Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: RCEPના મુદ્દે ભારત એકલું પડી જાય તે ના ચાલે

#Column: RCEPના મુદ્દે ભારત એકલું પડી જાય તે ના ચાલે

0
154

RCEP એટલે રિજિયોનલ કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ ઇકોનોમિક પાર્ટનરશીપ એટલે આર્થિક ક્ષેત્રને સંલગ્ન ભાગીદારી અને કોમ્પ્રીહેન્સીવ એટલે સર્વવ્યાપક.

આ કરાર માટેની ચર્ચા બાલી-ઇન્ડોનેશિયામાં નવેમ્બર 2011માં યોજાયેલી 19મી ASEAN Summitથી શરૂ થઈ અને તે લગભગ એના નિર્ણાયક અંત તરફ જઈ રહી હતી ત્યારે ભારત એમાંથી નીકળી ગયું.

અગાઉ આ કરાર ભારત સહિત 16 દેશો વચ્ચે થવાનો હતો જેમાં ચીન, કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સહિત એસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સના દસ દેશો (બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેટનામ) આ સમજૂતીમાં જોડાવાના હતા.

ભારતનું ગણિત એક પ્રકારની સંરક્ષણવાદી નીતિ ઉપર આધારિત છે. ભારત RCEPમાં જોડાય તે સામે ઘરઆંગણે માઈક્રો અને લઘુ ઉદ્યોગોથી માંડી નાના વેપારીઓ અને ખેડૂતો બધાએ એક અવાજે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતની મુખ્ય દહેશત એ હતી કે RCEP ચીનના સસ્તામાં માલને દેશની બજારોમાં ઘૂસાડવાનું કાનૂની લાયસન્સ બની રહેશે. આ કારણે ઘરઆંગણાની ઉત્પાદક પ્રવૃત્તિ કૃષિ સમેત મોટા પાયે અસર પામશે, મોટી બેરોજગારીનું સર્જન થશે, ભારતના સ્થાનિક ઉત્પાદકોને ફટકો પડશે. સાથોસાથ આત્મનિર્ભર યોજનાને પણ મોટો ફટકો પડત.

બીજુ ચીન, યુએઈ, સાઉદી અરેબિયા, સિંગાપોર સહિત ભાગીદાર દેશોમાંથી 9 સાથે ભારતની નિકાસ કરતા આયાત વધુ રહી છે. 2019-20માં ભારતે જે નિકાસ કરી તેની સરખામણીમાં 113 અબજ ડોલર જેટલી રહી હતી. આથી ઊલટું અમેરિકા સાથે ભારતની વેપાર પુરાંત 17 અબજ ડોલરથી થોડી વધુ હતી. ચીન સાથે 2019-20માં ભારતની વેપાર ખાધ 48.65 અબજ ડોલર હતી. 2018-19 કરતા આમાં 9.15 ટકાનો ઘટાડો થયો. છેલ્લા એક વરસમાં ભારત-ચીનના સંબંધો વધુ વણસ્યા છે.

આ પણ વાંચો: #Column: આ વાંચતા વાંચતા જો આંખનો ખૂણો ભીનો થાય તો… તમે માણસ છો

ભારત ચીનની આયાત પર કાપ મૂકવા સતત પ્રયત્નશીલ છે. વેપારમાં ખાધ રહેવાનો અર્થ ભારત નિકાસ મોરચે નબળી સ્થિતિ ધરાવે છે. વૈશ્વિક બજાર અતિ સ્પર્ધાત્મક છે એટલે ગુણવત્તા, ભાવ અને ડિલિવરી એ ત્રણેય બાબતમાં જે આગળ તે ફાવે. 2012માં ભારતની નિકાસ જીડીપીના 16.80 ટકા હતી, 2020માં એ ઘટીને 10.90 ટકા પર આવી ગઈ છે, આ જ ગાળામાં દેશની આયાત 26.80 ટકા હતી તે ઘટીને 16.50 ટકા થઈ છે, આમ નિકાસ કરતાં આયાત ઘણી ઊંચી છે.

દેશના જીડીપીમાં સારો એવો વધારો કરવો હોય તો ભારતે નિકાસ મોરચે પ્રવૃત્ત બનવું પડે, ભારતના ડેરી ઉદ્યોગોએ પણ RCEP સામે વાંધો ઉઠાવ્યો છે. દહેશત છે જો ભારત આ કરારમાં જોડાશે તો ન્યૂઝીલેન્ડથી દૂધનો જંગી પુરવઠો આપણે ત્યાં ઠલવાશે અને ભારતનો દૂધ ઉત્પાદક બરબાદ થઈ જશે.

ખેડૂતોને પણ ઘઉંથી માંડી અન્ય ખેત ઉત્પાદનો ખૂબ ઓછા ભાવે ભારતમાં ઠલવાય એવી દહેશત છે. આમ ભારત RCEPમાં જોડાય તે માત્ર આર્થિક મુદ્દો નહીં પણ રાજકીય મુદ્દો પણ બની ચૂકયું છે અને બીજી બાજુ ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓ માટેનો કાચો માલ, કુડ ઓઈલ, ખાદ્યતેલ, ઓટો પાર્ટસ જેવી કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની ભારતે મોટા પાયે આયાત કરવી પડે છે.

ભવિષ્યમાં પણ આમાં ઝાઝો ફરક પડે એવું દેખાતું નથી. ભારતે આ બધી આયાતો માટેના વિદેશી હૂંડિયામણને પહોંચી વળવું હોય તો ફરજિયાત નિકાસ વધારવી પડે. આ નિકાસ વધારવા માટેની કોઈ નક્કર વાત હજુ સુધી સપાટી પર આવી નથી.
ભારત નિકાસ બજારમાં જો પોતાનું સ્થાન ન બનાવે તો બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ કથળી શકે. અત્યારે ભારતનો વિશ્વ વ્યાપારમાં ફાળો 2 ટકા કરતાં પણ ઓછો છે, એ વધારીને આવનાર પાંચ-સાત વરસમાં જો 5 ટકા ઉપરાંત કરવો હોય તો આત્મનિર્ભરતાના નામે માત્ર ઘરેલું બજાર પર ધ્યાન આપવાથી એ શક્ય બનવાનું નથી.

આ પણ વાંચો: #Column: તુલસીદાસજીએ Saint Rahimjiની મહાનતાના કર્યા હતા વખાણ

અગાઉ જણાવ્યું તે દવા ઉદ્યોગ માટેનો કાચો માલ, ઓટો પાર્ટસ, ક્રૂડ ઓઇલ, ખાવાનું તેલ જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ બહાર જાય છે તેવા ક્ષેત્રોમાં ભારત આત્મનિર્ભર બને એ શક્યતાઓ આવનારા દાયકામાં દેખાતી નથી. આ સંયોગોમાં ભારતની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ભારતને ચીન વિરુદ્ધ ઉશ્કેરવામાં અમેરિકાની નીતિની પણ જવાબદાર હોય તેવું દેખાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને થોડા દિવસ પહેલા જ લંડન ખાતેની કોન્ફરન્સને સંબોધતા જે કહ્યું છે તે રજુ કરીને ચર્ચાની શરૂઆત કરીએ.

મોરિસન કહે છે – “ઓસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલું ગલૂડિયું છે તે પ્રકારની છાપ એમને મંજૂર નથી. અને દરેક રાષ્ટ્રે પોતપોતાના હિતોને લક્ષ્યમાં રાખીને બીજા દેશો સાથે સંબંધ રાખવા જોઈએ. ચીન સાથે કારણ વગર સંબંધ બગાડવા જરૂરી નથી એવું કહેતાં એમણે નાના દેશોને ચીન-અમેરિકા વચ્ચેના આંધળા ગોળીબારમાં ફસાઈ ન જવાની તાકીદ કરી છે.”

આ સંયોગોમાં ભારત એકલું RCEPમાંથી બહાર થઈ જાય અને બાકીના દેશો (ઓસ્ટ્રેલીયા, બ્રુનેઈ, કમ્બોડિયા, ચીન, ઇંડોનિશિયા, જાપાન, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ન્યુઝીલેંડ, ફિલિપિન્સ, સિંગાપોર, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને વિયેતનામ) આ સંધિ પર હસ્તાક્ષર કરીને એક મોટું free trade zone ઊભું કરે તો ભારતનો એ દેશો સાથેનો વેપાર પણ જોખમાશે. આ સ્થિતિ એક બાજુ ખાઈ અને બીજી બાજુ દરિયો જેવી છે.

ભારતે શું RCEPમાંથી બહાર જઈને ભૂલ કરી છે? અથવા વિકલ્પે ભારત RCEPમાં નહીં જોડાયું એ પગલું ડહાપણભર્યું છે?

આ પણ વાંચો: #Column: ‘ચોર કી દાઢી મેં તિનકા’ કહેવત ક્યારથી પડી

સમાપનમાં એટલું ચોક્કસ કહી શકાય કે ભારત સામેનો પડકાર મોટો છે. RCEPમાંથી બહાર રહેવાના કારણે બાકીના 16 દેશો સાથેનો એનો વેપાર જોખમાશે. યુરોપ કે અમેરિકામાં મોટું ગજુ કાઢવું શક્ય નથી. આવનાર સમય ટેકનોલોજી આધારિત વેપાર વ્યવસ્થાનો હશે. જેની પાસે જ્ઞાન અને ટેકનોલોજી હશે તે ઊંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વિશ્વ બજારમાં મૂકી શકશે. ઈકોનોમી ઓફ સ્કેલની દિશામાં પણ વિચારવું પડશે. ચીન, જાપાન, કોરિયા વિગેરે દેશો ઊંચી ઉત્પાદકતા સાથે ખૂબ મોટા પાયે ઉત્પાદન કરવા માટે જાણીતા છે. ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ તેઓ ભારત કરતાં ઘણા આગળ છે. આ બધી બાબતોને લક્ષમાં લઇએ તો અત્યારે વિશ્વ વ્યાપારમાં ભારતનો ફાળો 2 ટકા કરતાં પણ ઓછો છે તેને વધારવો સરળ નથી. જોકે વિશ્વ સમુદાયમાં અશક્ય લાગતી બાબતો પણ પરસ્પર મંત્રણાઓથી શક્ય બની શકે છે. તાજેતરમાં જ ઇઝરાયેલે યુએઇ અને સાઉદી અરેબિયા સાથે જૂનું બધું ભૂલીને નવેસરથી દોસ્તી શરૂ કરી છે. ક્યુબા અને અમેરિકા હવે એકબીજા સાથે બોલતાં થયાં છે. સાઉથ અને નોર્થ કોરિયા ઘુરકિયાં કરતાં કરતાં પણ એકબીજા સાથે વાત કરતા થયા છે. આમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વાટાઘાટો અને એના થકી પુનઃજોડાણના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. ઘરઆંગણે ભારતે પોતાનાં હિતો જાળવવાં જોઈએ એમાં કોઈ જ બેમત ન હોઈ શકે. ભારત RCEPમાં જોડાશે તો સર્વ સત્યાનાશ થઈ જશે એવી બીક પણ જરા વધારે પડતી લાગે છે. ભારત જ્યારે WTOમાં જોડાયું ત્યારે વિદેશી કંપનીઓ ભારતનો હવાલો લઈ લેશે એવી મોટી કાગારોળ થઈ હતી. મોલ આવશે એટલે છૂટક વેપારીઓનો મૃત્યુઘંટ વાગી જશે એમ કહેવાયું હતું જે આજે મહદ અંશે સાચું પડ્યું નથી.

ભારતે પોતાના હિતો જાળવી અને RCEP સાથે કઈ રીતે પનારો પાડી શકાય તે આ બાબતે માત્ર વિચારણા જ નહીં પણ સક્રિય કામગીરી હાથ ધરવી જોઈએ અને પોતાની સ્પષ્ટ અપેક્ષાઓ અને માંગણીઓ સાથે વાટાઘાટોના ટેબલ પર બેસી RCEP થકી બીજા બધા દેશોની સાથે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાથોસાથ ઘરઆંગણે આ મુદ્દે રાજનીતિ કરવા જે સંસ્થાઓ અથવા સંગઠનો બહાર પડ્યા છે તેમને પણ આ હાઉ ઊભો કરવાનું કામ બંધ કરવા સ્પષ્ટ નિર્દેશ આપવો જોઈએ. RCEPમાં જોડાવું કે બહાર રહેવું આખરે આપણે માટે આપણું રાષ્ટ્રીય હિત જ સર્વોપરી બનશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9