વિશાલ મિસ્ત્રી રાજપીપલા: BTP રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના MLA મહેશ વસાવાના અંગત વ્યક્તિઓમાંના એક કહી શકાય એવા ગુજરાત BTP કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી BTP માંથી રાજીનામું ધરી દીધું છે, અને દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ચૈતર વસાવાએ એવો દાવો કર્યો છે કે એમની સાથે બીજા 500 જેટલા કાર્યકરોએ પણ BTPને રામ રામ કરી દીધા છે.હવે ચૈતર વસાવાએ BTP માંથી એકદમ રાજીનામું કેમ આપ્યું હશે, શું નારાજગી હશે સહિત અનેક પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્યા છે.એક ચર્ચા મુજબ તેઓ આમ આદમી પાર્ટી સાથે BTP એ જ્યારે ગઠબંધન તોડ્યું એનાથી તેઓ નારાજ હતા જ્યારે BTP અને કોંગ્રેસના સંભવિત ગઠબંધનને લઈને પણ તેઓ નારાજ ચાલી રહ્યા હતા.બીજી ચર્ચાઓ એવી સામે આવી છે કે ચૈતર વસાવાની ઈચ્છા ડેડીયાપાડા વિધાનસભા લડવાની હતી, પણ અંતિમ સમયે એમને પક્ષ દ્વારા ના પાડવામાં આવતાં એમણે આ નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
ડેડીયાપાડા વિધાનસભા જો ચૈતરભાઈ વસાવાએ લડવી હોય તો વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવાએ બેઠક ખાલી કરવી પડે.એક બાજુ BTP ના સર્વે સર્વા છોટુભાઈ વસાવા પોતાની નાદુરસ્ત તબિયતને કારણે આગામી વિધાનસભા ચુંટણી નહિ લડવાનું મન બનાવી ચૂક્યા હોવાનું પણ રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે.એવા સમયે જો મહેશભાઈ વસાવા પોતાના પિતા છોટુભાઇ વસાવાની ઝઘડિયા બેઠક પર ચૂંટણી લડે તો જ ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડા બેઠક લડી શકે.પરંતુ છોટુ વસાવા જો ચૂંટણી ન લડે તો એવા સંજોગોમાં ઝઘડિયા બેઠક પર એમના નાના પુત્ર દિલીપ વસાવાએ ચૂંટણી લડવાની જીદ પકડી હોવાનું જાણવા મળ્યું છે.એટલે મહેશ વસાવા પાસે ડેડીયાપાડા બેઠક પરથી ચૂંટણી લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી તેઓ ડેડીયાપાડા બેઠક પરથી લડશે એ નક્કી મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
હવે ડેડીયાપાડા બેઠક જો BTP એ જીતવી જ હોય તો કોંગ્રેસ સાથે ગઠબંધન વગર એ શક્ય છે જ નહિ.BTP અને કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત પણ હવે લગભગ થવાની જ હતી એવામાં સૌના આશ્ચર્યની વચ્ચે ચૈતરભાઈ વસાવાએ BTP માંથી રાજીનામું ધરી દઈ વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ વસાવાને ચિંતામાં વધારો કરી દિધો છે.ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જો આપ એમને ડેડીયાપાડા પરથી ઉમેદવાર બનાવે અને કોંગ્રેસ BTP નું જો ગઠબંધન થાય તો એનું ખાસ્સુ એવું નુકશાન BTP એ ભોગવવું પડે. કારણ એટલુ જ કે ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડા વિસ્તારમાં વ્યક્તિગત લોકચાહના ધરાવે છે એટલે BTP ના ખાસ્સા એવા મતો તેઓ તોડવા માટે સક્ષમ છે.જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય તો ચતુષ્કોણીય જંગ ખેલાય એવા સંજોગોમાં પણ BTP ને મોટું નુકશાન થવાની સંભાવનાઓ રહેલી છે.
ચૈતર વસાવાને જો આમ આદમી પાર્ટી ઉમેદવાર બનાવે તો એવા સંજોગોમાં ભાજપને સૌથી મોટો ફાયદો થશે અને ડેડીયાપાડા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રેહશે.ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિગત મહત્વ શું છે એ BTP ને હવે ખબર પડશે.જો કે નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવા એમ કહી રહ્યા છે કે ડેડીયાપાડા બેઠક તો BTP જ જીતશે.પણ ચૈતર વસાવાની ગેરહાજરીમાં યોજાનાર ચૂંટણી માટે ડેડીયાપાડા બેઠક પર BTP ની ખરી પરીક્ષા હવે જ થશે. આ તમામની વચ્ચે ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ચૂંટણી નજીક હોવા છતાં BTP હાઈકમાંડ કોઈ નિર્ણય લેતી નથી.કોની સાથે ગઠબંધન કરવાનુ છે કોની સાથે તોડ્યું છે એની પણ જાણ કરાતી નથી.અમારી અવગણના થાય છે એનું મને દુઃખ છે.અમે અમારા પ્રશ્નોની રજુઆત કેજરીવાલ સાથે કરી છે, એમણે અમારી લડાઇ વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવવાની બાહેધરી આપી છે.
Advertisement