Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીની જાહેરાત: વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા લોકોની સાત દિવસની કેશડોલ ચુકવાશે

CM રૂપાણીની જાહેરાત: વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા લોકોની સાત દિવસની કેશડોલ ચુકવાશે

0
136

તૌકતે વાવાઝોડાને પગલે રાજયમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ત્યારે સૌથી વધારે નુકસાન ઉના,દિવ,જાફરાબાદ અને ભાવનગરના મહુવામાં થયું છે. આ વાવાઝોડામાં 45 જેટલા લોકોના મોત પણ થયા છે અને ઘણા લોકોએ પોતાની છત પણ ગુમાવી છે. ત્યારે સીએમ રુપાણીએ સોશિયલ મીડિયા માધ્યમથી સંબોધન કર્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સ્થળાંતર કરાયેલા લોકોને ગુરુવાર એટલે કે આવતીકાલથી કેશડોલ આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યકિતઓને 100 અને નાના બાળકોને 60 રુપિયા પ્રતિદિવસ આપવા માટેની જાહેરાત કરી છે.

આજે પીએમ મોદીએ વાવાઝોડાથી અસગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરિક્ષણ કર્યું હતુ. આ હવાઈ નિરિક્ષણમાં તેઓએ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. પીએમ મોદીએ ગુજરાત પ્રત્યેની પોતાની ચિંતા, લાગણી અને પ્રેમ દર્શાવ્યા છે તે માટે સમગ્ર ગુજરાતની જનતાજનાર્દન વતી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

સીએમ રુપાણીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

પીએમ મોદીએ તૌકતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ અમદાવાદ આવીને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી, સ્થિતિનું આકલન કર્યુ સાથોસાથ કોરોના- કોવિડ સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકારના પગલાઓ અને ઉપાયોથી પણ અવગત થયા અને સંતોષ વ્યક્ત કર્યો તે માટે પણ તેમણે આભારની લાગણી દર્શાવી છે.

વાવાઝોડામાં જીવ ગુમાવનાર પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય અપાશે

સીએમ રુપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પર જ્યારે જ્યારે કોઇ વિપદા કે આફત આવી ત્યારે મદદ અને સહાય માટે હંમેશા ત્વરિત પ્રતિસાદ આપીને મદદરૂપ થયા છે. તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પણ તત્કાલ એક હજાર કરોડ રૂપિયાની સહાય અને વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરીને તેમણે ગુજરાત પ્રત્યેની પોતાની હમદર્દી, લાગણી અને આપ્તજનભાવ દર્શાવ્યા છે.

રાજ્યના 6985 પૈકી 5489 ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો

તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થા પ્રભાવિત થઇ છે. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે વીજ થાંભલા પડી ગયા હતા. તો ક્યાંક સબસ્ટેશનો વીજલાઇનનને મોટું નુકશાન પહોંચ્યુ હતુ. આ વાવાઝોડામાં રાજ્યના 9685 ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો જે પૈકી આજે બપોરે 12 કલાકની સ્થિતિએ 5489 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

295 જેટલી કોવિડ હોસ્પિટલને જનરેટર સેટથી વિજળી અપાઈ

તૌકતે વાવાઝોડાની આ સ્થિતિમાં રાજ્યની 295 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો બંધ કરાયો હતો અને જનરેટર સેટથી વિજળી આપવામાં આવતી હતી. હવે ૨૯૫ પૈકી 269 કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. 29કોવિડ હોસ્પિટલ જે હાલ જનરેટર સેટ ઉપર ચાલે છે ત્યાં આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

2100 જેટલા ક્રિટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા

રૂપાણીએ જણાવ્યું કે, આ તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યના આશરે 2100 જેટલા ક્રિટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. તે પૈકી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરી છે.

અમદાવાદમાં આવતીકાલથી વેક્સિનેશન પ્રકિયા શરુ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે કે, આવતીકાલે ગુરુવારથી તમામ 76 અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે રસીકરણનો આરંભ કરાશે. અસારવા સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ ખાતે પણ રસીકરણ શરૂ કરી દેવાશે. આ તમામ સ્થળોએ હેલ્થ વર્કર, કોરોના વોરિયર્સ અને 45 વર્ષથી વધુ વયજુથના નાગરિકોને રસી અપાશે. આ તમામ શેસન સાઇટ ઉપર દૈનિક 100 નાગરિકોનું રસીકરણ કરાશે. 18થી 44 વર્ષના નાગરિકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન હશે તેઓને નિયત કરેલા સ્થળે અને સ્લોટમાં રસી અપાશે. કોમ્યુનિટી હોલ અને ડ્રાઇવ થ્રુ ખાતે 45 વર્ષ કે તેથી વધુ વયજુથના નાગરિકોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી રસીકરણ બંધ રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat