Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: જીવનમાં તમે બસ ચૂકી ગયા છો – હાથમાંથી તક સરી ગઈ છે?

#Column: જીવનમાં તમે બસ ચૂકી ગયા છો – હાથમાંથી તક સરી ગઈ છે?

0
1712

જય નારાયણ વ્યાસ: જીવનમાં દરેક વ્યક્તિ પોતપોતાની મહત્વાકાંક્ષા સાથે જીવે છે. મહત્વાકાંક્ષા વગરનો માણસ પાંગળો છે. બરાબર તે જ રીતે સારા-નરસાનો વિચાર કર્યા વગર મહત્વાકાંક્ષાને પોતાના ઉપર સવાર થઈ જવા દેનાર અને એને તાબે થઇ હડકાયા કુતરાની માફક દોડતો માણસ સરવાળે પોતાને જ નુકસાન કરે છે.

સપના જોવાં, મહત્વાકાંક્ષા રાખવી એમાં કશું ખોટું નથી.

મહત્વાકાંક્ષા અથવા સપનું ફળે ત્યારે રાજીપો થાય જ પણ એમાં નિષ્ફળ જવાય ત્યારે?

એની નિરાશા તમને ભાંગીને ભટુરિયું ન કરી નાખે એ પણ એટલું જ અગત્યનું છે. યાદ રાખો ઘોડે ચડે એ પડે પણ ખરો.

આ સમજવા માટે કરોળિયાથી મોટો ગુરુ તમને બીજો કોઈ નહીં મળે. એટલે જ કહેવાયું છે –

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
બાળપણમાં મારા બાપા નીચેની પંક્તિઓ ઘણીવાર કહેતા.
હાઉ કેન યુ ગેટ અપ બોય
ઇફ યુ નેવર ટ્રાય
ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન
યુ વિલ સક્સીડ એટલાસ્ટ
હિમ્મત ન હારો, દ્રઢ મનોબળવાળા જ છેવટે ભવારવીના ઘમાસાણમાં વિજયી થાય છે.

આ પણ વાંચો: ‘નમસ્તે ટ્રમ્પ’ના આયોજન અને અણઘડ નિર્ણયોના કારણે ગુજરાતમાં કોરોના વધ્યો

એક દાખલો તમારી સામે મૂકું છું. એક વિદ્યાર્થી આઈઆઈટીમાં દાખલ થવા માટેની એન્ટરન્સ ટેસ્ટ આપે છે.
પરીક્ષા ઘણી સારી જાય છે. આ અતિ મુશ્કેલ પરીક્ષામાં એ સારો ગુણવત્તા ક્રમાંક મેળવે છે.
જીવનના અત્યાર સુધી સેવેલા સપનાનું મોટામાં મોટું શમણું સાચું પડે છે. પરિણામ જોઈને એનું મન કળા કરતા મોરની જેમ થનગની ઊઠે છે.
આનંદના આ અતિરેકમાં આ વિદ્યાર્થી એના પિતા પાસે પહોંચે છે. પિતાને આ સમાચાર જણાવવા તેનું મન તલપાપડ થાય છે. પિતા છાપું વાંચી રહ્યા છે. હરખે હરખે એ વિદ્યાર્થી તેના પિતાને આ સમાચાર આપે છે કે તે આઈઆઈટીની એન્ટ્રન્સ પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થયો છે.

પિતાની સ્વાભાવિક પ્રતિક્રિયા ઉમળકાભેર આ શબ્દોમાં મળે છે. “બહુ જ સરસ બેટા!”
પેલા વિદ્યાર્થીનું બીજું વાક્ય “મારે આઇઆઇટીમાં દાખલ થઈને આગળ ભણવું છે.”

છાપું વાંચતા પિતા છાપામાંથી મોઢું બહાર કાઢીને એની સામે જુએ છે અને ખેદયુક્ત ભારે અવાજમાં કહે છે, “દીકરા તું ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. તારી સમજ પણ એટલી જ કેળવાયેલી છે. તું આપણી આર્થિક સ્થિતિ જાણે છે. મારે આઠ બાળકો છે. પાંચ દીકરીઓ જેને હજુ પરણાવાની છે અને ત્રણ દીકરા જેને ભણાવવાના છે. હું નોકરિયાત માણસ છું અને મને આઈઆઈટીમાં ભણાવવા પાછળનો થનારો ખર્ચ પોષાય તેમ નથી. તું અહીંયા રહીને જેટલું ભણવું હોય તેટલું ભણી શકે છે. પેલા છોકરાને પિતાનો આ જવાબ સાંભળી ક્ષણભરમાં ધરતી પગ નીચેથી સરકી જતી હોય તેમ લાગે છે. એની આશાનું પંખી ગગન વિહાર કરતાં કરતાં ભોય ઉપર પટકાઈ પડે છે. પિતાની વાત સાચી છે એ સમજવા જેટલી પાકટતા તો એનામાં છે. આમ છતાંય એનું દિલ તૂટી જાય છે. સપનાનો રાજમહેલ કડડડભૂસ કરતો જમીન ઉપર તૂટી પડે છે. પોતાના કેટલાક દોસ્તો જેમણે એને ભણવામાં મદદ કરી છે, જે એના જેટલા તેજસ્વી નથી, એમણે પણ આઇઆઇટીની આ પ્રવેશ પરીક્ષા પસાર કરી છે. છેવટે એક દિવસ આવે છે ત્યારે આ બધા સોનેરી સપનાં આંખોમાં આંજીને IITમાં દાખલ થવા માટે વિદાય થઇ રહ્યા છે. પેલા વિદ્યાર્થીએ પણ ત્યાં સુધી થોડીક સ્વસ્થતા મેળવી લીધી હતી. પોતાના દિલોજાન દોસ્તોને એ સ્ટેશને વળાવવા જાય છે એને જોઈને એમાંનો એક વિદ્યાર્થી કહે છે, “તને પણ પ્રવેશ મળ્યો હોત તો સારું હતું.” શું જવાબ આપે પેલો વિદ્યાર્થી?

આ પણ વાંચો: ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની જગ્યા કોણ લેશે?

આમેય એ ઓછું બોલતો હતો. એના નિર્ધારિત સમયે ટ્રેન ઉપડે છે. આ વિદ્યાર્થી પ્લેટફોર્મ પર ઉભો ઉભો એ ટ્રેનના ટ્રેનના છેલ્લા ડબ્બા પાછળનો ટેઈલ લેમ્પ છેલ્લે સુધી દેખાતો બંધ થાય ત્યાં સુધી જોઈ રહે છે. વિચારોનું કેવું મોટું ધમાસાણ એના મનમાં ચાલતું હશે?
એની જગ્યાએ તમે હોવ તો શું કરો?
પણ ભગવદ ગીતાની શીખ છે, જે કહે છે – તમારા સારામાં સારા મિત્ર તમે પોતે જ છો અને ખરાબમાં ખરાબ દુશ્મન પણ તમે જ છો.
આ વિદ્યાર્થી જુદી માટીનો હતો. તેણે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે એના મનમાં કેન્દ્રિત થયેલો વિચાર હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ IITમાં ભણે છે પણ એમાંથી બધા જિંદગીમાં જેને મોટી પ્રાપ્તિ કહેવાય એવું નથી કરી શકતા.
આમ તમે ક્યાં ભણો છો કે કેવી સંસ્થામાં અભ્યાસ કરો છો તે નહીં અર્જુનની માફક માત્ર પક્ષીની આંખ જ જોઈ તમારું સ્વકેન્દ્રીપણું અને સખત મહેનત જ છેવટે રંગ લાવે છે. હું એમાં ઉમેરીશ – નિયતિના છુપા આશીર્વાદ પણ એ માટે જરૂરી છે.

આ વિદ્યાર્થી જીવનમાં ક્યાં પહોંચ્યો હશે?

દોસ્તો!! આ વિદ્યાર્થી ભણ્યો ગણ્યો, જીવનમાં આગળ વધ્યો અને ભારતની સોફ્ટવેર તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે એક ઉત્તમ પ્રયોજક અને પાયોનીયર તરીકે એને ગજું કાઢ્યું. દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા એવી આઇઆઇએમ-અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સનો ચેરમેન બન્યો. એમણે જે કંપની સ્થાપી એનું નામ “ઈન્ફોસિસ”.

આ વિદ્યાર્થીનું નામ હજુયે મારે કહેવું પડશે?

તમારી ધારણા બિલકુલ સાચી છે. એ વ્યક્તિ એ બીજો કોઇ નહીં પણ ઇન્ફોસિસના સ્થાપક અને એક અગ્રણી ફિલૅન્થ્રપિસ્ટ (માનવતાવાદી) વિશ્વ વિખ્યાત એન. આર. નારાયણ મૂર્તિ. એમનો વિશ્વાસ નીચેના એક જ વાક્યમાં જોઈ શકી છે – “Powered by Intellect and Driven by Value”.

બુદ્ધિપ્રતિભા અને મૂલ્યનિષ્ઠા સાચી પ્રગતિ કરી આપે છે. નિરાશ ન થાઓ. એક તક ચુકાઈ જાય છે ત્યારે ધ્યેય પ્રાપ્તિ માટેની બીજી અનેક તકો તમારી રાહ જોતી હોય છે. જરૂર છે માત્ર દ્રઢ મનોબળની અને કઠોર પરિશ્રમની.

(લેખકના વિચારો વ્યક્તિગત છે. જયનારાયણ વ્યાસ, ગુજરાત સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે)