Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > # Column: ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી

# Column: ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી

0
365

પૂર્વ CM હિતેન્દ્રભાઈની કુનેહ અને માનવતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન ઉકેલ્યો–જય નારાયણ વ્યાસ

રક્ષાબંધન ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પર્વ છે. બહેન એ દિવસે ભાઇના કાંડે રાખડી બાંધી એના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે અને બદલામાં ભાઈ-બહેનનું યોગક્ષેમ વહન કરવાનો અને એક ભાઈ તરીકે એની ઢાલ બનીને ઉભા રહેવાનો સંકલ્પ કરે છે. સાથોસાથ બહેન પ્રત્યેના પોતાના પ્રેમ અને ભાવને વ્યક્ત કરવા એને યથાશક્તિ ભેટ પણ આપે છે.

રક્ષાબંધન સાથે જોડાયેલા અનેક પ્રસંગોમાંથી માતા કુંતાએ સાત કોઠાના યુદ્ધમાં જતા અભિમન્યુને કરેલ રક્ષાબંધન, ભગવાન વિષ્ણુને બલિરાજાના વચનમાંથી છોડાવી વૈકુંઠમાં લઈ જવા માટે ઈન્દ્રાણીએ બલિરાજાને કરેલ રક્ષાબંધન,

પોતાના રાજ્ય ઉપર ગુજરાતનો બાદશાહ અહમદશાહ ચઢી આવ્યો ત્યારે ચિત્તોડની રાણી કર્ણાવતીએ હુમાયુને ભાઈ બનાવી મોકલાવેલ રાખડી અને બદલામાં હુમાયુ પોતાના લશ્કર સાથે કર્ણાવતીને પોતાની બહેન સમજી તેની રક્ષણ માટે દોડી જાય તે પ્રસંગ જેવાં અમર પ્રસંગો નોંધાયા છે.

‘સમયને સથવારે ગુજરાત’નો પ્રસંગ

આજે ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રીના ધર્મપત્નીએ રક્ષાબંધન કરી વિધાનસભામાં પોતાના પતિની સરકાર પરાસ્ત થાય અને પડી જાય તે પરિસ્થિતિમાંથી તેમને રક્ષાબંધનના દિવસે કઈ રીતે ઉગારી લીધા તે પ્રસંગ જોઈએ, જે કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે લિખિત પુસ્તક ‘સમયને સથવારે ગુજરાત’ના પાન નંબર 61-62 પર કંઇક આ રીતે નોંધાયેલ છે –

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે નિમાયેલ સમિતિએ 21 જૂન 1964ના રિપોર્ટ આપ્યો તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક તરીકે ભાવનગર શહેર પસંદ થયું તે વાજબી હતું. ત્યારે ગુજરાત સરકારે તે ભલામણનો સ્વીકાર કર્યો. ચૂંટણી બાદ 9મી મે 1967ના રોજ સરકારે ભાવનગર બદલીને યુનિવર્સિટી માટે રાજકોટ પસંદ કર્યું.

આ પણ વાંચોઃ #Column: બાળકને બાળક જ રહેવા દો ને… પ્લીઝ

ભાવનગરની પ્રજામાં પ્રચંડ રોષ ફેલાયો. ટોળાંઓ ભાવનગરમાં ઘૂમ્યાં ને સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રતાપ શાહ પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવા બળજબરી કરવા લાગ્યા. જાણે ફ્રાંસની ક્રાંતિ હોય.

ગોળીબાર થયો. એક મૃત્યુ થયું.  પ્રતાપ શાહ વગેરે ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું. પરંતુ અન્ય સભ્યોમાં મનુભાઈ પંચોલી, દલસુખ પટેલ અને જશવંત મહેતાએ સિદ્ધાંત અને પક્ષીય શિસ્ત તરીકે રાજીનામું ન આપ્યું. વિધાનસભામાં માત્ર બેની બહુમતી કોંગ્રેસ પક્ષે હિતેન્દ્રભાઈની રહી પરંતુ તેમની કુનેહ અને માનવતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન સહુને મનપસંદ ઉકેલ્યો.

આ તબક્કે એક પ્રસંગ અને એક સંસ્કાર મૂર્તિ વ્યક્તિને યાદ કરીએ. હિતેન્દ્રભાઈનાં પત્ની સ્વ. સગુણાબહેન પોતે જ કાર્યકર્તા જીવ. યુવાવસ્થાથી જ ભાવનાશીલ. ભાવનગરના ધારાસભ્ય પ્રતાપ શાહ તેમને બહેન માને, સગુણાબહેન તેમને ભાઈ માને.

એ અરસામાં શ્રાવણ માસનો વીરપસલીનો પવિત્ર દિવસ આવ્યો. હિતેન્દ્રભાઈને બંગલે અમદાવાદમાં પ્રતાપ શાહ ગયેલા.

સગુણાબહેન : ‘પ્રતાપ, તારે મને પસલી આપવી પડશે.’

પ્રતાપ શાહ : ‘બહેન, પ્રથમ તમે મને રાખડી બાંધો, પછી પસલી આપું.’

સહુ સાનમાં સમજ્યા, હિતેન્દ્રભાઈએ થોડી વાતચીત કરી ને પછી વચન આપ્યું, ભાવનગરને રેસિડેન્સીયલ યુનિવર્સિટી આપવી. પ્રો વાઇસ ચાન્સેલર ભાવનગર નીમી સ્વાયત્તતા આપવી. તે ઉપરાંત ભાવનગરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંયુક્ત મથક ગણવું. રાજકોટ પણ મુખ્ય યુનિવર્સિટી મથક ચાલુ રહ્યું.

પ્રતાપ શાહને એ રાખડી મળી. તરત પ્રતાપ શાહે ત્યાં પોતાનું કોંગ્રેસમાંથી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી. એ રીતે સગુણાબહેનને પસલી મળી. ૧૯૬૭ના ઓગસ્ટનો એ પસંગ. અનોખું રક્ષાબંધન ને હિતેન્દ્ર સરકારને શોભારૂપ. પાછળથી બીજાં રાજીનામાં પણ પાછાં ખેંચાયાં ને હિતેન્દ્ર સરકાર ટકી રહી.

આ પણ વાંચોઃ #column: નશાના રવાડે ચઢ્યા બાદ જાંબાજ તરવૈયા Phelpsની સાહસિક કથા

ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી લીધી તેનો ખ્યાલ કેટલાને હશે?