Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્ર સરકારે પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવાનો કર્યો ઇનકાર

કેન્દ્ર સરકારે પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવાનો કર્યો ઇનકાર

0
26

કથિત પેગાસસ જાસૂસી કેસમાં સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે આ મામલાની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે સોગંદનામું દાખલ કરશે નહીં.

કેન્દ્ર સરકારે ચીફ જસ્ટિસ જસ્ટિસ એનવી રમન્નાની ડિવિઝન બેન્ચ સમક્ષ કહ્યું છે કે ‘આતંકવાદી સંગઠનોને ખબર ન પડવી જોઈએ કે આતંક સામે લડવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે’.

કેન્દ્ર દ્વારા સોગંદનામું દાખલ ન કરવાના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે આ કેસનો આદેશ અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આગામી બે દિવસમાં વચગાળાનો આદેશ આપશે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ‘કોઈ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે કે નહીં, આ કેસ પબ્લિક ડોમેન માટે નથી’.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે ફરી એકવાર ‘રાષ્ટ્રીય સુરક્ષા’ નો હવાલો આપ્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ના તર્કને સમજે છે, તેથી જ સરકારને માત્ર લોકોના ફોન હેકિંગ જેવા દાવાઓનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, “છેલ્લી વખત પણ રાષ્ટ્રીય સુરક્ષાની દલીલ સામે આવી હતી અને અમે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈ પણ રીતે દખલ કરી શકે નહીં. અમે તમને પૂછ્યું હતું કે વ્યક્તિગત લોકોના ફોન હેક કરવાનો દાવો છે.. તો તમે તમારું સોગંદનામુ દાખલ કરો, જેને આ અધિકાર આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, “અમે પર્સનલ ફોન હેક થવાના મુદ્દાઓ અંગે ચિંતિત છીએ. કઈ એજન્સી પાસે આ સત્તા છે અને તે કરવા માટે કોઈ અધિકૃત છે કે નહીં. અહીં કેટલાક લોકો છે જેમણે કહ્યું છે કે તેમના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. “

કેન્દ્ર સરકારે એક તપાસ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ ક્ષેત્ર સાથે સંબંધિત નિષ્ણાતોની સમિતિ દ્વારા આ મુદ્દાની તપાસ કરી શકાય છે, જે સુપ્રીમ કોર્ટમાં તેનો રિપોર્ટ દાખલ કરી શકે છે.

સોલિસિટર જનરલે કહ્યું કે આ સમિતિ જ તપાસ કરશે કે આ જાસૂસી પેગાસસથી કરવામાં આવી હતી કે પછી ફોન હેકિંગનો મામલો હતો.

સોલિસિટર જનરલે કહ્યું કે કેન્દ્ર સરકાર નિષ્ણાતોની તકનીકી સમિતિની રચના કરશે અને અરજદારો અને તેમના જાસૂસી હોવાનો દાવો કરનારા લોકોના ફોનની તપાસ કરશે.

આનો અર્થ તે થયો કે, જે સરકાર ઉપર ફોન હેકિંગ કરવાનો આરોપ છે તે પોતે જ કમેટીની રચના કરવા માંગે છે અને તે કમેટી તપાસ કરીને કહેશે કે તેની જન્મદાતા સરકારે હેકિંગ કર્યું છે કે નહીં? ટૂંકમાં કહીએ તો આરોપી પોતે જ પોતાની તપાસ કરવા માંગે છે.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે સોલિસિટર જનરલ મહેતાને જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે વિગતવાર સોગંદનામું દાખલ કરવાની ઉચિત અને નિષ્પક્ષ તક આપી હતી જેથી અરજી સાથે સંબંધિત મહત્વના મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય મળી શકે. જો સરકાર આમ નહીં કરે તો સુપ્રીમ કોર્ટ વિવિધ પક્ષોને સાંભળશે અને યોગ્ય આદેશ જારી કરશે. ”

ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે 7 સપ્ટેમ્બરના રોજ આ મામલાની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને અરજીઓનો જવાબ આપવા માટે વધુ સમય આપ્યો હતો કારણ કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમને સોગંદનામું દાખલ કરવાની સત્તાવાર પરવાનગી મળી શકી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat