Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > “નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

“નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

0
57
  • રાજ્યના 3 કરોડથી વધુ નાગરિકોની આરોગ્ય સુખાકારીની જાળવણીના મહા અભિયાન હાથ ધરાયુ

  • જન આરોગ્ય સુખાકારી માટે બિન ચેપી રોગો-બિમારીઓ માટે સ્ક્રીનીંગથી સારવારની રાજ્ય સરકારની પહેલ

  • દર શુક્રવારે નિરામય દિવસ અંતર્ગત આવા રોગની તપાસ-નિદાન-સારવાર શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાશે

ગાંધીનગર: રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રારંભ પાલનપુરથી કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ મહાભિયાનના પ્રારંભ અવસરે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે.

પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, અને થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC, PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.

તેમણે વધુમાં જાણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરીકોના આરોગ્યની ચિંતા કરીને કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. એટલુ જ નહીં, સ્વચ્છતા અભિયાન, ઘર ઘર ટોઇલેટ, દરેકને ઘર, નલ સે જલ, ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ આપીને હવે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આયુષ્માન ભારત- PMJAY કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓનો સફળ અમલ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરીવારો અવશ્ય મેળવી લે તેવી અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી અને અમીત શાહે કંડારેલી વિકાસની કેડી પર વધુ દ્રઢતા સાથે ગુજરાતને આગળ વધારવાની નેમ દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, વર્તમાન સરકારની આ નવી ટીમ રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાઓના લાભ પહોચે તે માટે સંપૂર્ણ કટીબદ્ધ છે. મૂળભૂત જરૂરીયાતોમાં કોઇ ઉણપ ન રહે અને જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ થાય તેવી આ સરકારની પ્રતિબદ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહિતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોચાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.

મુખ્યયમંત્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહિલા ખેલાડીઓ સાથે શુભેચ્છા્ મુલાકાત કરી હતી. આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભ ના સમયે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP,સહિત મહાનુભાવો ઇ- માધ્યમથી જોડાયા હતા.

સામાન્ય પરિવારનો અંદાજે રૂ.12 થી 15 હજારનો ખર્ચ બચશે

અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.12 થી 15 હજારનો ખર્ચ બચશે.

સામૂહિક સંકલ્પ લેવડાવ્યા

આ પ્રસંગે મુખ્મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat