Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ઓમિક્રોનના ભણકારા વચ્ચે 7000 હજાર એથ્લિટો સાથે CMનો સાયક્લોથોન

ઓમિક્રોનના ભણકારા વચ્ચે 7000 હજાર એથ્લિટો સાથે CMનો સાયક્લોથોન

0
1

વિશ્વમાં એક વખત ફરીથી કોરોના મહામારી માથુ ઉચકી રહી છે. અમેરિકા-બ્રિટનમાં પ્રતિદિવસ લાખો કેસ સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ ભારતમાં પણ અત્યાર સુધી 400થી વધારે ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. જેથી દેશના વિવિધ રાજ્યોએ ઓમિક્રોનથી બચવા માટે રાત્રિ કર્ફ્યૂ અને ક્રિસમસ ઉજવણી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

ગુજરાતમાં પણ પ્રતિદિવસ ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દીધો છે. બીજી તરફ નિષ્ણાતો, નવા વર્ષના બીજા મહિના સુધીમાં ભારતભરમાં દસ લાખથી વધારે કેસો આવવાની આગાહી કરી રહ્યાં છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતમાં એક મોટા મેળાવડાને ફ્લેગ ઓફ કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મોટા નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યાં.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત ‘ફિટ ઈન્ડિયા-ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. સુરતની આ સાયકલ રેલીમાં 7500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

જોકે, આ લોકોની વચ્ચે ઓમિક્રોન પણ કદાચ ભાગ લેવા આવ્યો હોઈ શકે તેવી આશંકાને નકારી શકાય નહીં. જો ઓમિક્રોન રાતના 11 વાગ્યા પછી લોકોને પકડી શકતો હોય તો પછી આવડા મોટા મેળાવડામાં ના આવે તેવું બની શકે નહીં.

એક તરફ વડાપ્રધાન પોતાની મનની વાતમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે પોતાની સજાગતાથી લડવાની વાત કરે છે અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યાં છે તો બીજી તરફ ગુજરાત સરકાર પોતે મેળાવડાઓનું આયોજન કરી રહી છે.

સુરતમાં માત્ર 7500 લોકો તો રેલીમાં જોડાયા હતા, તે સિવાયના દર્શકો તો અલગ. આમ ટોટલ 10 હજારથી વધારે લોકો તંત્ર દ્વારા જ ભેગા કરવામાં આવ્યા અને તેમાં પોતે ગુજરાતના સીએમ અને ટોચના નેતાઓ અને અધિકારીઓએ પણ હાજરી આપી. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નાગરિકોને નિરોગી અને સુખમય જીવનના ધ્યેય ગણાવવામાં આવ્યા.

એક સમય એવો હતો કે સુરતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કારણે લોકોને સ્મશાન બહાર લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, તે વખતે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિનની અછત સર્જાઈ ગઈ હતી. તે વખતે કોઈ નેતા સુરતવાસીઓને આશ્વસન આપવા માટે પણ ગયું નહતું. પરંતુ હવે ઓમિક્રોનના કેસમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે, તેવામાં સરકાર દ્વારા જ આવડો મોટો મેળાવડો કરીને પોતાની બ્રાન્ડીંગ કરવામાં આવી રહી છે. અંતે ભોગવવાનો વારો તો સામાન્ય પ્રજાનો જ આવશે.

આ કાર્યક્રમમાં રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તો માસ્ક પહેરવાનું પણ ટાળ્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા માસ્કના નામે ગુજરાતીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે, તેવામાં રાજ્યના ગૃહ મંત્રીને કોણ દંડ ફટકારશે?

આ કાર્યક્રમ પછી સુરતમાં ઓમિક્રોનના કેસ વધે છે તો તેની જવાબદારી કોણ લેશે?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat