Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાના કેસ વધતા કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા, સુરતની લીધી મુલાકાત

કોરોનાના કેસ વધતા કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા, સુરતની લીધી મુલાકાત

0
240

સુરત: ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે કેન્દ્ર તરફથી 4 સભ્યોનું એક ટીમ ગુજરાતની મુલાકતે આવી છે. ગુરુવારે સાંજે સુરત આવી પહોંચેલી 4 સભ્યોની ટીમે અધિકારીઓ સાથે મુલાકાત બાદ શુક્રવારે અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.

ગુજરાતમાં નવા 919 કેસ સાથે કુલ 45,567 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2091 પર પહોંચ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે સુરત એપી સેન્ટર બની રહ્યું છે. સુરતમાં નવા 217 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ ડાયમંડ સિટીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7930 પર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં નવા 45 કેસો સાથે કુલ પોઝિટિવ કેસ 1537 થયા છે. આમ સુરત શહેર અને જિલ્લાના મળીને કુલ 9467 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે રીતે સુરત અને ગુજરાતમાં કેસોની સંખ્યા વધી રહી છે, સરકાર અને તંત્રની ચિંતામાં વધારો થયો છે, જેને પગલે કેન્દ્રિય ટીમ ફરી એક વખત સુરતની મુલાકાતે આવી છે.

► કેન્દ્રીય ટીમના ક્યા સભ્યો સુરત પહોંચ્યા?
→ વિનોદ કુમાર પોલ (મેમ્બર, હેલ્થ, નીતિ આયોગ)
→ ડો રણદીપ ગુલેરિયા (ડાયરેક્ટર, એઈમ્સ)
→ આરતી આહુજા (સેક્રેટરી, આરોગ્ય વિભાગ)
→ પ્રો. ડો. બલરામ ભાર્ગવા (સેક્રેટરી, ડીએચઆર – ડીજી, આઈસીએમઆર)

આ ટીમે ગુરુવારે સાંજે સુરતના કલેક્ટર, મનપા કમિશ્નર, ડીડીઓ, પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં અત્યાર સુધીની સ્થિતિ અને તંત્ર દ્વારા કયાં પગલાં ભરવામાં આવ્યા છે? તેની વિગતો મેળવી હતી.

શુક્રવારે સવારે ટીમના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો સાથે બેઠક કરી દવાઓ અને સારવાર માટે ચર્ચા કરી કેટલીક માહિતી આપી હતી, તો સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. 4 સભ્યોની આ ટીમ સુરતથી અમદાવાદ જવા રવાના થઈ છે, જ્યાં તેઓ અમદાવાદના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે.

આ મુલાકાત દરમિયાન ડૉ રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ઈન્જેક્શનની ખોટ આગામી 10 દિવસમાં પૂરી થઈ જશે. ભારતની ત્રણ કંપનીઓને ઈન્જેક્શન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય ટીમના ડૉ બલરામ ભાર્ગવે જણાવ્યું કે, સુરતમાં કેસોની સંખ્યામાં ઘટાડો થશે.

અમદાવાદ-સુરત બાદ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધ્યું, રાજકોટમાં સૌથી વધુ કેસ