Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન, 10 હજાર લોકો પર પાડોશી દેશની નજર

ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન, 10 હજાર લોકો પર પાડોશી દેશની નજર

0
130

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતિ તનાવપૂર્ણ છે અને યુદ્ધ સુધીની નોબત આવી ગઈ છે. ચીન સતત અનેક પેંતરા રચી રહ્યું છે, ત્યારે ચીનના વધુ એક નાપાક ઈરાદાનો ઘટસ્ફોટ થયો છે.

ચીન કેટલીક કંપનીઓ દ્વારા ભારતમાં જાસૂસી કરાવી રહ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાનથી લઈને કેન્દ્રીય મંત્રીઓ સુધી, મુખ્યમંત્રીઓથી લઈને સેનાના અધિકારીઓ અને મોટા ઓફિસરોથી લઈને બિઝનેસમેન સુધી દરેક જણ તેની રડાર પર છે. આવા સમયે જ્યારે ભારતે અનેક ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો અને સ્થિતિ તનાવપૂર્ણ છે, ત્યારે આવા પ્રકારનો ખુલાસો ખરેખર ચોંકાવનારો છે.

અંગ્રેજી અખબાર “ઈન્ડિયન એક્સપ્રેસ”એ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ચાઈનીઝ કંપની શેનજેન ભારતમાં અંદાજે 10 હજાર લોકો પર નજર રાખી રહી છે. જેમાં વડાપ્રધાન થી લઈને મેયર સુધીના વ્યક્તિઓ પણ સામેલ છે. આ કંપનીનો ચીનની સરકાર અને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે સીધો સબંધ છે.

ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી કંપની લિમિટેડ તરફથી જે ભારતીયો પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગાંધી પરિવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, નવીન પટનાયક જેવા મોટા નેતા, રાજનાથ સિંહ-પિયુષ ગોયલ જેવા કેન્દ્રીય મંત્રીઓ અને CDC બીપિન રાવત સહિત અનેક મોટા સેન્ય અધિકારીઓ સામેલ છે.

આ પણ વાંચો: શિવસેનાનો સવાલ- ‘મુંબઈને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર ચૂપ કેમ?’

અંગ્રેજી અખબારનો દાવો છે કે, ચીની કંપનીઓ આ તમામ હસ્તિઓની ડિજિટલ લાઈફને ફૉલો કરી રહી છે. આ સાથે જ આ લોકો અને તેમના પરિવારજનો અને સમર્થકો કેવા કામ કરે છે, તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

ચીની કંપની આ તમામ લોકોનો રિયલ ટાઈમ ડેટા કલેક્ટ કરી રહી છે. જે ચીની સરકાર સાથે શેર કરવામાં આવે છે. જેમાં મોટા નેતાઓ, ખેલાડીઓ, બિઝનેસમેન, પત્રકારોના સબંધીઓની પણ યાદી છે. જેમના પર નજર રાખવામાં આવી રહી છે.

ચીની સરકાર સાથે કંપનીની મિલીભગત
ઈન્ડિયન એક્સપ્રેસે દાવો કર્યો છે કે, આ સમગ્ર તપાસ માટે શેનજાન ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી ફર્મે ચીની સરકાર અને કૉમ્યુનિસ્ટ પાર્ટીની સાથે મળીને ઓવરસીઝનો ઈન્ફોર્મેશન ડેટાબેસ બનાવ્યો છે. જે અંતર્ગત આ સમગ્ર મિશનનું સંપૂર્ણ કામ કરવામાં આવે છે.

કંપની તરફથી કલેક્ટ કરવામાં આવી રહેલા આ ડેટાને ચીની કંપનીઓ હાઈબ્રીડ વૉર નામ આપે છે. જે કોઈના વિશે જાણકારી એકત્ર કરવાને મિશન બનાવી દે છે. એક તરફ જ્યાં ચીન LAC પર ભારતમાં ઘુસણખોરી કરીને યુદ્ધ માટે ઉશ્કેરવા ઈચ્છી રહ્યું છે. તો બીજી તરફ આ પ્રકારે મોટા નેતાઓથી લઈને અધિકારીઓ પર નજર રાખી રહ્યું છે.

પોતાના રિપોર્ટમાં ઈન્ડિયન એક્સપ્રેસે ખુલાસો કર્યો છે કે, નેતાઓ સિવાય સચિન તેંડુલકર જેવા ખેલાડી, ગૌતમ અદાણી જેવા બિઝનેસમેન, ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલ, સોનલ માનસિંહ અને રાધે માઁ જેવી હસ્તિઓ ઉપર પણ ચીનની નજર છે.

આ યાદીમાં હાલના વડાપ્રધાન મોદી સિવાય પાંચ જેટલા પૂર્વ પ્રધાનમંત્રીઓ, 20થી વધુ મુખ્યમંત્રીઓ, રાજનીતિક પાર્ટીઓના પ્રમુખો, હાલના સેના પ્રમુખ સિવાય એક ડઝન જેટલા પૂર્વ સેના પ્રમુખો, સાંસદો અને અલગ-અલગ મંત્રાલયોમાં કામ કરી રહેલા અધિકારીઓ સામેલ છે. આટલું જ નહીં, આ યાદીમાં એવા લોકો પણ સામેલ છે, જેમનો ભારતમાં ક્રાઈમ રેકોર્ડ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતે એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી. જે ભારતમાં રહીને હવાલાનું રેકેટ ચલાવતો હતો. આ સિવાય કેટલીક જરૂરી જાણકારીઓ પોતાના દેશમાં મોકલતો હતો. એવામાં બૉર્ડરથી લઈને ડિજિટલ વિશ્વ સુધી અને જમીની સ્તર પર ચીન અનેક પ્રકારની જાળ બીછાવવા મથી રહ્યું છે. થોડા સમય પહેલા જ ભારત સરકારે ડેટા ચોરી અને સુરક્ષા માટે ખતરો જાણીને લગભગ 100થી વધુ ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે આ પ્રકારના ડેટા કલેક્ટ કરી રહી હતી.