Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 15મી જૂન સુધી કોઈપણ હોસ્પિટલ હવે કોરોના દર્દીની સારવાર કરી શકશે: CM રુપાણી

15મી જૂન સુધી કોઈપણ હોસ્પિટલ હવે કોરોના દર્દીની સારવાર કરી શકશે: CM રુપાણી

0
125
  • માત્ર સ્થાનિક કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે

  • ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

ગાંધીનગર:  ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. આગામી તા.15મી જુન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કૉવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઇ પણ જાતની મંજુરી મેળવવાની રહેશે નહીં. માત્ર સ્થાનિક કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતની જાણ કરવાની રહેશે.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડૉ. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે. તેની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તજજ્ઞ ડોક્ટરો માટે માસિક રૂ. 2.5 લાખ, મેડિકલ ઓફિસરો માટે માસિક રૂ. 1.25 લાખ, ડેન્ટલ ડોકટરો માટે માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટર્સ અને હોમિયોપેથી ડૉક્ટર્સ માટે માસિક રૂ. 35 હજાર, જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયન માટે માસિક રૂ. 18 હજાર અને વર્ગ 4ના કર્મચારીઓ માટે માસિક રૂ. 15 હજારના માનદ વેતનથી 3 માસ માટે નવી નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, 15 મી માર્ચ 2021ની આસપાસ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં કૉરોનાના દર્દીઓ માટે 41 હજાર જેટલા બેડ હતા. જેની સંખ્યા વધારીને આજે લગભગ 78 હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇને કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ અને પેરામેડીકલના વિવિધ સંવર્ગના કર્મીઓને દર્દીઓની સેવામાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા જલદીથી જોડાઇ જવા તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને દર્દીઓને સારી સેવા આપી શકાય તે માટે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની નિમણુક માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.

તેમણે કહ્યું છે કે, સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3ની કક્ષામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને 3 માસ માટે માસિક રૂ. 20,000નું માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી ભરતીમાં દાખલ થનાર નર્સ બહેનો-ભાઇઓને પણ આ જ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-4ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ 3 માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી હોવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે. ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ભારત સરકારે પણ આહવાન કર્યું હતું. આવતીકાલે આ સંદર્ભે આર્મીના અધિકારીઓ સાથે ગુજરાતના અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. ગુજરાતમાં વધુ ને વધુ બેડ પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નોમાં આ એક મહત્વનું પગલું સાબિત થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat