અમદાવાદઃ રાજ્યમાં 55 મહિનાથી સીએનજીનું વેચાણ કરતા ડીલરના માર્જિનમાં વધારો ન થતાં અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપમાલિકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી હતી. જોકે, હવે આ હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. ગુરુવારે ગાંધીનગરમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGDPA)ના સભ્યો, ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતના CNG પંપ સંચાલકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી. તેમના ડીલર માર્જિનમાં ઘણા વર્ષોથી વધારો થયો નથી. આ કારણોસર, સંચાલકોએ 3 માર્ચે સવારે 7 વાગ્યાથી તેમના પંપ અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
Advertisement
Advertisement
ઓઈલ કંપનીઓ અને સરકારી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં શું થયું ?
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGDPA)ના સભ્યો, ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ FGDPAના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંતોષકારક ખાતરી મળી હતી. તે પછી તેમણે હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. બેઠકમાં આ મહિનાના અંત સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પંપ ઓપરેટરોને ગુજરાતમાં વેચાતા સીએનજીના કિલો દીઠ રૂ. 1.7નું માર્જિન આપવામાં આવે છે. પંપ ઓપરેટરોની માંગ આ ડીલર માર્જિનમાં વધારો કરવાની છે. મળતી માહિતી મુજબ કમિશનમાં પણ વાર્ષિક 10 ટકા વધારાની માંગ કરવામાં આવી છે.
શું હતી પંપ ઓપરેટરોની માંગણીઓ ?
હકીકતમાં, 55 મહિનાથી સીએનજી પંપ ઓપરેટરોના ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. તેમનું કહેવું છે કે તેને લીધે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પણ મુખ્ય કારણ છે, જેના કારણે 3 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિએશનના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અને તેલ કંપનીઓએ ડીલરને માર્જિન આપવાનું વચન આપ્યું છે. તેની સમયમર્યાદા પણ માર્ચના છેલ્લા સપ્તાહની નક્કી કરવામાં આવી છે.
ફેડરેશનના હોદ્દેદારોએ અગાઉ કહ્યું હતું કે, 55 મહિનામાં સીએનજીના દરો અને સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. ઓઈલ કંપની ડીલરો પાસેથી સીએનજીના એડવાન્સ બિલ બનાવીને રૂપિયા મંગાવે છે. સરકાર સમક્ષ વારંવાર જાણ કરવા છતાં ડીલરોને માર્જિનની રકમ નહીં આપવામાં આવતા અચોક્કસ મુદતની હડતાળ પાડવાનો તેમણે નિર્ણય કર્યો હતો.
Advertisement