૧૪મી ફેબ્રુઆરીની રાત્રે સાડા નવ વાગ્યે આરોપી કલ્પેશ ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.૩૫, રહે. માનકૂવા) ગામમાં રહેતી એક પરિણીતાના ઘર નજીક હતો ત્યારે ચાર જણે તેને મુઢ માર માર્યો હતો. ઘાયલ કલ્પેશે જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી આ મામલે ચારે આરોપી સામે બીજા દિવસે એટ્રોસીટી સહિતની કલમો તળે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ વચ્ચે પરિણીતાએ કલ્પેશ અને તેના મોટાભાઈ પ્રકાશ રાઠોડ વિરુધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
બેન્કના એટીએમ પર નોકરી કરતાં પ્રકાશ રાઠોડનો સાત-આઠ માસ પૂર્વે ફરિયાદી મહિલા જોડે પરિચય થયો હતો. ત્યારબાદ તેણે ધાક-ધમકી કરી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, ફરિયાદી જોડેથી સોનાનો દાગીનો અને અઢી હજાર રૂપિયા ઉછીના લેવાના બહાને તે મેળવીને પરત આપ્યાં નહોતા. બીજી તરફ, પ્રકાશના ભાઈ કલ્પેશે છએક માસ પૂર્વે ‘તારે મારા ભાઈ સાથે આડાસંબંધો છે તે હું તારા પતિને જણાવી દઈશ’ તેવી ધમકી આપી દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. કલ્પેશે પણ મહિલા પાસેથી દસ હજાર રૂપિયા મેળવી પરત આપ્યાં નહોતા. માનકૂવા પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.