Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય

મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય

0
113
  • કોવિડ-19 ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે

  • આયાતી સાધન-સામગ્રીના આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહિ

  • કોરોના સામેના જંગમાં આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ-કોર્પોરેટ કંપનીઓ-વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત કરતો મુખ્યમંત્રીનો નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ – નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પીટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પીટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પીટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ..

વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સીજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સીન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કમ્પનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલ છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે..

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેની સામેની મેડિકલ સાધન-સામગ્રીની અછત સર્જાતી જાય છે. તે પુરી પાડવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ સરકાર તે તાત્કાલિક ઉપલબ્ધ કરી શકે તેવી સ્થિતિ રહી નથી. તેવા સમયે મુખ્યમંત્રી તરફથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ગુજરાતને મદદ કરવા માટે ટહેલ નાંખી હતી. તેમની સાથે સંવાદથી પણ મુખ્યમંત્રી જોડાયા હતા. તેમાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ મદદ કરવાની તૈયારી દાખવી હતી. જેથી સેવા કરતી સંસ્થાઓને સાધન-સામગ્રી ખર્ચ ઉપરાંતની સરકારી કરની ચુકવણી ના કરવી પડે તે માટે મુખ્યમંત્રીએ ઉક્ત નિર્ણય કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat