- રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. 20,000 કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના
- નવા મૂડીરોકાણો માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવવાની નેમ
- શું છે મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી બાયોટેક્નોલોજી પોલિસીની વિશેષતાઓ-વિશિષ્ટ જોગવાઇઓ ?
- બાયો પ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે
- રાજ્યમાં 500 થી વધારે ઉદ્યોગોને સહાય આ પોલિસીમાંથી અપાશે
- 1 લાખ 20 હજારથી વધુ નવા રોજગાર અવસરોની સંભાવના
- ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર 100 % વળતર
- સ્ત્રી સશક્તિકારણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે ૧૦૦% ઈ.પી.એફ. સહાય.
- નવી બાયોટેક્નોલોજી પોલિસી રાજ્યમાં ઇનોવેશન ઇકોસીસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરી છે. આ નવી પોલિસી આગામી પાંચ વર્ષ એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઉદ્યોગ સાહસિકતા માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઉદ્યોગ સાહસિકતાને નવી દિશા આપી છે.એટલું જ નહિ, બાયોટેક્નોલોજી જ્યારે વૈશ્વિક હરણફાળ ભરી રહી છે ત્યારે બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આ નવી બાયોટેક્નોલોજી પોલિસી આજે જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાયોટેક્નોલોજીના વિજ્ઞાનનું વૈશ્વિકસ્તરે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
પ્રવર્તમાન કોવીડ- 19 જેવી વૈશ્વિક મહામારી સામેની માનવજાતની લડાઈમાં બાયોટેક્નોલોજીનો ફાળો ખુબજ અગત્યનો રહ્યો છે. કોરોનાને કારણે ઘર-ઘરમાં જાણીતા થયેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ, આરટી-પીસીઆર ટેસ્ટ, વેક્સિન, વગેરે બાયોટેક્નોલોજીની દેન છે.
રાજ્યમાં બાયોટેકનોલોજી ઉદ્યોગો વધુ વિકાસ પામે અને ગુજરાતને તેનો મહત્તમ લાભ મળે તે આ નવી બાયોટેક્નોલોજી પોલિસીનો હેતુ છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પોલિસીની વિસ્તૃત વિગતો આપતાં ઉમેર્યુ કે, બાયોટેક્નોલોજી પોલિસીમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે વધુ રોકાણો આકર્ષવા માટે વિવિધ સ્ટેકહોલ્ડર્સ જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને તેમના રચનાત્મક સૂચનોને પણ બાયોટેક્નોલોજી પોલિસી 2022-27માં આવરી લેવાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાયોટેક્નોલોજી પોલિસી 2022-27 નેશનલ પોલિસી એન્ડ સ્ટ્રેટેજીસને ધ્યાને રાખી ઘડવામાં આવેલી છે. આમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ જેવી કે બિન-સરકારી સંસ્થાઓ, વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનો અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે.
બાયોટેક્નોલોજી પોલિસી ( 2022- 27 )માં ગુજરાતના બાયોટેક્નોલોજી ઉદ્યોગોને વૈશ્વિક સ્તરના બનાવવા માટે ટેકનોલોજી એક્વિઝીશન માટે સહાય, સ્કિલ ડેવલપમેન્ટ સહાય, વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન, ક્વોલિટી સર્ટિફિકેશન અને બેન્ડવિડ્થ લીઝિંગ માટેની વિવિધ આર્થિક સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે, અગાઉની પોલિસીમાં આવી સહાય સમાવિષ્ટ ન હતી એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પોલિસીમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રની ફ્રન્ટીયર ટેકનોલોજીઝ આવરી લેવામાં આવી છે, તેમજ બાયોટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સર્વીસીઝની યાદીને વધુ વ્યાપક કરવામાં આવેલી છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ પોલિસી રાજ્યમાં બાયોપ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રો માટે પ્રોત્સાહક બનશે.
આ ઉપરાંત પ્રિ-કલીનીકલ ટેસ્ટીંગ, ખાનગી સેક્ટરમાં જિનોમ સિકવસીંગ, પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, પ્રાયવેટ સેક્ટર BSL-3 લેબ, વેક્સિન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેકચરીંગ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટસને સહાય-સપોર્ટથી આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી ( 2022-27 )ની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓ આ મુજબ છે:
ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી એકંદરે સહાયનો દર અને સહાયની માત્રા એમ બન્નેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ્સ અને મેગા/ લાર્જ પ્રોજેક્ટસને સ્પેશ્યલ પેકેજ આપીને આગવું મહત્વ આપવામાં આવ્યું છે, તે એન્કર યુનિટ્સ અને હાલમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા નવા રોકાણને આકર્ષિત કરશે અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી કરશે.
રૂ. 200 કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને રૂ. 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને રૂ. 200 કરોડથી વધુ મૂડી-રોકાણ વાળા મેગા/ લાર્જ પ્રોજેક્ટસને, તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ, ઈમર્જીંગ ટેકનોલોજીસ ઇન ચેલેન્જીંગ એરિયાઝ અને સ્ટ્રેટેજીક મહત્વતા ધરાવતા સ્પેશ્યલ પ્રોજેક્ટસને રૂ. 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25 % સહાય, કુલ 5 વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તાના સ્વરૂપમાં અપાશે.
રૂ. 200 કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને પ્રતિવર્ષ રૂ. 5 કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં અને રૂ. 200 કરોડથી વધુ મૂડી-રોકાણ વાળા મેગા/ લાર્જ પ્રોજેક્ટસને, તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટસને રૂ. 25 કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15 % સહાય આપવામાં આવશે; આ સહાયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય, લીઝ રેન્ટલ સબસિડી, બેન્ડવિડ્થ લીઝિંગ, અને ક્વોલીટી સર્ટીફીકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બાયોટેક્નોલોજી પોલિસીમાં જે કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે: તદ્દઅનુસાર રોજગારીને પ્રોત્સાહન: એક વર્ષથી વધારે સમય સુધી અરજકર્તા કંપની સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાને અનુક્રમે રૂ. 50,000 અને રૂ. 60,000 ની સહાય અપાશે.
એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ: પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજકર્તા કંપનીએ ભરેલ એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100 % અને 75 % વળતર.
ટર્મ લોન ઉપર વ્યાજ સબસિડી: રૂ 100 કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક રૂ. 7 કરોડની ટોચમર્યાદામાં, 7 % ના દરે ત્રિમાસિક વળતર. ઉપરાંત, રૂ 100 કરોડથી વધુની ટર્મ લોન ઉપર, વાર્ષિક રૂ. 20 કરોડની મહત્તમ મર્યાદામાં, ભરેલ વ્યાજ સામે 3 % ના દરે ત્રિમાસિક વળતર.
ઇલેકટ્રીસીટી ડ્યુટી: પાંચ વર્ષ માટે ભરેલ ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર 100 % વળતર
દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદેશ્યથી સ્ટ્રેટેજીક મહત્વના પ્રોજેક્ટસ હેઠળ સમાવેશ કરી ઇકોસીસ્ટમ સશક્તિકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને મળતા સ્પેશીયલ પેકેજ દ્વારા વધારાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
સ્પેશીયલ પેકેજ હેઠળ મંજુરી મળેલા પ્રોજેક્ટસને રાજ્ય સરકારના આંતર-વિભાગીય સંકલન અને સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેકટથી જમીન ફાળવણી તથા અન્ય પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત જરૂરીયાતો જેમ, અપ્રોચ રોડ, પાણી-પૂરવઠો, ઈલેક્ટ્રીસિટી, ગટર, વગેરે માટે સર્વાંગી સુવિધા પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ નવી બાયોટેક્નોલોજી પોલિસી 2022-27થી બાયોટેક્નોલોજીકલ ડ્રીવન ઇકોનોમી દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત લીડ લેવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે કરી હતી.
આ નવી બાયોટેક્નોલોજી પોલિસીની જાહેરાત વેળાએ બ્રિટીશ ડેપ્યુટી હાય-કમિશ્નર પીટર કુક તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નહેરા, બાયોટેક્નોલોજી ક્ષેત્રની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ પણ આ ઉપસ્થિત રહ્યા હતા.