Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં નવા 384 CNG સ્ટેશનો શરૂ, નવા 164 કાર્યરત થશે

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં નવા 384 CNG સ્ટેશનો શરૂ, નવા 164 કાર્યરત થશે

0
180

અમદાવાદ : ગુજરાતમાં CM વિજય રૂપાણીએ વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNGના વાહનચાલકોને સરળતાથી CNG ગેસ મળી રહે તે હેતુસર પ્રદૂષણમુક્ત CNGનો ઉપયોગ વ્યાપક બનાવવા નવી પહેલ શરૂ કરાઈ છે. CMએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લાં 23 વર્ષમાં 542 CNG સ્ટેશન હતાં તેની સામે છેલ્લાં બે જ વર્ષમાં 384 CNG સ્ટેશનો આપણે ત્યાં ઊભા કરવામાં આવ્યાં છે. CM રૂપાણીએ રાજ્યમાં CNG સહભાગી યોજના અન્વયે વધુ 164 CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યાં હતાં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘CNG સહભાગી યોજના શરૂ કરી ત્યારે 3૦૦ CNG સ્ટેશન શરૂ કરવાનો લક્ષ્યાંક હતો. જેની સામે આજે 384 સ્ટેશનો રાજ્યમાં ઊભા કરાયા છે. સમગ્ર દેશમાં 2300 CNG ફિલીંગ સ્ટેશન્સ સામે માત્ર ગુજરાતમાં જ 690 એટલે કે કુલ CNG સ્ટેશનના ૩૦ ટકા CNG સ્ટેશન્સ છે તેમ પણ તેમણે જણાવ્યું.

રાજ્યમાં વધુને વધુ CNG સ્ટેશન શરૂ કરીને ક્યાંય પણ કોઇ વાહનધારકને CNG માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે તેવી સ્થિતીનું આપણે નિર્માણ કરવાનું છે. આ સિવાય રાજ્યમાં આગામી દિવસોમાં 900 CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ તબક્કા વાર પાર પાડવાની ભલામણ CMએ વ્યકત કરી હતી. ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડને આ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કેપેસિટી બિલ્ડીંગ માટે આયોજન ઘડી કાઢવા સૂચન પણ કર્યું હતું.

CNG station in gujarat

નોંધનીય છે કે, રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત ઇ-વિતરણ સમારોહમાં CM રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજ્યમાં CNG અને PNGનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન કરાયું છે.

ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઇ તેની સામે ઝિરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે જેવું CMએ જણાવ્યું હતું. ગુજરાતે CNG વાહનોથી પ્રદૂષણ અટકે એ માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે CNGને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. ઉપરાંત CMએ નવા CNG ફિલીંગ સ્ટેશન્સ સંચાલકોને પણ સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી.

પર્યાવરણ સુરક્ષા સાથે વિકાસની ગતિ પણ આપણે કોરોના સંક્રમણ કાળમાં જાળવી રાખી છે તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. 13 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામો થયા છે. માત્ર એટલું જ નહીં, ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હજીરા-ઘોઘા રો પેક્ષ સેવાઓ, ડિઝીટલ સેવા સેતુ, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવી જનહિત યોજનાઓથી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની પણ દિશા લીધી છે.

સ્વાગત પ્રવચનમાં ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરે CNG સહભાગી યોજનાની વિસ્તૃત રૂપરેખા આપી હતી. જે દરમ્યાન CMના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, GSPCના એમ.ડી. સંજીવકુમાર તેમજ ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ લિ.ના વરિષ્ઠ અધિકારીઓ પણ ગાંધીનગરથી સહભાગી થયા હતાં. CM રૂપાણીએ પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને ‘લેટર ઓફ ઇન્ટેટ’ પણ અર્પણ કર્યાં હતાં.