Gujarat Exclusive > રાજનીતિ > આખરે અટકળોનો અંત…વારાણસીમાં પ્રિયંકા v/s મોદી નહી, કોંગ્રેસે આ ઉમેદવારને ઉતાર્યા મેદાનમાં

આખરે અટકળોનો અંત…વારાણસીમાં પ્રિયંકા v/s મોદી નહી, કોંગ્રેસે આ ઉમેદવારને ઉતાર્યા મેદાનમાં

0
320

કોંગ્રેસ દ્વારા મોડે મોડે પણ લોકસભા ચૂંટણી માટે વારાણસી અને ગોરખપુર લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વારાણસીથી અજય રાય, જ્યારે ગોરખપુરથી મધુસુદન તિવારીને ટિકીટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, વારાણસીમાં અજય રાયની ટક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થવાની છે.

આ સાથે જ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડવાના છે, તેવી અટકળોનો આખરે અંત આવ્યો છે. અગાઉ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે. કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી તરફથી પણ એવા સંકેતો મળ્યા હતા, જેના કારણે વારાણસી બેઠક પર પ્રિયંકા ગાંધી લડે તેવી અટકળો તેજ બની હતી.

જણાવી દઈએ કે, કોંગ્રેસ ઉમેદવાર અજય રાય વર્ષ 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તેઓ ત્રીજા નંબર પર આવ્યા હતા. વારાણસી બેઠક પર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન તરફથી શાલિની યાદવને ટિકીટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા બેઠક પરથી 26 એપ્રિલના રોજ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. આ દરમિયાન તેમની સાથે જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સહિત એનડીએના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન પણ પ્રધાનમંત્રીના ઉમેદવારી દરમિયાન તેમની સાથે જ રહેશે. ઉમેદવારીના એક દિવસ અગાઉ વડાપ્રધાન મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શૉ યોજાવા જઈ રહ્યો છે.

 

‘માઁ ગંગાને બુલાયા…’આજે PM મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ શૉ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત