Gujarat Exclusive > રાજનીતિ > લૉકડાઉન નિષ્ફળ ગયુ, હવે આગામી રણનીતિ બતાવે મોદી સરકાર: રાહુલ ગાંધી

લૉકડાઉન નિષ્ફળ ગયુ, હવે આગામી રણનીતિ બતાવે મોદી સરકાર: રાહુલ ગાંધી

0
1396

નવી દિલ્હી: દેશમાં વધતા જતાં કોરોના સંક્રમણના કેસ અને લૉકડાઉનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણે કોરોના સામે 21 દિવસની જંગ લડવા જઈ રહ્યાં છીએ. આજે એ વાતને 60 દિવસ થવા આવ્યા છે, પરંતુ આપણો એક માત્ર દેશ એવો છે, જ્યાં વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

રાહુલે જણાવ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે, જે કોરોનાના પોઝિટિવ કેસો વધ્યા બાદ લૉકડાઉન બંધ કરવા જઈ રહ્યો છે. ભારતમાં લોકડાઉન નિષ્ફળ રહ્યું છે. PM મોદીનું લક્ષ્ય હતું, તે પૂર્ણ નથી થયું. વડાપ્રધાન મોદી અને સરકાર જણાવે હવે તેમની આગામી રણનીતિ કેવી રહેશે?

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો પાસે પ્રવાસી મજૂરોની વ્યવસ્થા કરવા અને રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની રણનીતિ છે, પરંતુ કેન્દ્ર સરકારની મદદ વિના તેઓ એકલા કશું જ નથી કરી શકતા.

મહામારીના પહેલા દેશ અને પછી બેરોજગારીના દરમાં નોંધવામાં આવેલા વધારાના પ્રશ્નનો જવાબ આપતા રાહુલ ગાંધી જણાવ્યું કે, આપણે ઈકોનૉમી અને સ્વાસ્થ્ય વચ્ચે માર્ગ શોધવો પડશે. જેથી બન્ને વ્યવસ્થિત રીતે ચાલી શકે. એક રાષ્ટ્રીય નેતા તરીકે મને ઘણું દુ:ખ થાય છે કે, આપણી કંપનીઓ બંધ થઈ જશે, નાદારી નોંધાવશે. લોકો મોટી સંખ્યામાં બેરોજગાર થઈ રહ્યાં છે. સરકાર અર્થતંત્ર અને સ્વાસ્થ્ય સુવિધા બન્ને તરફ એકસમાન ધ્યાન આપીને કામ કરે તે જરૂરી છે.

ચીન અને નેપાળ સાથે હાલની તનાવપૂર્ણ સ્થિતિના પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સીમા વિવાદની વિગત, શું થયુ અને કેવી રીતે થયું?, શું કરવામાં આવ્યું? વગેરેની પૂરી જાણકારી સરકારે દેશને આપવી જોઈએ. ચીન અને ભારત વિશે વધારે બોલવા નથી માંગતો, પરંતુ ટ્રાન્સપરન્સીની જરૂરી છે. જ્યાં સુઝી ટ્રાન્સપરન્સી નહીં હોય, ત્યાં સુધી તેના પર મારે કોઈ પ્રતિક્રિયા કરવી જરૂરી નથી.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસના પગલે લાગુ લૉકડાઉન વચ્ચે રાહુલ ગાંધીની આ ચોથી પત્રકાર પરિષદ છે. અગાઉ 16 એપ્રિલ, 7 મેં, 15 મેંના રોજ પણ રાહુલ ગાંધીએ પત્રકારોને સંબોધ્યા હતા. આ દરમિયાન વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને નોબલ વિજેતા અભિજીત બેનર્જી સાથે વીડિયે કોન્ફરન્સથી વાતચીતનું આયોજન પણ કર્યું હતું.