નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આ બન્ને પક્ષ વચ્ચે કોંગ્રેસ ઘણી પાછળ છે. જો ભાજપ અથવા આમ આદમી પાર્ટી બહુમતથી પાછળ રહે છે તો કોંગ્રેસ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના કાઉન્સિલરોની ભૂમિકા મહત્વની બની જશે. કેટલીક બેઠક પર અપક્ષ પણ ચૂંટણી જીતતા જોવા મળે છે.
એમસીડીમાં ભાજપ સતત 15 વર્ષથી સત્તામાં છે. આ વખતે આમ આદમી પાર્ટીએ કચરાના પહાડને મુદ્દો બનાવતા ભાજપ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 250 વોર્ડમાંથી કુલ 1349 ઉમેદવાર મેદાનમાં છે.
શરૂઆતના વલણમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. AAP-123, BJP-115 અને કોંગ્રેસ 7 બેઠક પર આગળ ચાલી રહી છે. દિલ્હી મહાનગરપાલિકામાં બહુમતનો આંકડો 126 છે.