ભાવનગર: ભાવનગર શહેરમાં રાખવામાં આવેલા EVM સ્ટ્રોંગ રૂમમાં કોઇ સેફ્ટી ના હોવાનો કોંગ્રેસના ઉમેદવારે આરોપ લગાવ્યો હતો. જોકે, તે પછી કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે EVM સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સાથે ચેડાં થયાની અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં.
કોંગ્રેસના ઉમેદવારે લગાવ્યો હતો આરોપ
ભાવનગરની ગારીયાધાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે ભાવનગરમાં રાખવામાં આવેલા EVM સ્ટ્રોંગ રૂમમાં કોઇ સેફ્ટી નથી. આ મામલે કોંગ્રેસના ઉમેદવારે રૂબરૂ મુલાકાત લઇને કલેક્ટરનું પણ ધ્યાન દોર્યુ હતુ. વિદ્યાનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સ્ટ્રોંગ રૂમની મુલાકાતે ગયા હતા અને આક્ષેપ કર્યો હતો કે સ્ટ્રોંગ રૂમમાં તાળા મારી અને જે સીલ મારવામાં આવ્યા છે તે સીલ એ રીતના છે કે તાળુ આસાનીથી ચાવીથી ખુલી જાય છે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અખંડ
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત 1 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર મતદાન બાદ ઈવીએમ (ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીન) ભાવનગર ની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સીલ મારી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આજરોજ એવી અફવા ફેલાઇ હતી કે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઇવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગરુમ સલામત નથી અને તેના સીલ સાથે ચેડાં થયા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.કે. પારેખ દ્વારા આ અફવાનું ખંડન કરવામાં આવ્યું છે.
કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્ટ્રોંગ રૂમની જિલ્લા કલેકટર તેમજ રિટર્નિંગ ઓફિસર દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ ની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ સહી સલામત છે તેમજ દિવસ રાત 24 કલાક સશસ્ત્ર સુરક્ષા દળોનો પહેરો લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત 24 કલાક તેની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ 24 કલાક સીસીટીવી સર્વેલંસ હેઠળ છે. આ સર્વેલંસના ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલરૂમમાં બેસી જોઈ શકે તેવી પણ વ્યવસ્થા છે. ભારતીય ચૂંટણી પંચના પ્રોટોકોલ પ્રમાણે જ ઇવીએમની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ઇવીએમ રાખવામાં આવ્યા એ સમયે તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમ અખંડ છે આથી કોઈપણ વ્યક્તિ આવી અફવાથી ભરમાવું નહીં.