Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘નવરાત્રી પર રોક, તો ચૂંટણી પર કેમ નહીં?’ કોંગ્રેસ MLAની હાઈકોર્ટમાં અરજી

‘નવરાત્રી પર રોક, તો ચૂંટણી પર કેમ નહીં?’ કોંગ્રેસ MLAની હાઈકોર્ટમાં અરજી

0
160

ગાંધીનગર: ગુજરાતમાં આગામી મહિનાઓમાં મહાનગર પાલિકા, નગર પાલિકા અને પંચાયતની ચૂંટણી (Gujarat Local Body Polls) સ્થગિત કરવાની માંગને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh) તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રી પર રોક લગાવી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ મુલતવી રાખવી જોઈએ. આવા સમયે ચૂંટણી આયોજિત કરવાથી મોટા શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાશે.

કોરોના સંક્રમણ ફેલાવાના ભયના પગલે ખૂબ જ ઓછા લોકો મતદાન કરે તેવી સંભાવના છે. જો આવું થયું તો, ચૂંટણીનું કોઈ મહત્વ નહીં રહે. આથી ચૂંટણી પંચે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આયોજન પર પુનર્વિચાર કરવો જોઈએ. આ અરજી પણ આગામી દિવસોમાં સુનાવણી થાય તેવી શક્યતા છે.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનની અરજી પ્રમાણે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં થવાની સંભાવના છે. જેમાં રાજ્યની 6 મહાનગર પાલિકાઓ જેમાં- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં ચૂંટણીનું આયોજન છે. આ મ્યૂન્સિપલ કોર્પોરેશનમાં કુલ 642 કોર્પોરેટરો છે.

આ સિવાય 4488 સભ્યો ધરાવતી 42 નગર પાલિકાઓ, બનાસકાંઠા અને ખેડા સિવાય રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના 1100 સભ્યો અને કુલ 4397 સભ્યો ધરાવતી તાલુકા પંચાયતોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણીને લઈને પરિપત્ર સહિત સીમાંકન પણ બહાર પાડવામાં આવી ચૂક્યું છે.

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક રાખવાની ઝંઝટમાંથી મુક્તિ, 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે

ધારાસભ્યએ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોરોનાન 1.30 જેટલા કેસ છે. હવે જો આવા સંજોગોમાં ચૂંટણી યોજાશે, તો સ્થિતિ વધારે વણસી શકે છે.

ચૂંટણીના કારણે રેલીઓ અને સભાઓનું આયોજન થશે. જેમાં લોકોના સામેલ થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાશે. આટલું જ નહીં, આચાર સંહિતાના કારણે વિકાસ કાર્યો ઉપર પણ રોક લાગશે.

સરકારે કોરોનાને મહામારી જાહેર કરી છે અને રાજ્યના વિવિધ ભાગોમાં જીવલેણ વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે, કુદરતી આપત્તિઓની સ્થિતિમાં ચૂંટણી સ્થગિત રાખવામાં આવી શકે છે. આથી હાઈકોર્ટે ચૂંટણી પંચને આ સંદર્ભે આદેશ આપવો જોઈએ કે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય, ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થગિત કરવી જોઈએ.