Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ડ્રેગન આઉટ ઓફ કંટ્રોલ! ચીને દુનિયાના કયા દેશોને જગજાહેર રીતે આપી ધમકીઓ?

ડ્રેગન આઉટ ઓફ કંટ્રોલ! ચીને દુનિયાના કયા દેશોને જગજાહેર રીતે આપી ધમકીઓ?

0
253

ચીનના શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (CPC)એ ગુરુવારે ઐતિહાસિક ટિઆનમેન સ્ક્વેર ખાતે શતાબ્દિ સમારંભની ઊજવણી કરી હતી. આ સમયે ચીનના પ્રમુખ અને સીપીસીના વડા શી જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા લડાયક સૂરમાં કહ્યું કે, અમને દબાવનારા, ધમકાવનારા અથવા પરાધિન કરવા ઈચ્છતા દેશને ચીન સાફ કરી નાંખશે. જિનપિંગે ચીનની સરહદોના રક્ષણ માટે સૈન્ય શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો. આ સમારંભમાં શી જિનપિંગ પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના સ્થાપક માઓત્સે ઝેડોન્ગના અવતારમાં જોવા મળ્યા હતા. તેમણેકહ્યું કે તાઈવાનને ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડવું અમારું ઐતિહાસિક મિશન છે.

માઓત્સે તુંગ સ્ટાઈલનું જેકેટ પહેરી જિનપિંગે કહ્યું કે ચીનને પરેશાન કરવા અને ધમકાવવાનો સમય જતો રહ્યો છે. હવે કોઈ વિદેશી તાકતો અમને આંખ બતાવવાનો પ્રયાસ કરશે તો તેણે ચીનના 1.4 અબજ લોકોનો સામનો કરવો પડશે. માઓત્સે તુંગે 100 વર્ષ પહેલાં ટિઆનમેન સ્ક્વેર ખાતે જ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (CPC)ની સ્થાપના કરી હતી. ‘માઓ સુટ’માં સજ્જ શી જિનપિંગે ગુરુવારે દેશની સલામતી માટે મજબૂત સૈન્ય બનાવવાનું આહ્વાન કર્યું અને ચેતવણી આપી કે ચીની લોકો ક્યારેય કોઈપણ વિદેશી તાકતોને તેમને ધમકાવવા, પરાધિન કરવા નહીં દે.

ઐતિહાસિક ટિઆનમેન સ્ક્વેર ખાતે સીપીસીના શતાબ્દિ સમારંભને સંબોધન કરતા 68 વર્ષીય જિનપિંગે એક કલાક કરતાં વધુ સમયના સંબોધનમાં તાઈવાનને ચીનની મુખ્ય ભૂમી સાથે જોડવાને શાસક પક્ષનું ઐતિહાસિક મિશન ગણાવ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉત્તરાધિકારી જો બાઈડેને ચીન પ્રત્યે આકરી નીતિ અપનાવી છે અને વેપાર, માનવ અધિકારો તથા કોરોનાની ઉત્પત્તિ જેવા મુદ્દાઓ પર ચીનને નિશાન બનાવ્યું છે. અમેરિકા અને તાઈવાનનો ઉલ્લેખ કર્યા વિના શી જિનપિંગે કહ્યું કે, કોઈએ પણ પોતાની રાષ્ટ્રીય સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવા માટે ચીનના લોકોના મહાન સંકલ્પ, દૃઢ ઈચ્છાશક્તિ તથા અસાધારણ ક્ષમતાને ઓછા આંકવા જોઈએ નહીં. આપણે રાષ્ટ્રીય રક્ષા અને સશસ્ત્રદળોના આધુનિકરણમાં ગતિ લાવવી જોઈએ.

પક્ષના 70,000થી વધુ કાર્યકરો અને સ્કૂલના બાળકોએ આ સમારંભમાં ભાગ લીધો હતો. હેલિકોપ્ટર્સ અને લેટેસ્ટ ફાઈટર જેટ દ્વારા ફ્લાયપાસ્ટ સાથે સમારંભની ઊજવણી શરૂ થઈ હતી. ફ્લાય પાસ્ટમાં 71 ફાઈટર જેટ જોડાયા હતા, જેમાં ચીનના સૌથી અત્યાધુનિક જે-20 સ્ટીલ્થ ફાઈટર જેટ, હેલિકોપ્ટર્સ, તાલિમી ફાઈટર જેટ અને અન્યોનો સમાવેશ થાય છે. વિશ્વ સમક્ષ પક્ષમાં એકતા દર્શાવવા જિનપિંગના પૂરોગામી હુ જિન્તાઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાન વેન જિઆબાઓ સહિત પૂર્વ અને વર્તમાનના ટોચના નેતાઓએ પક્ષના શતાબ્દિ સમારંભમાં હાજરી આપી હતી.

ચીનના ઈતિહાસમાં માઓ ઝેડોન્ગ પછી શી જિનપિંગ સૌથી શક્તિશાળી નેતા મનાય છે, જે આજીવન સત્તા પર રહેશે. જિનપિંગે પક્ષમાં આંતરિક અસંતોષ સામે પણ દૃઢતાથી જણાવ્યું હતું કે, સીપીસીનું સ્વાસ્થ્ય બગાડે તેવા કોઈપણ વાઈરસને ધરમૂળથી ઊખાડી ફેંકી દેવાશે. આપણે પક્ષના નેતૃત્વને મજબૂતી આપવી જોઈએ. ચીનની સફળતા પક્ષ પર નિર્ભર છે. ઈતિહાસ જણાવે છે કે સીપીસી વિના નવું ચીન બેઠું થઈ શક્યું ન હોત અને રાષ્ટ્રીય ઉત્થાન પણ શક્ય બન્યું ન હોત તેમજ ચીન અખંડિત રહી શક્યું ન હોત.

પક્ષ શતાબ્દિ સમારંભ ઊજવી રહ્યો છે ત્યારે ચીન ઘર અને વિદેશમાં કોરોના મહામારીને પગલે વિશ્વમાં અલગ-થલગ પડી જવા, અમેરિકા, યુરોપિયન યુનિયન દ્વારા દબાણનો સામનો કરવા તથા વૈશ્વિક નેતા તરીકે ઊભરવામાં પાશ્ચાત્ય દેશોના અવરોધોનો સામનો કરી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat