ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા વિવિધ થીમ આધારિત રાજયવ્યાપી આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોનો આજે અંતિમ દિવસ હતો. આજે “વિશ્વ આદિવાસી દિવસે” નિમિત્તે રાજ્યનાં વિવિધ 53 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.
વનબંધુઓના સામાજિક અને આર્થિક ઉત્થાન-વિકાસની વિશેષ દરકાર રાખતી આ રાજ્ય સરકારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેથી રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે એક જ દિવસમાં રૂ. 1700 કરોડના 289 વિકાસકામોની ભેટ ધરી છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે છેલ્લાં 5 વર્ષમાં રાજ્ય સરકારે રૂ. 60,000 કરોડ ખર્ચ્યા છે. બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે તે ઉપરાંત 5 લાખ આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ 80 કરોડના લાભો આપવામાં આવ્યા છે. આજે વિશ્વ આદિવાસી દિવસે રૂ. 1222 કરોડના ખર્ચે 70 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 487 કરોડના ખર્ચે 199 કામોનું લોકાર્પણ કરાયુ હતું.
રાજપીપળા ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે. અમારી સરકારે આદિવાસી બાંધવોને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. 60 હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -2 માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ. એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી બાંધવોને શુભ કામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિવાસી યુવાનો ડોક્ટર બને તે માટે રાજયના આદિવાસી વિસ્તારોમાં પાંચ મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: તબીબોની માંગણીઓ માટે ચર્ચા કરવા સરકાર તૈયાર – નીતિન પટેલ
આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, આદિવાસી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક અને યાદગાર બની રહેવાનો છે.આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજપીપળામાં 39 એકર વિસ્તારમાં આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાના નામે ટ્રાઈબલ યુનિવર્સિટીનું ભૂમિપૂજન થયું છે.જેને પરિણામે આદિવાસી યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તકો પ્રાપ્ત થશે. વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કામાં રૂ. એક લાખ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ ક્ષેત્રે હાથ ધરાયેલા કામોની તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.