Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો

0
66
  • રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવનાર વડોદરા છઠ્ઠો જિલ્લો બન્યો

  • બોટાદ-આણંદ-ગાંધીનગર-મહેસાણા-પોરબંદર જિલ્લાઓને 100 ટકા નલ સે જલથી આવરી લેવાયા છે

  • ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે : CM

ગાંધીનગર: ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે. પાણી વિતરણના સુગ્રથિત આયોજનથી આજે છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને વિવિધ સિંચાઇ યોજનાઓ થકી કૃષિ માટે પાણી પહોંચતું કર્યું છે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે સો ટકા નલ સે જલ મેળવવામાં છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કુલ રૂ. 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં આ સંદર્ભે તેમણે કહ્યું કે, છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઇ રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસના વિચારને અમારી સરકારે આત્મસાત કરી નાનામાં નાના અને દરેક વ્યક્તિની જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ લઇ જવાનો ઉપક્રમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદીએ દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાની જરૂરિયાતને ધ્યાને લઇ શરૂ કર્યો હતો. તે પથ પર અમારી સરકાર ચાલી રહી છે. અગાઉના સમયમાં પાણી સરળતાથી ઉ૫લબ્ધ હોય તેવા વિસ્તારોમાં માનવ વસાહતો સ્થપાતી હતી અને જળાશયો કે નદીઓની આસપાસ સંસ્કૃતિ વિકસી હતી. પરંતુ, આપણે જાણીએ છીએ કે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે. પાણીના સુલભ સ્ત્રોતના અભાવે મહિલાઓને પરેશાની વેઠવી પડતી હતી. પણ, હવે પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનોના કારણે ઘરઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે.

કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે. નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે 36 હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ન કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

કોરોના મહામારી દરમ્યાન સમગ્ર વિશ્વમાં ભારતની કામગીરી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી નોંધનીય રહી છે. ગુજરાતે પણ સૌના સહિયારા પ્રયાસોથી કોરોનાનો સજ્જડ સામનો કરી લોકોની જાન બચાવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

વડોદરા જિલ્લાની વિકાસયાત્રા સતત આગળ વધતી રહી છે ત્યારે, જિલ્લાના વિકાસમાં ખુટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે, તેવી નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને નરેન્દ્ર મોદીએ દેશમાં 100 ટકા નલ સે જલ, હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. સો ટકા નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે.

તેમણે કહ્યું કે, વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને હર ઘર નલ સે જલ’ યોજના અંતર્ગત આવરી લઇ રૂ. 83. 90 કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, પીએમજેએવાય, મા કાર્ડ-આરોગ્ય સુવિધાઓ પછી પાણી પણ લોકોના ઘર સુધી પહોંચી ગયું છે. જેના કારણે જન સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂ. 126. 59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે.

મુખ્યમંત્રીએ વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે અંદાજે રૂ. 364.80 કરોડની નવીન પાંચ જુથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓ સાકાર થતાં 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યમંત્રી રાહતનિધિ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ દ્વારા દાન અર્પણ કરવામાં આવ્યા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચનથી વાસ્મોના મુખ્ય કારોબારી અધિકારી જીન્સી રોયે સૌનો આવકાર કર્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, સાંસદ સર્વ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સર્વ જીતુ સુખડીયા, મધુ શ્રીવાસ્તવ, સીમાબેન મોહીલે, અક્ષય પટેલ, અગ્રણી પરાક્રમસિંહ જાડેજા, અશ્વિન પટેલ, નગરપાલિકા પ્રમુખ હેતલબેન પટેલ, પદાધિકારીઓ, કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ, પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર એન. એચ. પટેલ, કાર્યપાલક ઇજનેર ગિરીશ અગોલા, કે. કે. પટેલ, આગેવાનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat