વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોંગ્રેસના જુઝારૂ નેતા જયરાજસિંહ પરમારે આખરે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે.પણ જયરાજસિંહ જેવા સંનિષ્ઠ કોંગ્રેસી કાર્યકરને આમ દુઃખી મને રાજીનામુ આપવાનો સમય આવે ત્યારે ખરેખર દુઃખદ બાબત જરૂર કહેવાય. 3-3 વખત જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા હોવા છતાં છેલ્લી 2 ટર્મથી વિધાનસભામાં પોતાના માનીતાઓને ટિકીટ આપવાની લ્હાયમાં જયરાજસિંહને પડતા મુકાયા હોવા છતાં જયરાજસિંહ કોંગ્રેસ વિરુદ્ધ હરફ પણ ન ઉચ્ચારે એનાથી વધારે ખાનદાની અને પક્ષને વફાદાર કોને કહી શકાય. ખેર જયરાજસિંહે કોંગ્રેસ પ્રત્યે જે વફાદારી બતાવી એની સામે કોંગ્રેસે એમની કદર કરી નહીં હોય એના જ પરિણામ સ્વરૂપે જયરાજસિંહે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવો જોઈએ.
છેલ્લા 25-27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થાય ત્યારે એનો જવાબ આપવા પ્રદેશ કોંગ્રેસનો એક પણ નેતા ગુજરાત કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર ન રહે માત્રને માત્ર જયરાજસિંહ જ હાજર હોય અને પોતાની પાર્ટીનો પક્ષ મૂકે, ટૂંકમાં હરથી પણ તેઓ હાર્યા નથી. ટીવી ચેનલોમાં જ્યારે તેઓ ડિબેટ માટે આવે ત્યારે કોંગ્રેસનો બચાવ તો એવી રીતે કરતા કે ભાજપના નેતોની પણ બોલતી બંધ થઈ જતી હતી.ગમે તેવી કપરી સ્થિતિમાં પણ તેઓ હર હમેશ કોંગ્રેસની સાથે જ રહેતા.
પરંતુ એમણે જ્યારે કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું લખ્યું કે હવે તમારો મિત્ર થાક્યો છે, લડવાથી નહિ પણ લડવા નહિ માંગતા નેતાઓથી.પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ વારા પછી વારો અને તારા પછી મારો ના સ્વાર્થીપણાથી થાક્યો છું.કોંગ્રેસ પક્ષને પોતાની અંગત જાગીર સમજી વર્ષોથી કબજો જમાવી બેઠેલા નેતાઓથી હું થાક્યો છું.
જયરાજસિંહનું સોશિયલ મીડિયાનુ આ નિવેદન ઘણું બધું કહી જાય છે.છેલ્લા બે-અઢી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે.જો સતા ફરી મેળવવી હોય તો નેતાઓએ કાર્યકર બની જમીની સમસ્યાઓ દૂર કરવી જોઈએ, લોકો સુધી પહોંચવું પડે.પણ ગુજરાતનાં ઘણા કોંગ્રેસી નેતાઓ તો એવા છે કે હાઈ ફાઈ કારનો કાચ ખોલવા પણ તૈયાર નથી.
સત્તામાં ન હોવા છતાં પોતે જ કંઇક છે, પોતે જ સર્વે સર્વા છે એવી રીતે રહે છે, અત્યાર સુધી ગુજરાત માંથી કોંગ્રેસના ઘણા નેતાઓએ રાજીનામુ આપ્યું પરંતુ કોંગ્રેસના પેટનું પાણી પણ હલતું નથી.હવે આજે કોંગ્રેસના બીજા એક જમીની નેતાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે ત્યારે સત્તા લાલચુ કોંગ્રેસના અમુક નેતાઓને તો એમ જ થતું હશે કે એક કન્ટો ગયો.પરંતુ એક વાત સત્ય છે કે જયરાજસિંહે કોંગ્રેસ નહિ પણ કોંગ્રેસે જયરાજસિંહને ગુમાવ્યા છે.કોંગ્રેસ પાસે તો ગુમાવવા જેવું કંઈ છે જ નહીં, કોંગ્રેસને તો જે મળે એટલું નફામાં જ છે.
હા હવે ટીવી ડિબેટમાં કોંગ્રેસને પોતાનો બચાવ કરવા વાળા નેતા તરીકે જયરાજસિંહની અછત જરૂર વર્તાશે.આટલા વર્ષો સુધી ડર્યા વિના વિપક્ષમાં રહી સત્તા પક્ષની ત્રુટીઓને જાહેરમાં લાવતા ભાજપ વિરુદ્ધ બેબાક રીતે બોલતા ખૂબ અભ્યાસુ નેતા જયરાજસિંહ પરમારે આખરે ક્યાં કારણોસર કોંગ્રેસ પક્ષ છોડ્યો એ કોંગ્રેસ માટે આત્મમંથનનો વિષય જરૂર છે.
અગાઉ ગુજરાત કોંગ્રેસના કેટલાયે નેતાઓ અને ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ત્યારે કોંગ્રેસે આત્મમંથન નથી કર્યું તો કોંગ્રેસ હવે શું આત્મમંથન કરવાની છે.ચર્ચાઓ તો એવી પણ છે કે જયરાજસિંહે કોંગ્રેસ છોડવાની શરૂઆત માત્ર કરી છે, હવે પછીના સમયમાં કોંગ્રેસના ધરખમ નેતાઓ પણ જયરાજસિંહનો માર્ગ અપનાવશે.જયરાજસિંહના કોંગ્રેસ છોડ્યા બાદ લોકોમાં એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે અઢી અઢી દાયકા સુધી જેણે ભાજપ વિરુદ્ધ જ નિવેદનો આપ્યા હોય, જેણે ભાજપના ભ્રષ્ટાચારની નકરી પોલ જ ખોલી હોય એવા જયરાજસિંહ ક્યાં પક્ષમાં જોડાશે, જો તેઓ ભાજપમાં જોડાશે તો કેવી રીતે કોંગ્રેસ વિરુદ્ધનો અને ભાજપ તરફી પોતાનો મત રજૂ કરશે????