Gujarat Exclusive > ગુજરાત > કોંગ્રેસ આપી રહી છે પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોની યાદીને આખરી ઓપ

કોંગ્રેસ આપી રહી છે પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોની યાદીને આખરી ઓપ

0
262
  • કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક જારી
  • યાદી તૈયાર કરી આવતીકાલે હાઇ કમાન્ડને દિલ્હી મોકલી અપાશે
  • ચૂંટણી જાહેર થતાં જ બંને રાજકીય પક્ષો કવાયત શરૂ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની આજે ઇલેકશન કમિશનરે જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતની સાથે જ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં બેઠકનો દોર રાજીવ ગાંધી ભવન, પાલડી ખાતે શરૂ થઇ ગયો છે.

આ બેઠકમાં પ્રત્યેક બેઠકમાં નિરીક્ષકો તરફથી તેમણે પ્રત્યેક બેઠકમાં ચકાસણી કર્યા બાદ તેમનો તૈયાર કરેલો અહેવાલ રજૂ કરવામાં આવશે. આ અહેવાલના આધારે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને આવતીકાલે બુધવારે દિલ્હી સ્થિત પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.

એક સમયે કોરોનાના લીધે પેટાચૂંટણી પરત ઠેલાય તેમ લાગતુ હતુ

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપવાના કારણે અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો ખાલી થઇ હતી. આ બેઠકોની પેટાચૂંટણીના આડે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાય તેવી સંભાવના ઊભી થઇ હતી. આમ છતાં રાજકીય પક્ષોએ સંભાવનાઓને ધ્યાનમાં લઇને તેમના નિરીક્ષકો તથા ઇન્ચાર્જોની નિમણૂંક કરી દીધી હતી. આ નિરિક્ષકો તથા ઇન્ચાર્જોએ જે તે બેઠકમાં સ્થાનિક કાર્યકરો, આગેવાનો તેમ જ અન્ય વર્ગ સાથે ચર્ચા વિચારણાં કરીને તેમના મત મેળવ્યા હતા. તેના આધારે અહેવાલ તૈયાર કરી રાખ્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસી ધારાસભ્યોએ આપેલ રાજીનામાવાળી 8 સીટો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે

આજે ઇલેકશન કમિશનરે ગુજરાતની આઠ પેટાચૂંટણીની ચુંટણી ત્રીજી નવેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરતાં જ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં મીટીંગનો દોર શરૂ થઇ ગયો હતો.

કોંગ્રેસે સાત બેઠકો માટે નિરીક્ષક પણ નીમી દીધા

આ મીટિંગમાં નિરીક્ષકોના અહેવાલ તથા ચર્ચા કર્યા બાદ આવતીકાલ સુધીમાં સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડને અહેવાલ મોકલી આપશે. ત્યારબાદ ત્યાંથી રાબેતા મુજબ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોની યાદીને આવતીકાલે આખરી ઓપ આપીને પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપશે.

આ પણ વાંચોઃ પાટિલની પરીક્ષાઃ આઠેય બેઠકો જીતવાનો દાવો, હાર્દિક સામનો કરવા સક્ષમ?

કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ગઢડામાં નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને હાર્દિક પટેલ, અબડાસામાં ડો. સી. જે. ચાવડા, મોરબીમાં અર્જુન મોઢવાડિયા, કરજણમાં સિધ્ધાર્થ પટેલ, કપરાડામાં તુષાર ચૌધરી, ડાંગમાં ગૈરવ પંડયા અને અનંત પટેલ, લીંબડી રાજુ પરમારની નિરીક્ષક તરીકે નિમણૂંક કરી હતી.

ભાજપ સરકારી મશીનરીનો ઉપયોગ કરી જીતવાનો પ્રયત્ન કરશેઃ જયરાજસિંહ પરમાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવકતા જયરાજસીંહ પરમારે જણાવ્યું કે, આઠેય બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. કેમ કે આ બેઠકો વર્ષોથી કોંગ્રેસની વિચારધારાવાળી છે. અને ઇતિહાસ તેનો સાક્ષી છે કે તમામ બેઠકો કોંગ્રેસ વીસ – વીસ વર્ષથી જીતતી આવી છે. અને જીતશે જ. ભાજપના પ્રદેશ અધ્યક્ષને પહેલાં તો ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવવી જોઇએ કેમ કે બનાસકાંઠામાં તેમણે ધારાસભ્યને પૂછવું પડયું હતુ કે તમે ધારાસભ્ય છો ને, જે ધારાસભ્યોને ઓળખતાં નથી તે પ્રજાને શું ઓળખી શકવાના હતા. ભાજપ મશીનરીનો દુરપયોગ કરીને જીતવાનો પ્રયાસ કરશે. પરંતુ જનતા પર તેની કોઇ અસર થશે નહીં.