Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દુબઇ એક્સપો-2020માં વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીએ ભાગ લીધો

દુબઇ એક્સપો-2020માં વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીએ ભાગ લીધો

0
75

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, પોલિસી ડ્રીવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ગુજરાત પ્રધાનમંત્રીના ‘‘આત્મનિર્ભર ભારત મેઇક ઇન ઇન્ડીયા’’ના સંકલ્પને દેશ-વિદેશના રોકાણો ગુજરાતમાં આકર્ષિત કરી પાર પાડવા પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં યોજાઇ રહેલા દુબઇ એક્સપો – 2020માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આયોજિત સ્પેશ્યલ સેશન ‘‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’’માં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે ગુજરાતની ચર્ચા અને તૂલના વિશ્વના વિકસીત દેશો સાથે થાય છે. દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એટલે કે 37 ટકા FDI એકલા ગુજરાતે મેળવ્યું છે. એન્જીનીયરીંગ, ઓટો પાર્ટસ, ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ તથા જેમ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં ગુજરાત અગ્રીમ છે.

તેમણે ઉમેર્યુ કે, 1600 કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવતું ગુજરાત એક મેજર અને 48 નોન-મેજર પોર્ટને કારણે મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપ સાથેના સામુદ્રીક વ્યાપારનું ગેટ-વે બન્યું છે. ગુજરાત બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનનો ફાળો પણ મહત્વનો બની રહ્યો છે. આવા SIR માં ધોલેરા SIR સૌથી મોખરે છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ ધોલેરા SIRને વિશ્વકક્ષાનું ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવાનું જોયેલું સપનું સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાકાર થશે તેમ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIR ગ્રીનફિલ્ડ પ્રોજેકટ 920 સ્કવેર કિલોમીટરના વિશાળ વિસ્તાર, DMIC સાથેના જોડાણ તેમજ નેકસ્ટ જનરેશન ટેકનોલોજી સાથે સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલીટીઝ સાથેનું વેલ પ્લાન્ડ સિટી બનવાનું છે તેની વિશેષતાઓનું વિવરણ કર્યુ હતું.

ધોલેરા SIR માં એરોસ્પેસ, ડિફેન્સ, એન્જીનીયરીંગ, આઇ.ટી, ઇલેકટ્રોનીક તથા રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોનું પોટેન્શ્યલ રહેલું છે તેમ પણ જણાવ્યું હતું. અત્યારે નેશનલ અને સ્ટેટ હાઇવે સાથે જોડાયેલું ધોલેરા નજીકના ભવિષ્યમાં અમદાવાદ સાથે એકસપ્રેસ વે સાથે પણ જોડાઇ જશે તેની છણાવટ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ધોલેરામાં વિશાળ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પણ શરૂ થયું છે.

મુખ્યમંત્રીએ ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસના નવા યુગ, નવા એરાની શરૂઆત આ ધોલેરા SIR થી થઇ રહી છે તેનું ગૌરવ કરતાં કહ્યું કે, ધોલેરા એટલા માટે જ અ ન્યૂ એરા કહેવાયું છે. આગામી વાયબ્રન્ટ સમિટ- 2022માં યુ.એ.ઇ ના વેપાર-ઉદ્યોગ સાહસિકોને જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતની વૈશ્વિક ઓળખ એવી આ વાયબ્રન્ટ સમિટમાં આવનારા ઉદ્યોગ-વેપાર-રોકાણકારો ભારતના સૌ પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી-ધોલેરાની મુલાકાત લઇ વિકાસની ગાથાને સાકાર થતી પ્રત્યક્ષ નિહાળી શકશે.

તેમણે દુબઇ એક્સપો- 2020માં જોડાયેલા સૌને પ્રેરણા આપતાં કહ્યું કે, ‘‘વેલ કમ ટુ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા એન્ડ સેટ ન્યૂ બેચ માર્ક ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ’’ આ વિશેષ સત્રમાં દુબઇના પ્રતિષ્ઠિત શરાફ ગૃપના વાઇસ ચેરમેન શૈફુદીન શરાફ, દુબઇ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સંજીવ ગુપ્તા વગેરેએ પણ ભારતના વિકાસમાં ગુજરાતની અગ્રેસરતાની પ્રસંશા કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat