Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ચંદ્રશેખર આઝાદ જેમને બ્રિટીશ પોલીસ ક્યારેય જીવતા પકડી શકી નહીં

ચંદ્રશેખર આઝાદ જેમને બ્રિટીશ પોલીસ ક્યારેય જીવતા પકડી શકી નહીં

0
54

23 જુલાઈ 1906, સીતારામ તિવારી અને જગરાની દેવીના ઘરે ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો હતો. મધ્યપ્રદેશના ભાબરામાં જન્મેલા ચંદ્રશેખરનું નામ આઝાદ શા માટે પડ્યું તેની વાત પણ રસપ્રદ છે. આઝાદની મમ્મી તેને સંસ્કૃતના વિદ્રાન બનાવવા માગતી હતી. પણ આઝાદના જીવનનો ઉદ્દેશ્ય અંગ્રેજોથી દેશને આઝાદ કરવાનું હતું. આજે એ જ ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. જેના જાણી અજાણી વાતો આજે જાણીએ.

ચંદ્રશેખર તિવારીથી ચંદ્રશેખર આઝાદ કેવી રીતે બની ગયા ?
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ તમામ ક્રાંતિકારીઓ અંગ્રેજો સામે વિરોધ કરવા માટે ઉતરી આવ્યા હતા. ચંદ્રશેખર પણ વિરોધ નોંધવી રહ્યા હતા. જેમાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી લીધી. એ સમયે ચંદ્રશેખરની ઉંમર માત્ર 16 વર્ષની હતી. કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા. મેજીસ્ટ્રેટે જ્યારે તેનું નામ, પિતાનું નામ અને ઘરનું સરનામું પૂછ્યું તો જવાબમાં ચંદ્રશેખરે આઝાદ બતાવ્યું. મારું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલ. ચંદ્રશેખરનો જવાબ સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ પણ ચોંકી ગયા. મેજીસ્ટ્રેટે ચંદ્રશેખરને 15 દિવસની જેલની સજા સંભળાવી. જેલમાં અંગ્રેજોએ તેમના પર અત્યાચાર કર્યો. જેલથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે લોકોએ ફૂલ હારથી તેમનું સ્વાગત કર્યું. વર્તમાન પત્રમાં હેડલાઈન છપાય અને ત્યારથી તેમનું નામ આઝાદ પડી ગયું.

કાંકોરી કાંડથી અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા
આઝાદ કાંકોરી કાંડમાં પણ સામેલ હતા. તેમની નીચે અન્ય 10 ક્રાંતિકારીઓ હતા. જેમણે અંગ્રેજોની ટ્રેન લૂંટી હતી. અંગ્રેજોના માથા પર બંદૂક રાખી આખો બક્સો લૂંટી લીધો હતો. જે પૈસા અંગ્રેજો પાસેથી લૂંટ્યા હતા તે અગણિત હતા અને અંગ્રેજ સરકારના હતા. અંગ્રેજો ગમે તે ભોગે ક્રાંતિકારીઓને પકડવા માટે તૈયાર થઈ ગયા. જે લોકોએ ટ્રેનને લૂંટી હતી તેમને અંગ્રેજો પકડી પકડી મારવા લાગ્યા. જેમાંથી 5 તેમની પકડમાં આવી ગયા. અંગ્રેજોએ તેમને મારી નાખ્યા. બીજી તરફ આઝાદ રૂપ બદલવામાં માહેર હતા. ખુલ્લા પગે આઝાદ જંગલોમાં રખડતા રખડતા કાનપુર પહોંચી ગયા. જ્યાં તેમણે આઝાદીની નવી આહલેક જગાવી. જેમાં ભગતસિંહ પણ સામેલ થયા.

રૂદ્રનારાયણ એક પ્યારો મિત્ર
કાંકોરી કાંડ બાદ અંગ્રેજ પોલીસ તેમની પાછળ પડી ગઈ. સાંડર્સની હત્યા, કાંકોરી કાંડ અને અસેમ્બલી ધમાકા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. આઝાદે પોતાના જીવનના દસ વર્ષ ગુમનામીમાં ભાગતા જ વિતાવ્યા હતા. જેમાં વધારે પડતો સમય ઝાંસી અને તેની આસપાસના વિસ્તારોમાં જ પસાર કર્યો હતો. એ સમયે તેમની મુલાકાત માસ્ટર રૂદ્રનારાયણ સક્સેના સાથે થઈ હતી. તેઓ પણ આઝાદની માફક સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેતા હતા. બંન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. ચંદ્રશેખર આઝાદ ઘણા વર્ષો સુધી તેમના ઘરમાં રહ્યા. અંગ્રેજોથી બચવા માટે મોટા ભાગનો સમય તેઓ ઘરની અંદર આવેલી એક ગુપ્ત જગ્યામાં વિતાવતા હતા. જેને તાલઘરના નામે ઓળખવામાં આવતું હતું. એટલું જ નહીં સાથીઓ સાથે મળીને ત્યાંજ આઝાદીની લડાઈ લડવાનો પ્લાન બનાવતા હતા.

ચંદ્રશેખર આઝાદની સૌથી જાણીતી તસવીરનો ઈતિહાસ
રૂદ્રનારાયણ ક્રાંતિકારી હોવા ઉપરાંત એક સારા પેન્ટર પણ હતા. એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં મૂંછ પકડેલી આઝાદની તસવીર તેમણે જ બનાવી હતી. આ તસવીર બનાવવા માટે તેમણે કલાકો સુધી ચંદ્રશેખર આઝાદને એ જ પોઝમાં ઉભા રાખ્યા હતા. એવું પણ કહેવામાં આવે છે કે આઝાદને અંગ્રેજો ચહેરાથી ઓળખતા જ નહોતા. જ્યારે આ તસવીરની તેમને ખબર પડી તો મોઢે માંગી રકમ તેઓ આપવા માગતા હતા. આ સિવાય વધુ એક તસવીર છે જેમાં આઝાદ રૂદ્રનારાયણની પત્ની અને તેના બાળકો સાથે બેસેલા દેખાય છે. એ સમયે રૂદ્રનારાયણની સ્થિતિ બિલ્કુલ સારી નહોતી. આઝાદ એ જોઈ ન શક્યા. એ સરેન્ડર માટે તૈયાર થઈ ગયા જેથી રૂદ્રનારાયણને થોડા રૂપિયા મળી શકે. અને તેની ઘરની સ્થિતિ સારી થઈ જાય. એ પલંગ જ્યાં આઝાદ બેસતા હતા તે આજે પણ રૂદ્રનારાયણના ઘરે છે.

મારા એકલાના મા-બાપ તો નથી
આઝાદ ઘુમતા રહ્યાં અને છુપાતા રહ્યા. પણ ઘરની સ્થિતિ ખૂબ ખરાબ હતી. અંગ્રેજો પાસેથી પૈસા લૂંટવા સિવાય ચંદ્રશેખર પાસે ચંદાનો રૂપિયો પણ આવતો હતો. ઘરની પરિસ્થિતિ કથળી જતા સાથીઓએ સલાહ આપી કે ચંદા અને લૂંટમાંથી આવતો પૈસો ઘરે મોકલી દે. આઝાદ ભડકી ઉઠ્યા અને બોલ્યા કે મારા એકલાના જ તો માતા પિતા નથી. બધા લોકોના છે. તો હું એકલો શું કામે મોકલું ?

આઝાદ છું અને આઝાદ જ રહીશ
તમામ લોકો જાણે છે કે આઝાદે ખૂદને એટલા માટે ગોળી મારી હતી કે અંગ્રેજો તેમને જીવીત ન પકડી શકે. બ્રિટિશર્સ તેમની પાછળ હાથ ધોઈને પડી ગયા હતા. ઘણા પ્રયત્નો કરી ચૂકેલા આઝાદને સરકાર પકડવા માટે ખૂબ ઉત્સુક હતી. ઘણી મહેનત કરી, પણ અંગ્રેજો આઝાદને જીવતા ન પકડી શક્યા. 27 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે જ 1931ની સાલમાં આઝાદ પ્રયાગના આલ્ફ્રેડ પાર્કમાં છૂપાયેલા હતા. મીટીંગ માટે તે પોતાના અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમના એક સાથીએ ગદ્દારી કરી અને અંગ્રેજોને આઝાદ વિશેની માહિતી આપી દીધી. પાર્ક પોલીસે ઘેરી લીધો અને ફાયરિંગ થવા લાગી. આઝાદ પાસે પણ પિસ્તોલ હતી અને ગણતરીની ગોળીઓ હતી. અંતમાં જ્યારે પિસ્તોલમાં એક માત્ર ગોળી બચી ત્યારે તેમણે ખૂદને મારી લીધી. અને હું જીવતો કોઈ દિવસ પકડાઈ નહીં તે પોતાને જ કરેલો વાયદો પૂર્ણ કર્યો. મરતા મરતા તેમણે એક શેર પણ બોલ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat