Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાડિયા પોલીસ સ્ટેશનના 6 પોલીસ જવાન કોરોનાની ચપેટમાં, PI સહિત 28 લોકોને કરવામાં આવ્યા ક્વોરન્ટાઈન

ખાડિયા પોલીસ સ્ટેશનના 6 પોલીસ જવાન કોરોનાની ચપેટમાં, PI સહિત 28 લોકોને કરવામાં આવ્યા ક્વોરન્ટાઈન

0
1017

કોરોના વાયરસના ખતરા વચ્ચે પોતાના પરિવારને ભૂલી લોકોની રક્ષા કરનાર પોલીસ જવાનો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં 6 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 8 જેટલા પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેથી પોલીસકર્મીઓના સંપર્કમાં આવેલા 60 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને PI, PSI સહિત 28 લોકોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કુલ આઠ પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નથી મળ્યા. તેમના સંપર્કમાં આવેલા 60 જેટલા લોકોને પણ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવનારા પોલીસકર્મીઓને તેના ચેપથી બચાવવા પીપીઈ સૂટ્સ પણ અપાઈ રહ્યા છે. તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈન્સનું સેનિટેશન પણ કરાઈ રહ્યું છે.

માત્ર અમદાવાદમાં જ નહીં, ગુજરાતના અન્ય ભાગોમાં પણ પોલીસ કર્મચારીઓ કોરોનાના ભોગ બની રહ્યા છે. હવે તો કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા હેલ્થ વર્કર્સ પણ આ વાયરસનો ભોગ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. 25 જિલ્લામાં કુલ 1,272 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે, અને છેલ્લા 12 કલાકમાં જ 176 નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદ ગુજરાતનું એપિસેન્ટર બની રહ્યું છે. અહીં અત્યારસુધી કોરોનાના સૌથી વધારે કેસો સામે આવ્યા છે. લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં નોંધાયેલા 1272 કેસોમાંથી 765 માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. તેમાંય અમદાવાદના કોટ વિસ્તાર ઉપરાંત દાણીલીમડામાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે. છેલ્લા 12 કલાકમાં શહેરમાં જે 143 નવા કેસ નોંધાયા છે તેમાંથી 99 ટકા કેસો તો જે વિસ્તારોમાં કરફ્યુ નખાયો છે ત્યાં જ નોંધાયા છે.

લોકો લોકડાઉન કે કરફ્યુને હજુય સિરિયસ ના લઈ રહ્યા હોવાથી પોલીસે દિવસ-રાત સતત ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેવું પડે છે. અત્યારસુધી અનેક લોકો સામે લોકડાઉન ભંગના કેસ પણ કરાયા છે, છતાંય લોકો કારણ વિના ઘરની બહાર નીકળવાનું બંધ નથી કરતા. જે વિસ્તારોમાં કરફ્યુ નખાયો છે ત્યાં પણ બપોરે 1થી 4માં મહિલાઓ શાક લેવા ટોળે વળે છે, જેનાથી કોરોના પ્રસરવાનો ખતરો ઓર વધી જાય છે.

IPC 188 પોલીસ પરિવારને ભરખી જશે તેવા સ્લોગન ફરતા થયા