Gujarat Exclusive > ગુજરાત > ચિકનગુનિયાની સારવારમાં ઘરેલુ ઉપચાર

ચિકનગુનિયાની સારવારમાં ઘરેલુ ઉપચાર

0
249

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના વૈદ સુરેન્દ્ર સોની કહે છે કે…..

કોરોના મહામારીની સાથે સાથે ચિકનગુનિયાની બિમારીના કિસ્સા પણ વધતા થયા છે. શહેર અને ગામડાઓમાં ચિકનગુનિયાથી પીડાતા દર્દીઓનું પ્રમાણ વધતુ જોવા મળી રહ્યુ છે. આ ચિકનગુનિયામાં (ayurvedic treatment in chikungunya) હોસ્પિટલમાં દાખલ ન થઇને ઘરેલુ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ શક્ય છે. ચિકનગુનિયાની (ayurvedic treatment in chikungunya)સારવાર માટે અમદાવાદમાં આવેલી સરકારી અખંડઆનંદ આયુર્વેદિક કોલેજના કાયચિકિત્સા વિભાગના પ્રોફેસર વૈધ સુરેન્દ્ર સોની કેટલાક ઘરેલુ ઉપચાર જણાવે છે.

ચિકન ગુનિયાના લક્ષણો….

ચિકનગુનિયામાં સતત તાવ આવવો, સાંધામાં દુખાવો થવો, ભુખ ન લાગવી, એકાએક વાયરલ લોડ વધી જવાથી ઉલટી થવી, શરીર પર ચાઠા પડવા જેવા લક્ષણો મુખ્યત્વે જોવા મળતા હોય છે.

ચિકનગુનિયાથી બચવા માટેના ઘરેલુ ઉપાયો

સૂંઠ ,આદુનો પાવડર

સૂંઠ મોટાભાગે દરેક રસોડામાં જોવા મળે છે અડધા અથવા એક ગ્રામ જેટલા સૂંઠના પાવડરનું દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ચિકનગુનિયા જેવા રોગમાં તે અસરકારક નિવડે છે. સૂંઠ નો પાઉડર સાંધાના દુખાવા મટાડવા ઘણો ઉપયોગી છે તેમજ તેનાથી ભૂખ પણ વધુ લાગે છે. જેના શરીરની તાસીર ગરમ હોય અને પીત પ્રકૃતિ હોય એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓએ સૂંઠને દુધમાં નાંખીને પીવું જોઇએ.

ગીલોય

ગીલોય દરેક પ્રકારના વાયરલ ફ્લુમાં ખૂબ જ અસરકાર નિવડે છે. વાયરલ પેથોલોજીમાં ગીલોયનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગીલોયના વિવિધ પ્રકારો જેવા કે ગીલોય ચૂર્ણ, ગીલોયની સંસમની વટી, ગીલોયના ક્વાથ જે બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.આ ગીલોયનુ સેવન દિવસમાં ત્રણ થી પાંચ વખત કરી શકાય છે.

ગંઠોડા

ગંઠોડાના ચૂર્ણને પણ એક ગ્રામ જેટલી માત્રામાં દિવસમાં ત્રણ વખત પાણી સાથે લઇ શકાય છે.વૈધની સલાહ મૂજબ તેને ભૂખ્યા પેટે જ લેવું જોઇએ. ગરમ તાસીર ધરાવતા વ્યક્તિએ આ તમામ ઔષધિઓ દૂધ સાથે લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

લીમડો અને હળદર

લીમડો અને હળદર શરીરમાં ચામડીને લગતા રોગો માટે આયુર્વેદમાં શ્રેષ્ઠતમ માનવામાં આવે છે. લીમડા અને હળદરના મિશ્રણનો લેપ ચામડીના ગમે તે પ્રકારના રોગમાં ઘણું ઉપયોગી નિવડે છે. શરીરમાં વધુ પડતા ચાઠા જોવા મળે ત્યારે બહુઉપયોગી લીમડા અને હળદરના મિશ્રણનો લેપ લગાવી શકાય છે. ચાઠા પડ્યા હોય ત્યાં બળતરા થતી હોય ત્યારે ફક્ત લીમળાનો ઉપયોગ કરવો હિતાવહ છે. બળતરા વધુ થતી હોય ત્યારે શુધ્ધ ધી નો લેપ પણ લગાવી શકાય છે. નારીયેળના તેલમાં કપૂર નાખીને પણ તેનો લેપ લગાવી શકાય.

ધતૂરા, એરંડી, અને આર્કના પાંદડા

બાહ્ય ઉપચારમાં સર્વત્ર ઉપલ્બધ એવા ધતૂરા, એરંડી અથવા આર્કના પાંદડાનો ઉપયોગ કરી શકાય. શરીરમાં કપાઇ ગયેલા કોઇ ભાગ ઉપર આવા પાંદડાનો ઉપયોગ કરવો નહીં. તેલ લગાવીને ગરમ કરીને જે ભાગનાસાંધામાં પીડા થતી હોય તે ભાગમાં બાંધી શકાય તે વેદના નાશક તરીકે કામ કરે છે. ચાઠા પડ્યા હોય તે જગ્યાએ આ પાંદડાનો ઉપયોગ કરવો નહીં.
આ સિવાય બજારમાં ઉપલબ્ધ સંશમની વટી, યોગરાજ ગુગલુ, સંજીવની વટી, અશ્વગંધા ચૂર્ણ અને અશ્વગંધારીષ્ટનો ઉપયોગ કરી શકાય. દશમૂલ, અમૃતાદી , રાસ્નાદિ, પથ્યાદી ક્વાથ, ઉકાળાના સેવન દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ વિવિધ રોગનાશક તરીકે પણ ઉપયોગી નિવડે છે.

સૂર્યોદયના તડકાથી સાધાના દુખાવામાં થાય છે ફાયદો

ચિકનગુનીયા બિમારીમાં પ્રાકતિક ઉપચારમાં સૂર્યોદય સમયે જે રોગીઓને વધુ માત્રામાં સાંધામાં દુખાવો થાય અથવા શરીર જકડાઇ જતુ હોય તેવા દર્દીઓએ જાડુ કાપડ ઓઢીને સૂર્ય સામે પીઠ કરીને બેસી જવું જોઇએ. આમ કરવાથી શરીરમાંથી પરસેવાનું વહન વધુ માત્રામાં થશે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. સ્વસ્થ વ્યક્તિએ ચાર થી પાંચ દિવસ આ કસરત કરવી જોઇએ.

શું ખાવુ…. શું ન ખાવુ ?

ચિકનગુનીયા ના લક્ષણો ઘરાવતા દર્દીએ ઠંડી વસ્તુઓ જેવી કે દહી, છાંસ, ખાટી વસ્તુઓ, કોલ્ડ્રીંક અને ફાસ્ટ ફૂડ,જંક ફૂડ, મેંદાનુ સેવન અટકાવવું જોઇએ. તેની જગ્યાએ લસણ, ડુંગરી , હળદર, મેથી , ચોખા, આદુ, મૂળીનું સેવન કરવું જોઇએ. તેમજ આ પ્રકારના દર્દીએ પાણી પણ સતત ઉકાળીને જ પીવું જોઇએ. દિવસમાં ઊંઘવું નહીં અને રાત્રે ઉજાગરા કરવા નહી.બે થી ત્રણ દિવસમાં ઘરેલું ઉપચારથી ફાયદો ન જણાઇ આવતા ગુજરાત સરકારના આયુર્વેદિક ઓષધાલયનો સંપર્ક કરીને વૈધની સલાહ મૂજબ વર્તવું જોઇએ.