Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ચીરીપાલે અધિકારીઓ અને ગેંગસ્ટરની મદદથી ₹100 કરોડની જમીન પચાવી પાડી!

ચીરીપાલે અધિકારીઓ અને ગેંગસ્ટરની મદદથી ₹100 કરોડની જમીન પચાવી પાડી!

0
168

અમદાવાદ : મકરબા પાસેની આશરે 100 કરોડ રૂપિયાની ખેડૂતોની જમીન બિન ખેડૂત ચીરીપાલને સરકારે ખેડવા આપી હોવાનું નકારી શકાય તેમ નથી. કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર વેદપ્રકાશ ચિરીપાલ સહિત અન્યો સામે મૂળ જમીન માલિકોએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા માટે કલેકટરને લેખિત ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

ફરિયાદમાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કરોડોની જમીન પર સરકાર શ્રી હોવા છતા રજિસ્ટ્રાર દ્વારા વેદપ્રકાશ ચિરીપાલને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. એટલે સરકારને પણ અંધારામાં રાખવામાં આવી છે તેવું કહીશું તો પણ ખોટુંં ગણાશે નહીં. આટલુ જ નહીં મૂળ જમીન માલિકો દ્વારા વેદપ્રકાશ ચિરીપાલને કોઈ પાવર ઓફ એટર્ની આપવામાં આવી નહતી તેમ છતા તેમની ગેરહાજરીમાં કેવી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યા તે પણ આશ્ચર્યની વાત છે. આ અંગે વિસ્તારપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

ફરિયાદમાં જણાવેલી વિગતો એવી છે કે, મકરબામાં આવેલ શાંતિ નિકેતન કોલેજમાં આવેલ 7689 ચોરસ મીટર જમીન મહંમદભાઈ શેરુભાઈના વારસદારો ફાતમાબીબી હબીબભાઈ, રફીકભાઈ હબીબભાઈ ,પરવીનબાનું હબીબભાઈ સહિત અન્યોની હતી. આ જમીન ઉપર વેદપ્રકાશ ચિરીપાલ તથા તેમના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો મેળવી લેવામાં આવ્યો હતો.

આ અંગે મૂળ જમીન માલિકોને ખબર પડતા તેમને જમીન પરત મેળવવા માટે કાર્યવાહી કરી હતી. ત્યારે વેદપ્રકાશ ચિરીપાલ દ્વારા વર્ષ 2007માં મૂળ જમીન માલિકોની ગેરહાજરીમાં સરકાર શ્રી દાખલ હોવા છતા રજિસ્ટ્રાર ઓફિસમાં વહીવટ કરીને દસ્તાવેજ કર્યો હતો. જેમાં મૂળ જમીન માલિકોની કોઈ પાવર ઓફ એર્ટની પણ રજૂ કરવામાં આવી નહોતી. તે ઉપરાંત મૂળ જમીન માલિકોના વારસદાર સુગરાબીબી વર્ષ 2005માં અવસાન પામ્યા હતા. આમ છતા તેમની ખોટી સહીઓ બતાવી હતી.

તે પછી વેદપ્રકાશ ચિરીપાલનો વહીવટ કરતા મામલતદાર અજીજ રાણાએ શાહપુરના ગેંગસ્ટર અબ્દુલ વહાબનો સંપર્ક કર્યો હતો. કુખ્યાત અબ્દુલ વહાબ અને તેના સાગરિતો મૂળ જમીન માલિકોનું અપહરણ કરીને રજિસ્ટ્રાર ઓફિસ લઈ ગયા હતા અને બંદૂકની અણીએ કોરા કાગળો અને કેટલાક ટાઈપ કરેલા કાગળો ઉપર સહીઓ કરાવી હતી અને ગેંગસ્ટર અબ્દુલ વહાબને રૂ.6 કરોડ આપ્યા હતા. જ્યારે મૂળ જમીન માલિકોને પરિવારને માત્ર રૂ.90 લાખના ચેકો આપ્યા હતા. જયારે આ જમીન આશરે 100 કરોડ રૂપિયાની થતી હતી.

