અલગ હતી.

તેવામાં કોરોના વોરિયર્સ સમાન ડોક્ટર્સ અને સત્તામાં રહેલા નેતાઓ નિર્દોષ છે. તો હવે તમારે જ વિચારવાનું છે કે, કોરોના મહામારીથી પડી ભાગેલી “સિસ્ટમ” પાછળ જવાબદાર કોણ છે?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat