ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે DCGI પાસે મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન બની શકે છે. આ રસી 12થી18 વર્ષની વયના બાળકો માટે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.
આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.