Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર મ્યુનિ. કમિશનરને અહેવાલ રજૂ કરવા આયોગનો હુક્મ

ગાંધીનગર મ્યુનિ. કમિશનરને અહેવાલ રજૂ કરવા આયોગનો હુક્મ

0
136
  • અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ જશો તો આયોગ આગળની કાર્યવાહી કરશે

  • ગાંધીનગરમાં ગટર સાફ કરવા જતાં સફાઇ કર્મચારીના મૃત્યુ અંગે થયેલી ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગર ખાતે સફાઇ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ગટરમા ઉતારવાની ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની દાદ માંગતી ફરિયાદ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ થઇ છે. આ ફરિયાદના પગલે માનવ અધિકાર આયોગ દ્વારા ગાંધીનગર મ્યુનિ. કમિશનર તથા ગાંધીનગર પાટનગર યોજના વિભાગ-3ના કાર્યપાલક ઇજનેરને 20 દિવસમાં અહેવાલ પાઠવવા આદેશ કર્યો છે. જો આ સમયગાળામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જશો તો રાજય આયોગ આગળની કાર્યવાહી હાથ ધરશે.

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગટર સાફ કરવા જતાં બે સફાઇ કામદારો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ ગાંધીનગરમાં આ ઘટનાનું પુનરાવર્તન થતાં સામાજીક કાર્યકર કાન્તિભાઇ પરમારે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પાટનગર ગાંધીનગર સેકટર-7 ખાતે 14.08.2021ના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સુપ્રિમકોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ કોઈપણ વ્યક્તિને ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતારવા પર પ્રતિબંધ હોવા છતાંય ગટર સાફ કરવા માટે એક સફાઈ કર્મચારીને ઉતારવામાં આવેલ હતો. અને કાયદાકીય જોગવાઈઓથી વિપરીત રીતે વર્તન કરી મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગરના અધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારીને ગૂંગળાઈને મરવા મજબુર કરવામાં આવી રહ્યો હતો.

આ પ્રકારની ગુન્હાહિત બેદરકારી દાખવી ધ પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એજ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ, 2013ની જોગવાઈઓનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટ અને અમદાવાદ, સોલા સ્થિત રાજ્યની હાઇકોર્ટ દ્વારા વારંવાર તંત્રને ટકોર કરી લોકોની મહામૂલી માનવ જિંદગી બચાવવાં સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડવા છતાં સરકારી તંત્ર અને ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કર્મચારીને કોઈપણ જાતના સુરક્ષાના સાધનો વિના સુપ્રિમકોર્ટે કહ્યું તેમ ગેસ ચેમ્બરમા ગટર સાફ કરવા અંદર ઉતારીને મરવા છોડી દેવાય છે.

આ ઘટના માટે જે તે બેજવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી ફરિયાદ સરકાર તરફે સરકાર દ્વારા નોંધાવીને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને ખાતાકીય પગલા ભરવામાં આવે તેમજ જ઼ો ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોય તો તે એજન્સીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે અને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેમજ એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરવામાં આવે અને જવાબદાર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ બંધારણના આર્ટિકલ 21 મુજબ ગૌરવપૂર્ણ રીતે લોકો જીવન જીવી શકે તે માટે જીવન જીવવાના અધિકારની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે. ગટરમાં ઉતારી લોકોની જીંદગી જોખમમાં ન મુકાય અને તેઓના માનવ અધિકારોનું હનન ન થાય તે જોવા અને તેઓના માનવ અધિકારોની જાળવણી કરવા વિનંતી કરી છે.

38 લાખના ખર્ચે ખરીદેલ રોબોટ શોભાના ગાંઠિયા સમાન: કાન્તિભાઇ

સામાજિક કાર્યકર કાન્તિભાઇ પરમારે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરના બોપલ બાદ ગાંધીધામ અને ગાંધીનગરમાં ગટરની સફાઇ કરવા જતાં કામદારો મુત્યુને ભેટયાં છે. આવા ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષમાં 250 જણાં મુત્યુ પામ્યા છે. એટલે કે દર વર્ષે રાજયમાં સરેરાશ 10 સફાઇ કામદારોના ગટરની સફાઇ કરવા જતાં મુત્યુ પામે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગટરની સફાઈ કામ કરવા માટે 38 લાખના ખર્ચે ગાંધીનગર માટે ખરીદેલ રોબોટને એક ખૂણામાં મૂકી રાખી માનવ જીંદગી જોખમમાં મુકવાને બદલે રોબોટને ગટર સાફ કરવા માટે કાર્યાન્વિત કરાવવા કલેકટર અને કમિશ્નર ગાંધીનગર સમક્ષ અમારી માંગણી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat