Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

#Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

0
292

નિયમ તોડવાનો દંડ સામાન્ય માણસ કરતા મોટા માણસને 10 ગણો થવો જોઇએ- જય નારાયણ વ્યાસ

આપણે કહીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરે.
એવું પણ કહેવાય છે કે કાયદા સામે બધા સરખા છે.

ખરેખર આમ જ હોવું જોઈએ. જે સમાજ કાયદાથી નથી બંધાયેલો ત્યાં જંગલરાજ ચાલે છે.
કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કાયદા પ્રમાણે ચાલતો સમાજ પ્રગતિ કરે છે અને સાથોસાથ સુખચૈનથી રહી શકે છે.
આવા સમાજમાં ક્યારેય નબળાનું શોષણ નથી થતું.

આ પ્રકારની રાજ્યવ્યવસ્થા ઉત્તમ રાજ્યવ્યવસ્થા તરીકે સ્થાન પામે છે.
આજે આ દાખલાને ઉજાગર કરતી એક વાત કરવી છે.

આ પણ વાંચોઃ#column: કુશળ વહીવટકર્તા સર પ્રભાશંકર પટણીના જીવનનો પ્રસંગઃ મા તે મા….

ગાંધીજીને મહાત્માના ખિતાબનો ઉલ્લેખ ગોંડલ રસશાળા ઔષધાશ્રમે આપેલા માનપત્રમાં

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનો ખિતાબ ગોંડલ રસશાળા ઔષધાશ્રમ દ્વારા અપાયેલ માનપત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ થકી મળ્યો.
ગોંડલમાં એ વખતે ભગાબાપુ એટલે કે સર ભગવતસિંહજીના સુશાસનનો સૂર્ય મધ્યાહને હતો.
ભગવતસિંહજીને પણ મોહનદાસ ગાંધીના કામ અને દેશભક્તિ માટે ઊંચો આદર હતો.
એ જમાનામાં આપણે ત્યાં સાડા પાંચસો કરતાં વધુ દેશી રજવાડાં હતાં.

આમાં બસો કરતા વધુ દેશી રજવાડાં તો માત્ર સૌરાષ્ટ્રમાં હતાં.
સ્વાતંત્ર્યની લડતને આગળ ધપાવવા મહાત્માજી દેશાટન (દેશમાં પ્રવાસ) કરતા.
એ જ્યાં જાય ત્યાં દેશી રજવાડાં એમના પ્રત્યેના સન્માનના પ્રતીકરૂપે ગાંધીજીને રાજના મહેમાન ગણીને સરભરા કરતાં.

એક સમયની આ વાત છે.
મહાત્માજી ગોંડલની મુલાકાતે હતા.
બાપુની મિટિંગોનો દોર ચાલતો હતો.
એમ કરતાં કરતાં પાંચ દિવસ વીતી ગયા. છઠ્ઠા દિવસે સવારે નીકળવાનું હતું.

આ પણ વાંચોઃ #Column: અમિતાભ બચ્ચન શા માટે સદીના મહાનાયક છે? કર્મ અને જ્ઞાન!

નીકળતાં પહેલાં ભગવતસિંહજી સાથે ચા-નાસ્તા માટેનું નિમંત્રણ હતું.
પણ પાંચમા દિવસે રાત્રે એક એવી ઘટના બની જેણે ગાંધીજી જેવા ગાંધીજીના મનમાં પણ ખટાશ ઉભી કરી દીધી.
વાત કાંઈક આમ હતી.

બાપુના હાથમાં બે દિવસ રોકાણનું બિલ પકડાવી દીધું

પાંચમા દિવસે રાત્રે ગોંડલ રાજ્યના એક અમલદાર ગાંધીજી પાસે આવ્યા અને એમના હાથમાં બે દિવસ વધુ રોકાયા તેનું બીલ પકડાવી દીધું.
ગોંડલ રાજ્યનો નિયમ હતો કે રાજ્યના કોઇપણ અતિથિની સરભરા માત્ર ત્રણ દિવસ જ રાજ્યના ખર્ચે થતી. એથી વધુ રોકાય તો એનો ખર્ચો જે-તે અતિથિએ ભરવાનો રહેતો.

ગાંધીજી માટે આ કંઈક નવો અનુભવ હતો કારણ કે અન્ય દેશી રજવાડાઓમાં રાજ્યના અતિથિ ગણ્યા પછી એમની પાસેથી ક્યારેય પૈસો વસુલવામાં આવતો નહોતો.
આ બનાવે ગાંધીજીના મનમાં ખટાશ વાવી દીધી.
મનમાં જ્યારે કંઈક ખૂંચતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ વાત જીભે આવી જતી હોય છે.
બીજા દિવસે ભગવતસિંહજીને મર્મમાં ગાંધીજીએ ટકોર કરતાં કહ્યું કે ગોંડલ રાજ્યના સુશાસનનો એક મુદ્દો એના નાણાકીય વ્યવહારો બહુ કરકસરથી થાય છે એ પણ ગણી શકાય.

ભગવતસિંહજી તો અતિ ચતુર અને ચાણક્ય બુદ્ધિ રાજવી હતા

એ તરત કળી ગયા કે પેલા વધારાના બે દિવસના રોકાણ માટે બિલ આપ્યું તે ગાંધીજીને ક્યાંક ખટક્યું લાગે છે. નાસ્તો ચાલુ હતો, ભગવતસિંહજીએ એક માર્મિક સ્મિત કર્યું અને કહ્યું કે,

“આપ જ્યારે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો વિરૂદ્ધ ચળવળ ચલાવતા હતા ત્યારે દર મહિને એક અજાણ્યો માણસ તમને નાણાં મોકલતો હતો. તમને ખ્યાલ છે? બાપુ કહે, “હા, મને બરાબર ખ્યાલ છે. દર મહિને કોઈ વ્યક્તિ તરફથી એક ચોક્કસ રકમ આ ચળવળમાં ખર્ચો થાય તે પેટે મળતી હતી.” ભગવતસિંહજીએ કહ્યું, “એ રકમ મોકલનાર બીજો કોઈ નહીં, પણ આપની સામે બેઠેલો હું છું. એ રકમ મારા પોતાના અંગત પૈસામાંથી હું આપને મોકલતો હતો. એ મારા પૈસા હતા, હું ધારું તે રીતે તેને વાપરી શકતો હતો, પણ આ રાજ્ય છે. હું રાજ્યનો વહીવટદાર છું. રાજા છું એટલે રાજ્યનો માલિક છું એ ભાવના નથી. આ પ્રજાના પૈસા છે અને હું એનો ટ્રસ્ટી છું અને રાજ્યનો નિયમ છે કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ વ્યક્તિને રાજ્યના મહેમાન તરીકે વધારેમાં વધારે ત્રણ દિવસ રાખી શકાય. આપના ત્રણ દિવસ પૂરા થયા. વધારાના જે દિવસો આપ રહ્યા છો તેનું રાજ્યના નિયમો પ્રમાણે બિલ આપે ભરવું જ પડે. આ રાજ્યનો નિયમ છે એમાં હું કાંઈ નહીં કરી શકું અને હું એક વખત અપવાદ કરવા જઈશ એટલે મારી પાસે અપવાદો કરવાના ઢગલા થશે. એટલે માફ કરજો, પણ આ રાજ્યનો નિયમ છે.”

ખેર! વાત ઝાઝી આગળ નહીં વધી. ગોંડલના મહાજનોએ અને કોઈ ચિકિત્સકે બધા ભેગા થઈને બિલ ભરી દીધું. વાત પૂરી થઈ.

આ પણ વાંચોઃ #Column:રવિશંકર મહારાજ – અમીટ કીર્તિની અમરકથા સમા લોકસેવક

વાત એ છે કે કાયદો સૌના માટે સરખો હોવો જોઈએ પછી એ ગમે તેવો મોટો માણસ કેમ ના હોય.

એવું કહેવાય છે કે ‘મહાજના: ગતા: સ પંથા:’, મોટા માણસો જે કરે છે એ દાખલાને સમાજ અનુસરે છે.

“આજે આપણા ત્યાં પરિસ્થિતિ એવી આવી છે કે જેમ માણસ મોટો એમ એની કાયદો તોડવાની ક્ષમતા વધારે. એક સામાન્ય માણસ જો ટ્રાફિક સિગ્નલ તોડે તો એને દંડ થાય, પણ કોઈ મોટો અધિકારી આવે એની આગળ એસ્કોર્ટની ગાડી હોય, મંત્રીશ્રી આવે, સાયરન વાગતી ગાડી આવે અને લાલ લાઈટ ચાલુ હોય તો પણ તેમાંથી એ નીકળી જાય તો એને ચલાન કરવાની કોઈ હિંમત નથી કરતું.”

આપણા બંધારણમાં કહેવાયું છે કે, દરેક વ્યક્તિ આ દેશના કાયદાની સામે સરખો છે. જ્યાં સુધી કાયદા સામે દરેક વ્યક્તિ સરખો નહીં બને, ત્યાં સુધી સમાજ પ્રગતિ નહીં કરે. હું તો ઊલટું એમ માનું છું કે, કોઈ નિયમ તોડવાના સામાન્ય માણસને પચાસ રૂપિયા દંડ થતો હોય તો આ કહેવાતા મોટા માણસને ૫૦૦ રૂપિયા થવો જોઈએ. તમે જે સ્થાન પર બેઠા છો એ સ્થાનની પણ જવાબદારી છે. તમે મંત્રીશ્રી છો, તમે કલેક્ટરશ્રી છો, તમે રાજ્યના મુખ્યસચિવશ્રી છો, તમે કોઈ મોટા મહાજનના પ્રમુખશ્રી છો, તો તમારી જવાબદારી પણ એટલી મોટી છે. તમે કાયદો તોડશો તો પછી બીજા શું દાખલો લેશે? તમારા દાખલા ઉપરથી તો સમાજ ચાલવાનો છે.

આ પણ વાંચોઃ #Column: સમય બધાને સરખો જ મળે છે પણ ગાંધીની જેમ કાળજીપૂર્વક તેને વાપરે છે કેટલા?

મહાજન જે રસ્તે ચાલે છે તે રાજમાર્ગ બને છે. મહાજન જ્યારે ખોટા રસ્તે ચાલે ત્યારે માણસ મોટો, કાયદો નાનો થઈ જાય છે. માણસ નાનો, કાયદો મોટો થઈ જાય છે. જે દિવસે માણસ ગમે તે હોય કાયદો કાયદાનું કામ કરશે તે દિવસે આ દેશમાં સાચી લોકશાહી આવશે. તે દિવસે આ દેશનો માણસ એવો અનુભવ કરી શકશે કે ના, હું એ દેશમાં રહું છું કે, જ્યાં કાયદા સામે સૌ સરખાં છે. જ્યાં કોઈ નાનું-મોટું નથી. સરખા ગુના બદલ સરખી સજા થાય છે અને તે ગમે તેવો ચમરબંધી હોય તો પણ થાય છે.