જમીન માલિકોના જણાવ્યા અનુસાર, અમારો પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હોવાથી અમો હિંમત કરીને શાહીબાગ એટીએસની ઓફિસ ગયા હતા જયાં હાજર પોલીસ અધિકારીઓેને અમે સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. તે વખતે શાહપુરના ગેંગસ્ટર અબ્દુલ વહાબ, મામલતદાર અજીજ રાણા, વેદપ્રકાશ ચિરીપાલ સહિત અન્યોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણીઓનો ફોન આવતા અમારી અરજી લઈને સામાવાળાને જવા દીધા હતા. આ પછી અમારી જમીનનો કોઈ ઉકેલ નહીં આવતા અમોએ મકરબાની મામલતદાર અને કલેકટર કચેરીમાં અરજીઓ કરી હતી અને સરકાર શ્રી હોવા છતા દસ્તાવેજ કેવી રીતે કરવામાં આવી તેના અંગે જવાબ માંગ્યો હતો. જોકે બન્ને કચેરીમાં કોઈ જવાબ આપ્યો નહોતો.

જમીનના મૂળ માલિકોએ વધુમાં જણાવ્યું કે, અમોએ વેદપ્રકાશ ચિરીપાલ ખેડૂત ખાતેદાર નહી હોવા છતા ખેડૂત તરીકે કેવી રીતે દસ્તાવેજ કર્યો તે બાબતે પણ અરજીઓ કરી હતી. જેમાં વેદપ્રકાશ ચિરીપાલ ખેડૂત ખાતેદાર નહીં હોવાનું ઠરાવવામાં આવ્યુ હતુ. જેની સામે વેદપ્રકાશ ચિરીપાલ ગુજરાત મહેસૂલ પંચમાં જઈને તમામ કાર્યવાહી સામે કામ ચલાઉ મનાઈ હુકમ મેળવ્યો છે આ પછી અમો મૂળ જમીન માલિકો દ્વારા અમદાવાદ કલેકટર કચેરીમાં વેદપ્રકાશ ચિરીપાલ અને તેમના મળતિયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. જેમાં કલેકટર કચેરીના અધિકારીએ અમારી પાસે પુરતા પુરાવા મેળવ્યા હતા.

આ જમીન હડપ કરવા ગેંગસ્ટર અબ્દુલ વહાબે બંદૂકની અણીએ સહીઓ કરાવી લીધી હતી. મહત્વની બાબતતો તે છે કે, આ જમીન હડપ કરવા માટે કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ વહાબ દ્વારા મૂળ જમીન માલિકોને વર્ષ 2009માં બંદૂકની અણીએ અપહરણ કરીને કેટલાક કાગળો ઉપર સહીઓ કરાવી દીધી હતી. આ અંગે મૂળ જમીન માલિકો દ્વારા ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ સહિત અન્ય એજન્સીઓમાં ફરિયાદ કરી હતી પરંતુ ચિરીપાલ એન્ડ પાર્ટી રાજકારણીઓના દબાણથી સમગ્ર પ્રકરણ દબાવી દેવામાં આવ્યુ હતુ.

ખેડૂત ન હોવાનો મામલો ગુજરાત મહેસૂલ પંચના ઈશારે વેદ પ્રકાશે દબાવી દીધો

આ અંગે મૂળ જમીન માલિક દ્વારા વેદપ્રકાશ ચિરીપાલ ખેડૂત ખાતેદાર નહીં હોવા છતા કેવી રીતે ખેડૂત દર્શાવીને દસ્તાવેજ કર્યા તે બાબતે કલેકટર, મકરબા મામલતદાર કચેરીમાં અરજીઓ પણ કરી હતી. જેમાં વેદપ્રકાશ ચિરીપાલ ખેડૂત નહીં હોવાનું ઠરાવવામાં આવ્યુ હતુ. આ પછી વેદ પ્રકાશ ચિરીપાલ સહિત અન્યો દ્વારા ગુજરાત મહેસૂલ પંચના ઈન્ચાર્જ અધ્યક્ષ સમક્ષ અરજી કરીને સમગ્ર પ્રકરણમાં મનાઈ હુકમ મેળવી લેવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat