વડોદરા: નવલી નવરાતનો પ્રારંભ થઇ ગયો છે. વડોદરામાં યૂનાઇટેડ વે મેદાનમાં બીજા દિવસે ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા હોબાળો થયો હતો અને ખૈલૈયાઓએ રિફંડ રિફંડની બૂમો પાડતા ગરબાને અડધા કલાક સુધી બંધ કરવા પડ્યા હતા. વિવાદ બાદ યૂનાઇટેડ વેના સંચાલકોએ ગ્રાઉન્ડમાંથી પથ્થરો હટાવવા માટે મજૂરોને ભાડે રાખ્યા હતા અને આખુ મેદાન સાફ કરવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
અતુલ પુરોહિતના માથામાં પણ વાગ્યો પથ્થર
વડોદરામાં ગાયક અતુલ પુરોહિતના માથામાં પણ કોઇએ પથ્થર માર્યો હતો. અતુલ પુરોહિતે કહ્યુ કે, પ્રથમ વખત એવુ બન્યુ કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને તે માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહી કરૂ, કાલે મેદાન સરખુ નહી હોય તો હું જ ગરબા શરૂ નહી કરૂ. વિવાદ બાદ માંજલપુરના પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને લેખિતમાં રજૂઆત આપવા કહ્યુ હતુ.
યૂનાઇટેડ વેના ગરબાના એનાઉન્સર ધૈવત જોશીપુરાએ જાહેરાત કરી હતી કે, જેમને પણ રિફંડ જોઇતુ હોય તે કાલે આવીને લઇ જઇ શકે છે. માંજલપુર પીઆઇ પણ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને અંતે અતુલ પુરોહિતે પણ જાહેરાત કરીને ખેલૈયાઓને સમજાવવા પડ્યા હતા.
વડોદરા યૂનાઇટેડ વેમાં ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા હોબાળો, માંજલપુરના પીઆઇએ સમજાવવા પડ્યા#Vadodara #UnitedWayOfBaroda pic.twitter.com/UMEC8vb6tN
— GujaratExclusive (@GujGujaratEx) September 28, 2022
PIએ બાજી સંભાળી
ખેલૈયાઓના હોબાળાને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જે બાદ માંજલપુરના પીઆઇએ બાજી સંભાળી હતી અને તે સ્ટેજ પર તુરંત દોડી આવ્યા હતા. માંજલપુરના પીઆઇએ ખેલૈયાઓને કહ્યુ કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ના બગડે તેનું ધ્યાન રાખો, ટોળામાં ભેગા ના થાવ, તમને કોઇ પ્રશ્ન હોય તો લેખિતમાં અરજી કરી શકો છો. ખેલૈયાઓને કોઇ ફરિયાદ હોય તો મેદાન પર અમારો સ્ટોલ છે, ત્યાં આવીને પણ રજૂઆત કરી શકો છો.
મેદાન પર કાંકરા હોવાને કારણે ગરબે રમતા અનેક ખેલૈયાઓના પગમાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ. મેદાન પર પથ્થરને કારણે કેટલાક ખેલૈયાઓ તો મોજા પહેરીને ગરબે રમ્યા હતા. યૂનાઇટેડ વેના આયોજકોએ જે ખેલૈયાઓને રિફંડ જોઇતુ હોય તેના માટે બુધવારે 1થી 7 દરમિયાન લિન્ક મુકવામાં આવશે, જેના માધ્યમથી તેઓ રિફંડ મેળવી શકશે.
આયોજકોએ સાવરણા વડે કાંકરા વીણવા પડ્યા
યૂનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર મંગળવાર સવારથી જ કાંકરા વીણવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાત્રે ચાલુ ગરબામાં ઇન્ટર્વલ દરમિયાન સાવરણાથી મેદાનને સાફ કરવામાં આવ્યુ હતુ. તેમ છતા મેદાન પર મોટા મોટા પથ્થરોને પગલે લોકોના પગમાં ઇજા થઇ હતી.
Advertisement