શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ છે કે રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે? હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પદના કેટલાક દાવેદાર છે. કોંગ્રેસ માટે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુખવિંદર સિંહ સુકખૂ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા મુકેશ અગ્નિહોત્રી અને વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા રહેલા હર્ષવર્ધન ચૌહાણમાંથી કોઇ એકને પસંદ કરવાની ચર્ચા છે.
હિમાચલ કોંગ્રેસ વિધાયક દળની બેઠક બપોરે 3 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં થશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. બેઠકમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુકલા, સુપરવાઇઝર ભૂપેશ બઘેલ અને ભૂપેન્દ્ર હુડ્ડા પણ હાજર રહેશે.
બેઠકમાં ધારાસભ્યો દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે અંતિમ નિર્ણય પાર્ટીના હાઇકમાનને અધિકૃત કરવાની સંભાવના છે.
કોંગ્રેસે પહાડી રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નહતી. કોંગ્રેસ પહેલા ચંદીગઢમાં પોતાના ધારાસભ્યોની બેઠકની યોજના બનાવી રહી હતી પરંતુ સ્પષ્ટ બહુમત મળ્યા બાદ પોતાની યોજનાને બદલી નાખી હતી. ગુરૂવારે રાજીવ શુકલાએ કહ્યુ હતુ કે પાર્ટી પ્રમુખ નક્કી કરશે કે હિમાચલ પ્રદેશનો મુખ્યમંત્રી કોણ બનશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પરિણામ પર વાત કરતા કહ્યુ કે, પાર્ટી પ્રમુખ મુખ્યમંત્રી પદ પર નિર્ણય કરશે. આ વચ્ચે કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસોની આશંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: હિમાચલ ચૂંટણી પરિણામ વિશ્લેષણ: કોંગ્રેસે માત્ર 37,974 વધુ મત મેળવીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી
ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં હિમાચલ પ્રદેશમાં પાંચ વર્ષ પછી કોંગ્રેસની સત્તામાં વાપસી થઇ છે. 68 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસે સત્તા વિરોધી લહેર પર સવાર થઇને 40 બેઠક જીતી હતી. હિમાચલ પ્રદેશષમાં કોંગ્રેસે 40 બેઠક જીતી હતી જ્યારે ભાજપ 25 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. અપક્ષે ત્રણ બેઠક જીતી છે જ્યારે આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી નહતી.