પોલીસ અને સીઆરપીએફનો કડક સુરક્ષા બંદોબસ્ત, બખ્તરબંધ વાહનો,સરકારી એસયુવી અને મોટી મોટી હોટલોમાં રોકાણ. પોતે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) નો અધિકારી હોવાનું જણાવીને ઘણાં મહિનાઓથી એશઆરામની જીંદગી વીતાવી રહેલા ઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલ ગુજરાતનો રહેવાસી છે અને તે પોતાને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) નો અધિકારી હોવાનું જણાવતો હતો. તે પોતાની ઓળખ પીએમઓના એડિશનલ ડિરેક્ટર (વ્યૂહનીતિ અને અભિયાન) તરીકે આપતો હતો. જમ્મૂ -કાશ્મીરના અધિકારીઓ પણ આ વાત માની ગયા હતા.
Advertisement
Advertisement
અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠકો પણ યોજી
જોકે, વાત આટલેથી જ અટકતી નથી. તેણે જમ્મૂ -કાશ્મીરના અધિકારીઓ સાથે મહત્ત્વની ઘણી બેઠકો પણ યોજી હતી. આ ઠગને ફરવાનું મન થયું એટલે સૌથી સંવેદનશીલ વિસ્તાર LOCસુધી પણ તે જઈ આવ્યો. ત્યાં નિરીક્ષણ કર્યું, રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. તે ઉપરાંત, તે શ્રીનગરના લાલ ચોક પર પણ ગયો અને સુરક્ષાકર્મીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળતી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.
કોણ છે કિરણ પટેલ ?
ઠગ કિરણ પટેલ અંગે ખાસ તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, તેના ટ્વિટર પ્રોફાઈલથી જાણવા મળે છે કે તેણે કોમનવેલ્થ યુનિવર્સિટી, વર્જિનિયાથી પીએચડી કર્યું છે. તે સાથે જ તેણે આઈઆઈએમ ત્રિચીથી એમબીએ કર્યું હોવાનું પોતાની પ્રોફાઈલમાં લખ્યું છે. આ ઉપરાંત પોતે MTech હોવાનું અને BE Computer કર્યું હોવાનું પણ કિરણ પટેલે જણાવ્યું છે. સાથે જ તેણે દાવો કર્યો હતો કે તે કેમ્પેઈન મેનેજર, એનાલિસ્ટ અને સ્ટ્રેટેજિસ્ટ છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે જમ્મુ – કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. તેની સાથે CRPF જવાન પણ જોવા મળ્યા હતા.
કાળા ચશ્મા, સૂટ-બૂટ અને રીલ્સ
જમ્મૂ-કાશ્મીરના અધિકારીઓ પણ ગુજરાતમાં રહેતા આ ઠગના પ્રભાવમાં એટલા માટે આવી ગયા કારણ કે તે અધિકારીઓના માફક જ કપડાં પહેરતો હતો અને તેવો જ વ્યવહાર કરતો હતો. સાથે જ ટ્વિટર પર ઘણાં ટોચના લોકો તેને ફોલો કરતા હતા તેથી અધિકારીઓ તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા. તેની સલામતી માટે જમ્મૂ-કાશ્મીર પોલીસે PSO જવાનને તૈનાત કર્યો હતો. જ્યારે આ મામલાનો ભાંડો ફૂટી ગયો તો આ બનાવથી જમ્મૂ-કાશ્મીર પોલીસની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. લોકો પ્રશ્રો કરવા લાગ્યા કે પ્રશાસન દ્વારા આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ. પોલીસે કિરણ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 468, 471 હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ આ મામલો પહેલા જ કેમ પકડાયો નહીં તે અંગે જમ્મૂ-કાશ્મીર પોલીસના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement